Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઉદીત અગ્રવાલનો સંવેદનશીલ નિર્ણય

બીઆરટીએસ રોડ ઓકસીજન લઇ જતા વાહનો માટે ખોલી નાખ્યો

ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીનો ૧૦.૭૦ કી.મી.ના બી.આર.ટી.એસ. રોડ પર આજથી ઓકસીજન બાટલા લઇ જતા વાહનો અવર જવર કરી શકશેઃ પરીપત્ર પ્રસિધ્ધ કરતા મ્યુ. કમિશ્નર

રાજકોટ, તા., ૨૨: કોરોના સંક્રમીત થઇ અને હોસ્પીટલમાં સારવાર લેતા દર્દીઓને ઓકસીજનની જરૂરીયાત પડતી હોઇ રાજયભરમાં ઓકસીજન બાટલા માટે ભારે દોડધામ મચી છે ત્યારે આવા કટોકટી ભર્યા સમયમાં ટ્રાફીકજામને કારણે ઓકસીજન લઇ જતા વાહનો સમયસર હોસ્પીટલ સુધી પહોંચી શકતા નહી હોવાની ફરીયાદો મળતા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે આ સમસ્યા ઉકેલવા આજથી જ બીઆરટીએસ રોડ ઉપર કે જયાં ફકત બીઆરટીએસ બસ ચલાવાય છે બાકીનો સમય ખાલી રહેતા આ રોડ પર ઓકસીજનના બાટલા કે ટેન્કરવાળા વાહનોને ચલાવવાની છુટ આપતા પરીપત્ર પ્રસિધ્ધ કરી સંવેદનશીલ નિર્ણય કર્યો હતો.

આ અંગે મ્યુ. કમિશ્નર કચેરીની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મહાનગર પાલીકા નિર્મિત રાજકોટ રાજપથ લી. દ્વારા બીઆરટીએસ તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરની જાહેર જનતાને જાહેર પરીવહનની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે.

હાલની કોવીડ-૧૯ મહામારીને ધ્યાને લઇ આરોગ્ય ક્ષેત્રે આપવાની થતી આવશ્યક સેવાને અનુલક્ષીને કમિશ્નરશ્રી રાજકોટ મહાનગર પાલીકાની થયેલ સુચનાનુસાર તમામ હોસ્પીટલની તત્કાલ ઉપસ્થિત થતી ઓકસીજનની જરૂરીયાત અન્વયે ઓકસીજન ગેસ ઉત્પાદક સપ્લાયર અથવા વિક્રેતાના ઓકસીજન વ્હીકલ ગોંડલ ચોકથી માધાપર ચોક (૧૦.૭૦ કી.મી.) સુધી બીઆરટીએસ ડેડીકેટેડ બસ લેનનો ઉપયોગ ઉકત નિયત થયેલ જાહેર સેવાને અનુલક્ષીને કરી શકશે.

આમ આજથી ઓકસીજનની હેરફેર કરતા વાહનો બીઆરટીએસ રોડનો ઉપયોગ કરી શકશે. જેથી ઝડપથી હોસ્પીટલ સુધી ઓકસીજન પહોંચી શકશે.

(3:18 pm IST)