Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વિવિધ મ્યુ. કોર્પોરેશનોની હદ વધારવા હિલચાલ

૨૦૨૦ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તૈયારી શરૂ કરીઃ એક મહિનામાં દરખાસ્ત તૈયાર કરી સરકારને મોકલાવવા મ્યુ. કમિશ્નરોને તાકીદ : રાજકોટના મોટામવા, કાલાવડ રોડ, માધાપર અને ઘંટેશ્વરની રાજકોટમાં ભળી જવાની લાંબા સમયથી માંગણી છેઃ સરકાર આ વર્ષના અંત સુધીમાં હદો વધારવાનો મામલો નિપટાવી લેવા માગે છે

નવી દિલ્હી, તા. ૨૨ :. ગુજરાતની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધારવાની લાંબા સમયની માંગણીઓ રાજ્યની રૂપાણી સરકાર સ્વીકારવા તૈયાર થઈ હોવાનુ જાણવા મળે છે. ગુજરાત સરકાર ૨૦૨૦ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધારે તેવી પણ શકયતા છે. રાજ્ય સરકારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોને ૨૦૨૦ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે હદ વધારી કયા કયા શહેરો અને ગામોને મ્યુ. કોર્પો.માં સમાવી શકાય તેનો ડ્રાફટ તૈયાર કરવા જણાવ્યુ હોવાનુ જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ૨૦૨૦માં ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને લગભગ ૧૦૦ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની છે.

અમદાવાદના બોપલ, ઘુમા અને સાણંદના રહીશો, વડોદરાના ભાઈલી, દેના અને ઉંદેરાના લોકો જ્યારે રાજકોટના મોટામવા, કાલાવડ રોડ, માધાપર અને ઘંટેશ્વરના રહીશોએ લાંબા સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવાની માંગણી કરી છે એ અત્રે નોંધનીય છે. આ જ પ્રકારે જામનગર, જૂનાગઢ, ભાવનગર અને સુરતમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વધારવા માંગણી ઉઠી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લી કેબીનેટની મીટીંગમાં મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને નિર્દેશ આપ્યા હતા કે તેઓ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરોને સંપર્ક સાધે અને તેઓને એક મહિનાની અંદર દરખાસ્ત મોકલવા જણાવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૯ના અંત પહેલા વિવિધ શહેરોની લીમીટ રીવાઈઝડ કરવાનો સરકારનો હેતુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કવાયત બે થી ત્રણ મહિનાની અંદર પુરી કરી લેવાની સરકારની ધારણા છે. એક વખત નવી લીમીટને કેબીનેટ મંજુરી આપે દે તે પછી તરત જ ગેઝેટ નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવશે. છેલ્લે ૨૦૦૬-૦૭માં આ પ્રકારની કવાયત હાથ ધરવામાં આવી હતી. તે વખતે બહારના ૩૦ જેટલા વિસ્તારો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની હદમાં સમાવવામાં આવ્યા હતા. રાજકીય રીતે પણ આ પ્રકારની લીમીટ વધારવાનો હેતુ હોય છે કારણ કે શહેરી વિસ્તારમાં નવા મતદારોનો ઉમેરો થાય છે.

રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર ચારેતરફ વિકસ્યુ છે. અનેક બહારના વિસ્તારોમા પણ જઈને લોકો વસ્યા છે. આ લોકો રહે છે શહેરની બહાર પણ કામધંધા રાજકોટમાં કરે છે. આ લોકો કોર્પોરેશનની હદમા રહેતા ન હોવાથી તેઓને કોર્પોરેશનની વિવિધ સુવિધાઓનો લાભ મળતો નથી. જો આ વિસ્તારો કોર્પોરેશનની હદમાં ભળી જાય તો એ વિસ્તારોને પણ રસ્તા, લાઈટ અને ગટરની સુવિધાઓ પ્રાપ્ત થઈ જાય. આ લોકો કોર્પોરેશનને ટેક્ષ દેવા પણ તૈયાર છે સવાલ માત્ર નિર્ણયનો છે.

(4:09 pm IST)