Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

રાજકોટના રેસકોર્સમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા ભાજપના પ્રદેશ પ્રમુખ સી, આર, પાટીલ

સીઆર પાટીલે ખાનગી કંપનીનું ઉદ્ઘાટન કર્યા પછી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે તૈયારીના ભાગ રૂપે બાગેશ્વરધામ કાર્યાલયની મુલાકાત લીધી

રાજકોટ :  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કાર્યક્રમ કરવાના છે. જેને લઈને એક તરફ અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો લાગ્યા છે તો બીજી તરફ હિન્દુ ધર્મના નામે બાબાને ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં જ રાજકોટમાં જ્યાં બાબાના કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યાં વાંકાનેર ખાતે એક ખાનગી કંપનીના લોન્ચિંગના કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રમુખ સી આર પાટીલ અને ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના નેતા ઉપરાંત ધારાસભ્યો આવ્યા હતા.

 દરમિયાન બાગેશ્વરના સનાતન ધર્મ મામલે ભાજપના નેતા ભરતભાઈ  બોઘરાએ પણ વાત કરી હતી. ઉપરાંત સીઆર પાટીલ રેસકોર્સ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ કાર્યાલય ખાતે મુલાકાતે પણ પહોંચી ગયા હતા. કાર્યકર્તાઓ સાથે બેઠક પણ લીધી હતી.

  ભરતભાઈ  બોઘરાએ કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મના પ્રચારક છે, અંધશ્રદ્ધા સાથે તેમની સરખામણી અયોગ્ય છે. જેને લઈને તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસને 2024ની લોકસભામાં જનતા જવાબ આપશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો ગામેગામ જેનું મંદિર છે તેવા ભગવાન રામ પર પણ સવાલો ઉઠાવી ચુક્યા છે. કોઈ સનાતન ધર્મની વાત કરે ત્યારે ભાજપનું માર્કેટિંગ છે તેવું કહે છે.

  સીઆર પાટીલે ખાનગી કંપનીનું ઉદ્ઘાટન કર્યા પછી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટેની તૈયારીના ભાગ રૂપે બાગેશ્વર ધામ કાર્યાલયની મુલાકાત લીધી હતી. 1 અને 2 જુને આ કાર્યક્રમ યોજાવાનો છે. આ પહેલા ભાજના પક્ષ પ્રમુખની મુલાકાત એ સૂચક મનાઈ રહી છે. તેમણે અહીં આયોજકો પાસે કાર્યક્રમની તૈયારીની માહિતી મેળવી હતી ઉપરાંત કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી.

(6:20 pm IST)