Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

આરોગ્‍ય અને પોષણ એકબીજા સાથે જોડાયેલા હોય વિવિધ વિભાગો વચ્‍ચે સંકલનને મજબૂત કરવાની જરૂરીયાત

બાળ મૃત્‍યુ દર ૧૨થી ઓછો કરવા - માતા મૃત્‍યુ દર ૨૭થી ઓછો કરવો જરૂરી : અગ્રવાલ રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષી દ્વારા આરોગ્‍ય અંગે મહત્‍વનું પ્રેઝન્‍ટેશન

કેવડિયા ખાતેની ચિંતન શિબિરમાં રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી તથા અન્‍ય અધિકારીઓ દ્વારા આરોગ્‍ય અંગે મહત્‍વના સૂચનો થયા હતા. આ પ્રેઝન્‍ટેશન સમયે રાજકોટના ભૂતપૂર્વ કલેકટર અને હાલ હેલ્‍થ મીશનના ડાયરેકટર શ્રી રેમ્‍યા મોહને પણ મહત્‍વની ટીપ્‍સ આપી હતી.

રાજકોટ તા. ૨૨ : એકતા નગર ખાતે યોજાઇ રહેલી દસમી ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ જૂથોએ તેમને સોંપાયેલા વિષયોના પ્રોબ્‍લેમ સ્‍ટેટમેન્‍ટ પર મનોમંથન બાદ આજે વરિષ્ઠ અધિકારીઓએ પોતાના જૂથ વતી નિષ્‍કર્ષો રજૂ કરતું પ્રેઝન્‍ટેશન આપ્‍યું હતું.

આરોગ્‍ય અને પોષણ

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના અધિક મુખ્‍ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ અને રાજકોટના કલેક્‍ટર શ્રી પ્રભવ જોશીએ આરોગ્‍ય અને પોષણ વિષયે થયેલ જૂથ ચર્ચાના નિષ્‍કર્ષનું પ્રેઝન્‍ટેશન રજૂ કરતાં કહ્યું કે, આરોગ્‍ય અને પોષણના તમામ સૂચકાંકો એકબીજા સાથે ગહનતાથી જોડાયેલા હોઈ, વિવિધ વિભાગો વચ્‍ચેના સંકલનને વધુ મજબૂત કરવાની જરૂરિયાત છે.

શ્રી અગ્રવાલે આવનારા પાંચ વર્ષમાં બાળ મૃત્‍યુ દર ઘટાડીને ૧૨ થી ઓછો કરવો તથા માતા મૃત્‍યુ દર ઘટાડીને ૨૭ થી ઓછો કરવો, સ્‍ટન્‍ટીંગ અને વેસ્‍ટિંગ ઘટાડવા તથા એનીમિયાનું પ્રમાણ ઘટાડવા માટેના ઉપાયો પર વિચારો રજૂ કર્યા હતા.

જુથ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્‍ટેશનમાં સ્‍કૂલ/ આંગણવાડીને પોષણ અભિયાનનું નોડલ પોઇન્‍ટ બનાવવા, પ્રવેશોત્‍સવ અને ગુણોત્‍સવ સાથે પોષણોત્‍સવનું પણ આયોજન કરવું, ‘એનિમિયા મુક્‍ત શાળા'/ ‘વજન વધારવું' જેવી સ્‍પર્ધાઓ યોજવી, સબ સેન્‍ટર/વન સ્‍ટોપ સખી સેંટર ઉપર લગ્ન પહેલા -  પછી  કાઉન્‍સેલિંગની સુવિધા આપવી, જોખમી પ્રેગ્નન્‍સીના વહેલાસર નિદાનને પ્રાથમિક માપદંડ બનાવવું, સોનોગ્રાફીનો વ્‍યાપ વધારવો, જોખમ ધરાવતી સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકોના વાલીઓનું કાઉન્‍સેલિંગ કરવું જેવા સુઝાવો આપવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત ‘આપણા દ્વાર સારવાર' ના મંત્રને સાર્થક કરવા બાળ સખા યોજનાને PMJAY ના પરિપેક્ષ્યમાં સુદ્રઢ કરવી, બાળકોના ખોરાક પોષણક્ષમ બને તે માટે સરગવા, ખજૂર તથા ફળોનો આંગણવાડી અને મધ્‍યાહન ભોજનમાં મહત્તમ ઉપયોગ કરવો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવી, મમતા દિવસ અને મંગલ દિવસે આયુષની સેવાઓ ઉપલબ્‍ધ કરાવવી જેવા સૂચનો રજૂ કરવામાં આવ્‍યા હતા.

(11:34 am IST)