Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રિક્ષામાં બેસી મુસાફરોના પૈસા સેરવી લેતાં યુવાન અને ડોસી ઝપટે ચડ્યા

ગાંધીગ્રામ પોલીસે ૭ હજાર રોકડા અને ૫૦ હજારની રિક્ષા કબ્જે લીધીઃ નવીનચંદ્ર મહેતાના રૂ. ૪૫ હજાર સેરવી લીધા'તાઃ અન્ય બે આરોપી મહેશ દેવીપૂજક અને લીલાડોસીની ધરપકડઃ કાજલ અને વિરેન્દ્રની શોધ

રાજકોટ તા. ૨૨: ષ્કરધામ મેઇન રોડ પર ઘનશ્યામનગર વૃજ પરિક્રમા કોમ્પલેક્ષવાળી શેરીમાં યશોદા એપાર્ટમેન્ટ ૨૦૧માં રહેતાં નવીનચંદ્ર ભાઇચંદ મહેતા (ઉ.૬૩) નામના જૈન વૃધ્ધ ૧૫મીએ પુષ્કરધામ રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે રિક્ષાચાલકે હું તમને ઓળખુ છું, બેસી જાવ કહી રિક્ષામાં બેસાડ્યા હતાં. આગળ જઇ ભાડુ લીધા વગર ઉતારીને જતો રહ્યો હતો. એ રિક્ષામાં એક મહિલા સહિત બીજા બે મુસાફર પણ હતાં. રિક્ષા જતી રહ્યા બાદ નવીનચંદ્રને ખબર પડી હતી કે તેના ખિસ્સામાંથી રૂ. ૪૫ હજારની રોકડ અને ચેક ચોરાઇ ગયા છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. તેનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલી નાંખી જુના યાર્ડ પાછળ સાગરનગર-૪માં રહેતાં મહેશ જયંતિભાઇ કુંવરીયા (દેવીપૂજક) (ઉ.૧૯) તથા જીલ્લા ગાર્ડન પાસે બાપુનગરમાં રહેતી લીલા મગનભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૭૦)ને પકડી લીધા છે.

ગાંધીગ્રામના કોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ અને કનુભાઇ બસીયાને બાતમી મળી હતી કે કાજલ ઉર્ફ કાજલી કિશન દેત્રોજા, વિરેન્દ્ર ભૈયો અને મહેશ તથા લીલાડોસીએ મળી છએક દિવસ પહેલા રિક્ષામાં એક મુસાફરના ૪૫ હજાર સેરવી લીધા છે. તેના આધારે મહેશ અને લીલાડોસીને શોધી કાઢી પુછતાછ કરતાં બંનેએ ગલ્લા તલ્લા કર્યા બાદ આકરી પુછતાછમાં ચોરી કબુલી હતી અને પોતાની સાથે કાજલ ઉર્ફ કાજલી તથા વિરેન્દ્ર પણ હોવાનું કહેતાં આ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહેશ અને લીલાડોસીની ધરપકડ કરી રૂ. ૫૦ હજારની જીજે૩બીટી-૧૬૨૫ નંબરની રિક્ષા તથા ૭ હજાર રોકડા કબ્જે લેવાયા છે. મહેશ અગાઉ પણ ગાંધીગ્રામમાં ચોરીના ગુનામાં પકડાયો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી અને પી.આઇ. વી. વી. ઓડેદરાની સુચના હેઠળ પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કિશોરભાઇ ધૂઘલ, હિતુભા ઝાલા, વનરાજ લાવડીયા, કનુ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલ પાટીલ, દિગુભા ગોહિલ, દિનેશ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:58 pm IST)