Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ક્રિકેટર બનવા માટે ઘર છોડનાર વિવેક પટેલને રાજકોટ પોલીસ મુંબઇથી હેમખેમ પરત લાવી

૧૯મી કારખાનેદારનો પુત્ર ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો'તોઃ તાલુકા પોલીસની ટીમે સતત દોડધામ કરી સગીરને શોધી કાઢયોઃ વિવેકે મુંબઇ પહોંચી મોબાઇલ ચાલુ કરતા લોકેશન મળ્યું: વિવેક-વિરાટ કોહલીનો અનહદ ચાહક તે ગુડગાંવમાં ક્રિકેટ શીખવા જવાનો હતોઃ ત્રણ દિવસમાં વિવેક અમદાવાદ, દિલ્હી અને મુંબઇ ઘુમી વળ્યોઃ લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સહયોગ રાજકોટ પોલીસ માટે મહત્વનો પુરવાર થયોઃ હવે હું ભાગીશ નહી પણ રાજકોટમાં ક્રિકેટર તો બનીશ જઃ વિવેક

રાજકોટ તા.૨૨: કાલાવડ રોડ પરના કો.જી. કોટિયાર્ડ માં રહેતો પટેલ કારખાનેદારનો પુત્ર ઘરેથી કહયા વગર ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયા બાદ સગીર જયપુર પહોંચ્યો હોવાની માહિતી મળતા તાલુકા પોલીસની ટીમે સતત દોડધામ કરી સગીરને મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પરથી હેમખેમ મળી આવતા પટેલ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સગીરે ક્રિકેટર બનવા માટે ઘર છોડયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

પોલીસ સૂ્ત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના નાના મવા વિસ્તારમાં આવેલા કોજીયાર્ડ ૩૦૧ સ્પીડવેલ પાર્ટીપ્લોટમાં રહેતા કારખાનેદાર જીતેન્દ્રભાઇ નાનજીભાઇ કલોલાનો પુત્ર વિવેક (ઉ.વ.૧૭) છ દિવસ પહેલા પરિવાની જાણ બહાર ઘરેથી નિકળી ગયો હતો. આ અંગે પોલીસ મથકમાં પી.આઇ. વી.એસ. વણજારાએ સગીરના પિતાની ફરીયાદ પરથી અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને પી.એસ.આઇ. જી.એસ. ગઢવી તથા દિવ્યરાજ સિંહ ઝાલા તથા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. કાનમીયાની ટીમે દોડધામ શરૂ કરી હતી. દરમ્યાન વિવેકે તેના પિતાના મોબાઇલમાં પોતાની મરજીથી ગયો છુ અને બે દિવસમાં તમને ખબર પડી જશે તેવો મેસેજ કર્યો હતો. જેના પગલે તાલુકા પોલીસે મોબાઇલના આધારે લોકેશન ચેક કરતા જયપુર રાજસ્થાન હોવાનું ધ્યાને આવતા ટીમ રાજસ્થાન દોડી ગઇ હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા વિવેક ત્યાંથી નીકળી ગયો હતો. અને પુછપરછ કરતાં ક્રિકેટનો અનહદ ચાહક વિવેક જયપુર ક્રિકેટ એકેડમી જોઇન્ટ કરવા ગયો હતો. પરંતુ ત્યાં કેમ્પ પુર્ણ થયો હોઇ દિલ્હીનું એડ્રેસ લઇ ગયાનું જાણવા મળતા પોલીસે દિલ્હી તપાસ લંબાવતા ત્યાંથી વિવેક નીકળી ટ્રેન મારફત મુંબઇ પટેલવાડી પહોંચ્યાનું જાણવા મળતા મુંબઇ લોકલ ક્રાઇમ બ્રાંચની મદદ લઇ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કાનમીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમ મુંબઇ દોડાવાઇ હતી. અને ત્યાં તપાસ કરતા પોલીસે બાંન્દ્રા રેલ્વે સ્ટેશન પરથી હેમખેમ શોધી કાઢયો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વિવેક પટેલ ધોરણ-૧૧માં અભ્યાસ કરે છે. અને તેને ક્રિકેટનો અનહદ શોખ અને ક્રિકેટમાં કારકીદીં બનાવવા માટેની ઘેલછામાં પોતે અભ્યાસમાં ધ્યાન આપી ન શકતો તેથી તેના પિતા તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા પરંતુ વિવેકે ક્રિકેટમાં કારકીર્દી બનાવવાનો મનોમન નિર્ણય લઇ લીધો હતો. અને તા. ૧૯મીએ તે ઘરેથી કોઇને કહયા વગર નિકળી ગયો હતો. વિવેક ઘરેથી નીકળી રોડ પર પહોંચતા કોઇ બાઇકર્સ પાસે લીફટ માંગી તે નાા મવા સર્કલ પહોંચ્યો હતો. અને ત્યાંથી તે રીક્ષામાં રેલ્વે સ્ટેશને પહોંચી અમદાવાદ પહોંચ્યો હતો. બાદ ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં જયપુર બાદ દિલ્હી પહોંચ્યો હતો. દરમ્યાન વિવેક પરત ઘરે ન આવતા તેના પરિવારજનો એ તેની શોધખોળ આદરી હતી. પરંતુ કોઇ પતો ન લાગતા તેના પિતાએ તાલુકા પોલીસમંા જાણ કરતા પોલીસે વિવેકને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. ત્યાં વિવેકે તેના પિતાને મોબાઇલ ફોનમાં મેસેજ કરતા તેનું લોકેશન જયપુર મળ્યું હતું. અને રાજકોટ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ વણજારા તથા પીએસઆઇ જી.એસ.ગઢવી રાઇટર દિવ્યરાજસિંહ આ ઉપરાંત લીમડીના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને પણ આ મામલે વાકેફ કરતા તેણે તેના ટેકનીકલ સોર્સ પણ મદદરૂપ થયા હતા.

પરિવારજનોએ પોલીસમાં જાણ કર્યાની ખબર પડતા તેણે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. અને તે જયપુરથી દિલ્હી પહોંચ્યો હતો ત્યાંથી ગુડગાંવ જવાનો હતો પરંતુ પોલીસને ગુમરાહ કરવા માટે પોતે મુંબઇ પહોંચ્યો હતો અને ત્યાં બાંન્દ્રા રેલ્વે સ્ટેશનમાં મોબાઇલ ફોન ચાલુ કરતા પોલીસને લોકેશન મળતા તેને શોધી કાઢયો હતો. (૧.૨૩)

(4:26 pm IST)