Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઘર નજીક ગાળો બોલવાની ના પાડતાં મહેન્દ્રભાઇ ગોસ્વામી અને બે ભત્રીજા પર ધોકા-પાઇપથી હુમલો

ખોખડદળ પુલ પાસે હરિઓમ પાર્કમાં બનાવઃ કનુભાઇ કાઠી અને તેના પુત્રો સહિતે હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: ખોખડદળ નદીના પુલ પાસે હરિઓમ પાર્ક-૨માં રહેતાં રિક્ષાચાલક મહેન્દ્રપરી પરષોત્તમપરી ગોસ્વામી (ઉ.૩૮) તથા તેના બે ભત્રીજા ઉત્સવપરી યોગેશપરી ગોસ્વામી (ઉ.૧૮)  અને ઉમંગપરી યોગેશપરી ગોસ્વામી (ઉ.૨૦) પર પડોશમાં જ રહેતાં કાઠી શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. 

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં કાકા-ભત્રીજાઓએ પોતાના પર કનુભાઇ કાઠી તથા તેના પુત્રો જયરાજ કાઠી, કુલદિપ કાઠીએ ધોકા-પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ કરતાં તે મુજબ આજીડેમ પોલીસ મથકમાં નોંધ કરાવાઇ હતી. ઇજાગ્રસ્તોએ રાતે જ સારવાર બાદ રજા લીધી હતી.

મહેન્દ્રપરીએ જણાવ્યું હતું કે અમારા ઘર પાસે કનુભાઇ વારંવાર ગાળો બોલતાં  હોઇ ના પાડતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને તેના પુત્રો સાથે મળી હુમલો કરતાં મને તથા મારા બે ભત્રીજાને ઇજા થઇ હતી. આજીડેમ પોલીસે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(12:45 pm IST)