Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

એ ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતીઃ મુળ ખડધોરાજીનો પરિવાર હાલ રાજકોટમાં સ્થાયી

ભાયાણી પરિવાર પર આભ ફાટ્યું: એક વર્ષમાં ૬ સભ્યો ગુમાવ્યા

૩૦-૦૧-૨૦ના રોજ કિશોરભાઇ ભાયાણીનો કેન્સરે જીવ લીધો એ પછી ૧૨-૦૯ના માતા જયવંતાબેન દિકરાના આઘાતમાં હાર્ટએટેકથી ગુજરી ગયાઃ ત્યારબાદ ક્રમશઃ ચાર સભ્યો ઉમેદભાઇ, ગીતાબેન, સ્વાતિબેન અને જીતેનને કોરોના ભરખી ગયોઃ જીતેનનું બે દિવસ પહેલા જ મૃત્યુ થયું

રાજકોટ તા. ૨૨: કૂદરત પણ ઘણીવાર એવા કારમા ઘા આપતી રહે છે કે પરિવારને તેમાંથી કળ નથી વળતી. કૂદરતની કસોટીઓ ઘણીવાર પરિવારને વરેણછેરણ કરી નાંખતી હોય છે. આવુ જ કંઇક રાજકોટના ભાયાણી (વાળંદ) પરિવાર સાથે બન્યું છે. આ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એક જ વર્ષમાં આ પરિવારના બે-ત્રણ નહિ પણ છ છ સભ્યો દુનિયા છોડી ગયા છે. જેમાં બે સભ્યોના બિમારી અને હાર્ટએટેકથી મૃત્યુ થયા હતાં. તો અન્ય ચાર સભ્યોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. જે પૈકી એક યુવાન દિકરાનું તો હજુ બે દિવસ પહેલા જ કોરોનાથી મૃત્યુ થયું છે. હર્યોભર્યો સમગ્ર ભાયાણી પરિવારનો માળો એક વર્ષમાં વીંખાઇ ગયો છે.

મુળ કાલાવડના ખડધોરાજીના વતની અને હાલ રાજકોટ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે નિવાસ સ્થાન ધરાવતાં અને બ્યુટી પાર્લરના કામ સાથે જોડાયેલા કિશોરભાઇ નાનજીભાઇ ભાયાણી (ઉ.વ.૫૮)નું તા. ૩૦૦૧-૨૦૨૦ના રોજ કેન્સરની બિમારીથી મૃત્યુ નિપજ્યું હતું. પરિવારના મોભી સમાન કિશોરભાઇ સ્વજનોનો સાથ છોડી જતાં સોૈ કોઇ આઘાતમાં ગરક થઇ ગયા હતાં. માંડ બધા આ શોકમાંથી બહાર આવ્યા ત્યાં પરિવારના બા જયવંતાબેન નાનજીભાઇ ભાયાણી (ઉ.વ.૮૦) હાર્ટએટેક આવતાં દેવ થઇ ગયા.

આ પછી કૂદરતે જાણે ભાયાણી પરિવાર પર વજ્રઘાત ચાલુ કરી દીધા હોય તેમ પરિવારના બાની વિદાય પછી બારમા દિવસે પરિવારના વધુ એક આધારસ્તંભ એવા ઉમેદભાઇ નાનજીભાઇ ભાયાણી (ઉ.વ.૫૪)ને કોરોના કાળનો કોળીયો કરી ગયો. અહિથી કૂદરતની ક્રુરતા અટકી નહિ, આ બનાવના છ દિવસ પછી કિશોરભાઇના પત્નિ ગં.સ્વ. ગીતાબેન ભાયાણી (ઉ.વ.૫૭) પણ કોરોનાની ચપેટમાં આવી ગયા અને જિંદગીની સફર પુરી થઇ ગઇ. એ પછી પણ સિલસિલો ચાલુ જ રહ્યો. આ બનાવના પાંચ દિવસ પછી ગાંધીનગર સાસરીયુ ધરાવતી ભાયાણી પરિવારની દિકરી સ્વાતિબેન સમીરકુમાર બગથરીયા (ઉ.વ.૩૪)ને પણ કોરોના ભરખી ગયો અને જિંદગી ખતમ થઇ ગઇ.

એક પછી એક પાંચ સભ્યો ગુમાવી બેઠેલા ભાયાણી પરિવારમાં આઘાત એક પછી એક ઘા બનીને આવી રહ્યા હતાં. આટલુ ઓછુ હોય ત્યાં બે દિવસ પહેલા એટલે કે ૨૦-૦૪-૨૧ના રોજ પરિવારના એક માત્ર પુરૂષ સભ્ય એવા જીતેન કિશોરભાઇ ભાયાણી (ઉ.વ.૩૧)નું પણ કોરોનાથી મૃત્યુ થઇ ગયું. જીતેનભાઇ પોતાની પાછળ એક બે વર્ષનો પુત્ર અને પત્નિ તથા એક નાની બહેનને વિલાપ કરતાં છોડી ગયા છે. આમ ભાયાણી પરિવારનો હર્યોભર્યો માળો એક વર્ષમાં જ છીન્નભીન્ન થઇ ગયો છે.   ભાયાણી પરિવારના તમામ સભ્યો રાજકોટમાં ખડધોરાજીથી સ્થાયી થયા પછી બ્યુટી પાર્લરના કામમાં પણ આગવુ નામ ધરાવતાં હતાં. એક પછી એક એમ છ છ સભ્યોએ એક જ વર્ષના ગાળામાં એક પછી એક દુનિયામાંથી વિદાય લઇ લેતાં બાકી રહેલા સ્વજનો આભ ફાટ્યું હોય એવા આઘાતમાં ગરક થઇ ગયા છે. (તસ્વીર-અહેવાલ-અશોક બગથરીયા)

(4:19 pm IST)
  • ભારતમાં કોરોના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઇન્સ 25 એપ્રિલથી દુબઈ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ 10 દિવસ માટે સ્થગિત કરશે access_time 7:57 pm IST

  • દેશમાં ઓક્સિજનની અછત વચ્ચે યુ.પી. માં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ, અયોધ્યાના દશરથ મેડિકલ કોલેજમાં 'સ્ટેટ-ઓફ-આર્ટ' ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે આગળ આવ્યું હોવાનું જાણવા મળે છે. access_time 7:56 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 697 અને ગ્રામ્યના 65 કેસ સાથે કુલ 762 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST