Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કૃપયા યાત્રિક ધ્યાન દે...રાજકોટ જંકશન સ્ટેશન પર આજથી રિઝર્વેશન કાઉન્ટર ખોલાયું: દરરોજ બૂકીંગ

સવારે ૮ થી સાંજના ૬ અને રવિવારે સવારે ૮ થી ૨નો સમયઃ હાલ પુરતી એક જ બારી ખોલાઇઃ રિફન્ડની કામગીરી હવે પછી થશે : રાજકોટ સિવાયના સ્ટેશનો પર હાલ ટિકિટ બૂકીંગ થશે નહિ

રાજકોટ રેલ્વેના બૂકીંગ કાઉન્ટર ખૂલ્યાઃ જો કે, હાલ રાજકોટથી એક પણ ટ્રેન નહી ઉપડે....!! : રાજકોટ : રેલ્વે મંત્રીશ્રી પિયુષ ગોહેલે ગઇકાલે માન્ય રેલ્વે સ્ટેશનો ઉપર બુકીંગ કાઉન્ટરો ખોલવાની જાહેરાત કરી હતી, તેમાં રાજકોટ રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે, જે સંદર્ભે આજે  સવારે રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર ૬ ટિકીટ બૂકીંગ વીન્ડો - કાઉન્ટર ખૂલ્યા હતા, જયાં સામાન્ય દિવસોમાં બૂકીંગ માટે ચિક્કાર ટ્રાફીક-મુસાફરોની લાઇનો હોય છે, ત્યાં આજે એક સીંગલ વ્યકિત બુકીંગ માટે જોવા મળી ન હતી. સ્ટાફ ફરજ ઉપર હાજર હતો પણ બૂકીંગ કરાવનાર કોઇ ન હતું. જો, કે કર્મચારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે રાજકોટની એક પણ ટ્રેન ઉપડવાની નથી, જે ર૦૦ ટ્રેન દોડવાની છે તેમાં અમદાવાદ-સુરત-વડોદરા સ્ટેશનનો  સમાવેશ કરાયો છે, રાજકોટથી બુકીંગ થાય તો પણ જે તે મુસાફરે અમદાવાદ જવુ પડે... આ કોરોનાની ભયાનક મહામારીમાં કોઇ યાત્રી મુસાફરી કરવા માંગતું નથી....!!  (તસ્વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૨૨: લોકડાઉનને કારણે તમામ વાહન વ્યવહાર પણ બંધ હતો. હવે ધીમે-ધીમે બધુ પુર્વવત થઇ રહ્યું છે. ટ્રેનો પણ ફરીથી શરૂ થઇ રહી છે. દરમિયાન રાજકોટ જંકશન રેલ્વે સ્ટેશન પર રિઝર્વેશન કાઉન્ટર આજથી ખોલવામાં આવ્યું છે.

જંકશન સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સથી લોકો ટિકિટ બારીએથી ટિકિટ મેળવી શકે એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે હાલના સંજોગોને ધ્યાને રાખી એક જ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અહિથી દરરોજ સવારે ૮:૦૦ થી સાંજના ૬:૦૦ સુધી રિઝર્વેશન કરી શકાશે. રવિવારે રિઝર્વેશનનો સમય સવારે ૮:૦૦ થી બપોરના ૨:૦૦ સુધીનો રહેશે. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ વધુ કાઉન્ટર ખોલવામાં આવી શકે છે. હાલ જે બારી ખોલવામાં આવી છે ત્યાંથી રેલ્વે બોર્ડ દ્વારા નક્કી થયેલી ટ્રેનોની ટિકિટોનું બૂકીંગ કરી શકાશે. હાલમાં આરક્ષિત ટિકિટો જ અપાશે, રિફન્ડ આપવાની કામગીરી હાલમાં થશે નહિ. રાજકોટ સિવાયના રાજકોટ મંડળના અન્ય કોઇપણ સ્ટેશન પર હાલમાં રિઝર્વેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા નથી. તેમ પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ વાણિજ્ય પ્રબંધક શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવએ જણાવ્યું છે.

(2:13 pm IST)