Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સિવિલ હોસ્પિટલે દલિત સમાજના આગેવાનો, લોકો ઉમટી પડ્યાઃ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનો નિર્ણયઃ એસપી બલરામ મીણા હોસ્પિટલે પહોંચ્યાઃ ન્યાયી કાર્યવાહીની ખાત્રી

હત્યાનો ભોગ બનેલા રાજેશના માતા હસુબને પમાર તથા અન્ય કુટુંબીજનો અને દલિત સમાજના આગેવાનોએ રૂરલ એસપી બલરામ મીણા સમક્ષ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે રજૂઆત કરી પોતાની માંગણીઓ દર્શાવી હતી. તે દ્રશ્ય તથા હોસ્પિટલે ઉમટી પડેલા સમાજના લોકો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: કોટડા સાંગાણીના માણેકવાડા ગામના ૧૯ વર્ષના વણકર યુવાન રાજેશ (રાજૂ) નાનજીભાઇ પરમારની  દરબાર શખ્સોએ હત્યા કર્યાની ઘટનાના દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનોને દિલાસો આપવા માટે મોટી સંખ્યામાં દલિત સમાજના રાજકોટ અને કોટડા સાંગાણીના આગેવાનો, લોકો ઉમટી પડ્યા હતાં અને જ્યાં સુધી પોલીસ તપાસને લગતી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી રાજેશની લાશ નહિ સંભાળીએ તેવો નિર્ણય કર્યો હતો. રૂરલ એસપી બલરામ મીણાએ સિવિલ હોસ્પિટલે ખાતે પહોંચી સમાજના લોકોની માંગણીઓ સાંભળી હતી અને તુર્ત જ ન્યાયી કાર્યવાહી થશે તેવી ખાત્રી આપી છે.

દલિત સમાજના આગેવાનો વશરામભાઇ સાગઠીયા, લાખાભાઇ સાગઠીયા તેમજ અન્ય આગેવાનો હોસ્પિટલે પહોંચ્યા હતાં અને હત્યાનો ભોગ બનનારના સ્વજનો, કુટુંબીજનોને દિલાસો પાઠવ્યો હતો. સમાજના લોકોએ એવી માંગણીઓ મુકી હતી કે આ કેસમાં અગાઉ રાજેશના પિતાની હત્યા વખતે જેણે તપાસ કરી હતી એ ડીવાયએસપી શ્રુતિ મેડમ તપાસ ન કરે તેમજ આરોપીઓને તાકીદે પકડી લઇ જાહેરમાં સરભરા કરવામાં આવે. આ ઉપરાંત અન્ય માંગણીઓ પણ મુકવામાં આવી હતી. તેમજ આ તમામ માંગણીઓ સ્વીકારાશે નહિ ત્યાં સુધી લાશ નહિ સ્વીકારીએ તેવો નિર્ણય કર્યો હતો.

એસપી શ્રી મીણાએ રજૂઆતને ગંભરતાથી સાંભળી હતી અને ન્યાયી કાર્યવાહીની ખાત્રી આપી હતી. સોથી દોઢસો જેટલા દલિત સમાજના આગેવાનો, કાર્યકરો હોસ્પિટલે ઉમટ્યા હતાં.

(4:05 pm IST)