Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જામનગર રોડ પર એકટીવા ચાલકની દાદાગીરીઃ એસટી બસનો કાચ ફોડી નાંખ્યો

ઓવરટેઇક બાબતે ડખ્ખો થતાં 'ચલાવતા આવડે છે કે નહિ?' કહી ડ્રાઇવર શાંતિલાલ વ્યાસ સાથે ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી સામેના રસ્તા પર ધૂળેટીની સાંજે એકટીવાના ચાલકે એસટી બસના આગળના ભાગના કાચ પર પથ્થર ફટકારી કાચ ફોડી નાંખી નુકસાન કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી જામનગર રોડ નંદનવન સોસાયટી બ્લોક નં. ૨૫૯માં રહેતાં અને એસટીમાં નોકરી કરતાં મનહરલાલ જયંતિલાલ વ્યાસ (ઉ.૫૨)ની ફરિયાદ પરથી  એકટીવા જીજે૩કેબી-૨૪૧૪ના ચાલક સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધ્યો છે.

મનહરલાલે પોલીસને જણાવ્યા મુજબ પોતે એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૨૩૬૧ હંકારીને રાજકોટથી  પડધરીના રાદડ ગામે જતાં હતાં ત્યારે એકટીવા ચાલક પાછળથી સતત હોર્ન વગાડતો વગાડતો ઓવરટેઇક કરીને અચાનક આગળ આવ્યો હતો અને બસ ઉભી રખાવી 'ચલાવતા આવડે છે કે નહિ, હું મરી જાત તો?' તેમ કહી ઝઘડો કર્યા બાદ પથ્થર ફટકારી આગળનો કાચ ફોડી નાંખ્યો હતો અને ભાગી ગયો હતો. હેડકોન્સ. જીતુભાઇ બાળાએ એકટીવા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:28 pm IST)