Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી લોકો રોમાંચિત

વાદળોની સંતાકુકડી વચ્ચે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો સર્જાયો : વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટ સહીત એનક સ્થળે નિદર્શન-અવલોકન

રાજકોટ તા. ૨૨ : ગઇ કાલે આકાશમાં સર્જાયેલ કંકણાકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ નિહાળી લોકો રોમાંચિત થઇ ઉઠયા હતા. વિજ્ઞાન જાથા દ્વારા રાજકોટમાં રાજય કક્ષાના કાર્યક્રમો સાથે અનેક જિલ્લા તાલુકા મથકોએ નિદર્શન અવલોકનના કાર્યક્રમો થયા હતા.

જાથાની યાદીમાં જણાવ્યા મુજબ સવારે ૧૦ વાગ્યે ઉત્તર ભારતમાં ગ્રહણનો સ્પર્શ થવાની સાથે લોકોએ તાળીઓ પાડી ગ્રહણનું સ્વાગત કર્યુ હતુ. અમુક સ્થળે સ્વચ્છ આકાશમાં ફિલ્ટર ચશ્મા અને ઉપકરણોના માધ્યમથી આહલાદક નજરો સ્પષ્ટ માણવામાં આવ્યો હતો. તો અમુક સ્થળે વાળદોની સંતાકુકડી વચ્ચે ગ્રહણ નિહાળાયુ હતુ.

ગ્રહણ નિહાળવા સાથે નકારાત્મક આગાહીઓની હોળી કરી વેદ્યાદિ નિયમોનો ઉલાળીયો કરી ગ્રહણની સાચી સમજણ અપાઇ હતી.

રાજયકક્ષાના રાજકોટમાં યોજાયેલ કાર્યક્રમનું તનિષ્ક-એ ટાવરના રમેશભાઇ લોલારીયા અને યુ-ટર્ન ઓપ્ટીકલવાળા ઉમેશભાઇ શેઠના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ સમયે મહેન્દ્રભાઇ કામદાર, મયંકભાઇ સંઘવી, વિમલભાઇ જીવરાજાની, ગોવિંદભાઇ કાનગડ, મુકેશભાઇ દોશી, હિતેનભાઇ શેઠ, પ્રદિપભાઇ મહેતા, પ્રવિણભાઇ અગ્રવાલ, સંદીપભાઇ પારેખ, જીતુભાઇ જીવરાજાની, મનીષભાઇ કકકડ, પિયુષભાઇ કાચલીયા, વિશાલભાઇ પાટડીયા, કશ્યપભાઇ શુકલ, અમિતભાઇ સંઘવી, અશ્વિનભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જાથાના રાજયના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા દ્વારા રાજયભરમાં ૪૦૦ થી વધુ નાના મોટા નગરોમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમો સફળ રીતે યોજવામાં આવ્યા હતા.

રાજકોટમાં ગ્રહણ સ્પર્શ સવારે ૯ કલાક ૫૯ મિનિટે, જુનાગઢમાં ૯ કલાક ૫૮ મિનિટે, અમદાવાદમાં ૧૦ કલાક ૩ મિનિટે, વડોદરામાં સવારે ૧૦ કલાક ૪ મિનિટે દિલ્હીમાં ૧૦ કલાક ૨૦ મિનિટે,  કાનપુરમાં ૧૦ કલાક ૨૫ મિનિટે એમ દરેક મોટા શહેરોમાં અલગ અલગ સમય નોંધાયા હતા.

જાથાની યાદીમાં જણાવાયુ છે કે સૂર્યગ્રહણ નરી આંખે જોવુ જોખમી છે. જો કે ગ્રહણ સમયે ઝેરી વાયુ ફેલાવાની વાતો હંબક છે. લેભાગુ જયોતિષિઓ દ્વારા ગ્રહણ સંબંધી ક્રિયાકાંડ, કર્મકાંડ રાશી બાબતની વાતો પણ ભ્રામક છે. આ બાબતે લોકોને સાચી સમજ મળે તે માટે જાથા દ્વારા ગ્રહણ નિદર્શન અવલોકન સાથે ફળકથનની હોળી અને સાચી માહીતી આપવા જનજાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધરાયા હતા.

જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઇ યાદવ, જીવણભાઇ મિયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઇ લોદરીયા, રૂચિર કારીઆ, ગૌરવ કારીઆ, શૈલેષ શાહ, એસ. એમ. બાવા, હુસેનભાઇ ખલીફા, મગનભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, પ્રમોદ પંડયા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઇ, તુષાર રાવ, હરેશ ભટ્ટ વગેરે આ કાર્યક્રમમાં સાથે જોડાયા અને અને સૂર્યગ્રહણ વિષે લોકોને સાચી સમજ આપી ગેરમાન્યતાઓનું ખંડન કરેલ. તેમ જાથા કાર્યાલય (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(3:55 pm IST)