Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મતદાન મથકોમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધઃ પાંચેક હજાર જવાનોનું સુરક્ષા ચક્ર

રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગઃ મતદાન મથકના ૧૦૦ મિટરમાં વાહનોની પ્રવેશબંધીનો પણ કડક અમલઃ તોફાની કાર્યકરો પર માર્કરઃ આજની કતલની રાતે તમામ મહત્વની બ્રાંચોની ચાંપતી નજરઃ બે દિવસ દારૂની પરમીટ ધરાવતાં લોકો માટે પણ લિકર શોપ બંધઃ ટપોરી, અસામાજીક તત્વો, બુટલેગરો ઉપર ધોંસઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી જયદિપસિંહ સરવૈયાની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર નજર

રાજકોટ તા. ૨૨: આવતીકાલે લોકસભાનું મતદાન થવાનું છે ત્યારે રાજકોટ શહેરમાં શાંત અને સલામત વાતાવરણ વચ્ચે મતદારો પોતાનો હક્ક ભોગવી શકે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે આ બારામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. શહેરના ૨૦ થી ૨૨ ટકા સંવેદનશીલ વિસ્તારો તારવીને સવિશેષ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. ઝારખંડ આર્મ્સ ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ, અર્ધ લશ્કરી દળોના કાફલા શહેરભરના મતદાન મથકો અને વિસ્તારોમાં ગોઠવી દેવાયા છે. જુદા-જુદા ચેકીંગ પોઇન્ટ ઉપર રાઉન્ડ ધી કલોક વાહન ચેકીંગ થઇ રહ્યું છે. ગેરકાયદે નાણા કે હથીયારો-દારૂની હેરફેર અટકાવવા પોલીસ સતત સક્રિય બની છે. પાંચેક હજાર જવાનો અને સ્થાનિક પોલીસ જડબેસલાક બંદોબસ્ત રાખશે.

મતદાન મથકમાં કોઇપણ મતદારને મોબાઇલ ફોન સાથે પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મિડીયામાં થઇ રહેલા બલ્ક મેસેજ ઉપર પણ વોચ રાખવામાં આવી છે. ૧૦૦ મિટરના એરિયામાં વાહનોની પ્રવેશબંધીનો કડક અમલ કરાવી રાજકિય પક્ષો દ્વારા મતદારોની થતી ગેરકાયદે હેરફેર પોલીસ દ્વારા અટકાવવામાં આવશે. દારૂની પરમીટ ધરાવતાં લોકો માટે પણ બે દિવસ લિકર શોપ બંધ રાખવામાં આવ્યા છે. શહેરભરના ટપોરીઓ, અસામાજીક તત્વો અને દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે.

પોલીસે દેશી-વિદેશી દારૂ સહિત છેલ્લા કેટલાક દિવસોમાં ૪૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ૪૨ દરખાસ્ત પૈકી ૮ને અસામાજીકોને હદપાર કરવામાં આવ્યા છે. તેમજ ૪૦ને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે. કુલ ૧૦ ગેરકાયદે હથીયારો અને ૧૩ નંગ કાર્ટીસ ઝડપી લેવામાં આવ્યા છે. આમ ભયમુકત વાતાવરણમાં મતદાન યોજવા પોલીસે તમામ બંદોબસ્ત કર્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા અને ક્રાઇમ બ્રાંચના પી.આઇ. હિતેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતાં અને માહિતી આપી હતી.

મતદાન બૂથ પર કે જે તે સ્થળે પહોંચવા ખાસ ફોર્સ નાગરિકો પોલીસને સહકાર આપે તેવી અપિલ

. મતદાન વખતે કોઇપણ જગ્યાએ કે બૂથ પર માથાકુટ જેવું જણાય તો ત્યાં તુરત જ પહોંચવ ામાટે પોલીસ કન્ટ્રોલ રૂમમાં સિનિયર અધિકારી, રિઝર્વ ફોર્સ તેમજ તમામ પોલીસ મથકોમાં મોટી સંખ્યામાં કયુઆરટી ફોર્સની વ્યવસ્થા રાખવામાં આવી છે. નાગરિકો-મતદારો પોલીસની કાર્યવાહીમાં સાથ સહકાર આપે તેવી પણ પોલીસ અધિકારીઓએ અપિલ કરી છે. (૧૪.૧૧)

સુરક્ષા કવચ એપનો મહત્તમ ઉપયોગ થશેઃ મતદાન બાબતે ફરિયાદ માટે ખાસ નંબર

. મતદાન વખતે સિનીયર સિટીઝનોને કોઇ તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રખાશે. આ ઉપરાંત રાજકોટ સુરક્ષા કવચ એપનો ખાસ ઉપયોગ કરવામાં આવશે. મતદાન બાબતે કોઇપણ દાદ-ફરિયાદ હોય તો કન્ટ્રોલ રૂમ સિવાય પણ ખાસ મોબાઇલ નંબર (૯૮૭૯૫ ૦૦૬૦૦) ઉપર સંપર્ક કરી શકાશે.

(3:43 pm IST)