Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રાજકોટના કે.રતનલાલ આંગડિયા પેઢીની અમદાવાદ બ્રાંચનો મેનેજર ગોવિંદ ૨૫ લાખની રોકડ સાથે છનનન

૧૫-૧૬ તારીખના ગ્રાહકોના આવેલા આંગડિયાની રકમ લઇ બજારમાં જવાનું કહીને ગયો તે ગયોઃ પેઢીના માલિક વર્ધમાનનગરમાં રહેતાં રતનસિંહ પરમારની ફરિયાદ પરથી પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૩: રાજકોટની કે. રતનલાલ આંગડિયા પેઢીની અમદાવાદ બ્રાંચનો મેનેજર મુળ બેચરાજીના મંડાલી ગામનો શખ્સ ગ્રાહકોને પહોંચાડવાના આંગડિયાના રૂ. ૨૫ લાખ લઇ છનનન થઇ જતાં આ ફરિયાદ નોંધાવવામાં આવતાં અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં રાજકોટ પેલેસ રોડ પર ૭-વર્ધમાનનગર બી-૧૦૩ મનમંદિર એપાર્ટમેન્ટ પહેલા માળે રહેતાં અને કે. રતનલાલ નામે અગિયાર વર્ષથી આંગડિયા પેઢી ચલાવતાં મુળ પાટણના ચાણસ્માના લણવા ગામના રતનસિંહ બળદેવસિંહ પરમાર (ઉ.૫૮)ની ફરિયાદ પરથી નવરંગપુરા પોલીસે કે. રતનલાલની અમદાવાદની મુખ્ય બ્રાંચના મેનેજર ગોવિંદ વેલાભાઇ દેસાઇ (ઉ.૩૬-રહે. ત્રીજો માળ પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, ભુયંગદેવ ઘાટલોડીયા, મુળ મંડાલી તા. બેચરાજી જી. મહેસાણા) સામે આઇપીસી ૩૮૧ મુજબ ગુનો નોંધ્યો છે.

રતનસિંહ પરમારે જણાવ્યું છે કે અમારી આંગડીયા પેઢીની મુખ્ય ઓફિસ અમદાવાદ રતનપોળ નગરશેઠ માર્કેટમાં આવેલી છે. બીજી શાખા નવરંગપુરા પંજાબી હોલની સામે સુવર્ણકલા કોમ્પલેક્ષમાં છે. આ નવરંગપુરા શાખામાં ઓફિસનું કામકાજ મેનેજર ગોવિંદ દેસાઇ સંભાળે છે. ડિલીવરી બોય તરીકે દેવેન્દ્રભાઇને રાખ્યા છે. હું રાજકોટ રહુ છું અને બે-ત્રણ મહિને અમદાવાદ બ્રાંચ ખાતે આવુ છું. નવરંગુપરાની શાખામાં અલગ-અલગ આંગડિયા આવ્યા હોઇ જે ગ્રાહકોને ચુકવવાના હતાં. ૧૫/૬ તથા ૧૬/૬ના રોજ કુલ રૂ. ૨૫ લાખની રોકડ અલગ-અલગ ગ્રાહકોની આવી હતી.

આ રૂપિયાનો હિસાબ બ્રાંચ મેનેજર ગોવિંદ દેસાઇ પાસે રહેતો હતો. ૧૬મીએ હું રાજકોટ સોની બજારની અમારી ઓફિસે હતો ત્યારે અમદાવાદ નવરંગપુરા પેઢીના ડિલીવરીબોય દેવેન્દ્રભાઇનો ફોન આવ્યો હતો કે મેનેજર ગોવિંદ દેસાઇ બજારમાં પૈસા લેવા જવાનું કહીને નીકળ્યાબાદ પાછા આવ્યા નથી.

આથી મેં તેના મોબાઇલ ફોન પર સંપર્ક કરતાં ફોન બંધ આવતો હતો. બીજી તરફ જે તે વેપારીને આંગડિયુ ન મળતાં આ બધા વેપારીઓ ઓફિસે રૂપિયા લેવા આવતાં હું અમદાવાદ ગયો હતો. મારા મિત્ર સાથે મળી ગોવિંદની ઠેર-ઠેર શોધખોળ કરી હતી. તેના ગામ મંડાલી (તા. બેચરાજી) પણ અમે તપાસ કરવા ગયા હતાં. પરંતુ તે ત્યાં મળ્યો નહોતો. અંતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાંના હેડકોન્સ. સજુભાઇ નારણભાઇ વધુ તપાસ કરે છે.

(3:00 pm IST)