Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

અનીશ ઉર્ફ ગોલી અને તન્વીર ઉર્ફ તનુડાનો જેલમાંથી કબ્જો લઇ ધરપકડ

નહેરૂનગરના ઘાંચી પરિવારના ઘર પર ફાયરીંગના બનાવમાં : વસીમે ભડાકા કર્યા બાદ પિસ્તોલ આ બંનેને આપી'તીઃ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૨: ત્રણ મહિના પહેલા રૈયા રોડના નહેરૂનગરમાં ઘાંચી પરિવારના ઘરે ભીસ્તીવાડના નામચીન વસીમ દલવાણી સહિતનાએ ડખ્ખો કરી અલ્લાઉદ્દીનભાઇ ઘરે છે કે નહિ? તેમ પુછી ડેલી ઉપર ફાયરીંગ કર્યુ હતું. જેમાં ઘાંચી પરિવારના મહિલા માંડ બચ્યા હતાં. આ ગુનામાં અગાઉ ક્રાઇમ બ્રાંચે વસીમ સહિતનાને પકડી લીધા હતાં. ફાયરીંગ બાદ વસીમે હથીયાર જેને આપ્યું હતું એ બે શખ્સ જેલમાં હોઇ તેનો ગાંધીગ્રામ પોલીસે કબ્જો લઇ ધરપકડ કરી છે.

વસીમ દલવાણીને ક્રાઇમ બ્રાંચે હથીયાર સાથે પકડી લીધા બાદ તેની પુછતાછમાં એવી વિગતો ખુલી હતી કે ફાયરીંગ કર્યા બાદ તેણે પિસ્તોલ અનીશ ઉર્ફ ગોલી મહેબુબભાઇ સાંધ (ઉ.૨૨) તથા તન્વીર ઉર્ફ તનુડો સલિમભાઇ હીંગોળજા (ઉ.૨૪)ને સાચવવા આપી હતી. જે તે વખતે આ બંનેના નામ ખુલ્યા હતાં. આ બંને હાલમાં પ્ર.નગર પોલીસ મથકના ગુનામાં જેલમાં હોઇ ત્યાંથી બંનેનો કબ્જો મેળવી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં જે તે વખતે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૧૧૪, ૩૪, આર્મ્સ એકટ ૨૫ (૧) બી-એ-૨૭ મુજબ ગુનો નોંધાયો હતો અને છ જેટલા આરોપીઓની ધરપકડ થઇ હતી.

(3:41 pm IST)