Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

લોકડાઉન ખુલ્યા પછી પણ ધંધો ન જામતાં કંટાળીને પટેલ કારખાનેદાર કેવીન દુધાત્રાનો ગળાફાંસો ખાઇ આપઘાત

કોઠારીયા રોડના રામનગરમાં બનાવઃ બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંતઃ સાંજે સાઢુભાઇની દિકરીના જન્મદિવસમાં ન પહોંચતા તપાસ થતાં ઘરે આ પગલુ ભરી લીધાની ખબર પડી

રાજકોટ તા. ૨૩: કોરોના મહામારીને કારણે અમલમાં મુકાયેલુ લોકડાઉન ખુલી ગયા પછી પણ ધંધો બરાબર જામતો ન હોઇ કંટાળીને લોકો ટૂંકો માર્ગ અપનાવી રહ્યાના અનેક બનાવ અત્યાર સુધીમાં બની ગયા છે. વધુ એક બનાવમાં કોઠારીયા રોડ રામનગરના પટેલ કારખાનેદાર યુવાને ધંધોમાં જમાવટ થતી ન હોઇ કંટાળી જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ રામનગર-૧ શેરી નં. ૬ અક્ષર સ્કૂલ સામે રહેતાં કેવિનભાઇ મનસુખભાઇ દુધાત્રા (ઉ.વ.૨૮) નામના પટેલ યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે તેને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર કેવીનભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પત્નિનું નામ ચંદ્રીકાબેન છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેવીનભાઇ અટીકા પરસાણાનગરમાં સાઢુભાઇ હિતેષભાઇ ઘેલાણી સાથે મોટર રિવાઇન્ડીંગનું કારખાનુ ભાગીદારીમાં ચલાવતો હતો. ગઇકાલે તેના સાઢુભાઇની દિકરીનો જન્મદિવસ હોઇ તેના પત્નિ, સંતાનો બપોરથી સાઢુભાઇના ઘરે હતાં. કેવિનભાઇ બપોર બાદ સાડા ત્રણેક વાગ્યે કારખાનેથી નીકળી ગયેલ. પરંતુ સાંજે સાઢુભાઇના ઘરે તેની દિકરીના બર્થડે ફંકશનમાં ન પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન તેના ઘરે જઇ તપાસ કરવા સાઢુભાઇ પહોંચ્યા ત્યારે કેવિનભાઇ લટકતાં જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

તેમને તાકીદે નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. પરિવારજનોના કહેવા મુજબ લોકડાઉન પછી ધંધામાં જમાવટ થતી ન હોઇ કેવીનભાઇ કેટલાક દિવસથી ચિંતામાં રહેતાં હતાં અને અંતે આ પગલુ ભરી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)