Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કાલે અષાઢી બીજથી એસ.ટી.નું નવું બસ સ્ટેશન ધમધમશે

ઢેબર રોડ ખાતે નવા રંગ રૂપ - રંગરોગાન સાથે તૈયાર : પ્લેટફોર્મ નં.૧, ૨, ૩ ઉપર પ્રિમીયમ સર્વિસ, ૪,૫,૬ ઉપરથી અમદાવાદ, ગાંધીનગર, ઉંઝા, પાટણ, ઈડર, મહેસાણા, થરાદ, અંબાજીની બસ મળશે

રાજકોટ, તા. ૨૨ : શહેરના ઢેબર રોડ પર આવેલ જુના બસ સ્ટેશનની જગ્યાએ અદ્યતન સુવિધાસભર નવું બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું ૨૫ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. શાસ્ત્રીમેદાન સ્થિત હંગામી બસ સ્ટેશનને તબક્કાવાર ઢેબર રોડ પર આવેલા નવા બસ પોર્ટ ખાતે તબદીલ કરવામાં આવનાર હોય તેના ભાગરૂપે પ્રથમ તબક્કે કુલ આઠ પ્લેટફોર્મને તા. ૨૩ જૂનને અષાઢી બીજના દિવસથી સવારથી નવા બસ પોર્ટ ખાતે શરૂ કરવામાં આવશે.       

પી.પી.પી.ના ધોરણે બનેલ આઇકોનીક બસ ટર્મિનલ ૧૧૧૭૮ ચો.મી.નો વિસ્તાર ધરાવે છે. રૂ. ૪૫.૨૩ કરોડના ખર્ચે બનેલ આ બસ ટર્મિનલમાં બીલ્ટઅપ વિસ્તાર ૨૦૧૨૦ ચો.મી.નો છે. એલાઇટિંગ અને બોર્ડિંગ પ્લેટફોર્મ ૨૦ અને આઇડલ પ્લેટફોર્મ ૧૦ છે. બસ ટર્મિનલની પ્રોજેકટ કિંમત રૂ. ૮.૬૬ કરોડ છે.

રૂટની વિગતો જોઈએ તો, પ્લેટફોર્મ નંબર ૧,૨ અને ૩ ઉપર પ્રીમિયમ સર્વિસ, પ્લેટફોર્મ નંબર ૪,૫ અને ૬ ઉપર અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ઉંઝા, સિદ્ઘપુર, પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, પાટણ, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી, શામળાજી, ઉદયપુર, રાજસ્થાન જવા માટે બસ મળશે.

પ્લેટફોર્મ નંબર ૭ અને ૮ ઉપર લીંબડી, ખેડા, નડિયાદ, આણંદ, બરોડા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર, સાપુતારા, નાસિક, શિરડી, મહારાષ્ટ્રની બસો મળશે.

પ્લેટફોર્મ નંબર ૯,૧૦ અને ૧૧ ઉપર ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, કવાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ, મધ્યપ્રદેશની બસો મળશે. તેમ એસ.ટી.ના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.

(2:54 pm IST)