Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

લોધીકાના વડવાજડીમાં પ્રેમસંબંધ મામલે ડખ્ખોઃ ગીતા અને તેની બહેન કાજલ પર ધોકાથી હુમલો

ભરત, દિનેશ અને બંનેના પિતા મનસુખ સોહેલીયા તથા બનેવી દિલીપ સામે ગુનોઃ આબરૂ લૂંટવાનો પ્રયાસ થયાનો આક્ષેપ થયો પણ પોલીસ તપાસમાં ખોટો નીકળ્યો

રાજકોટ તા. ૨૨: લોધીકાના વડવાજડી ગામે રહેતી બાવીસ વર્ષની યુવતિ અને સત્તર વર્ષની તેની બહેન પર ચાર શખ્સોએ ધોકાથી હુમલો કર્યાની અને બાવીસ વર્ષની યુવતિની આબરૂ લૂંટવાનો પ્રયાસ થયાની ફરિયાદ સાથે બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ લોધીકા પોલીસની તપાસમાં મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું અને તે કારણે મારામારી થયાનું બહાર આવ્યું છે.

રાત્રીના વડવાજડીની ગીતા રામજીભાઇ પરમાર (ઉ.૨૨) અને તેની કાજલ રામજીભાઇ પરમાર (ઉ.૧૭)ને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં આ બંનેને દિલીપ, ભરત તથા અજાણ્યા ટોળાએ ધોકા-પાઇપથી મારકુટ કર્યાનું અને ગીતાની આબરૂ લૂંટવાનો પ્રયાસ થયાનું જણાવાતાં તે મુજબની એન્ટ્રી લોધીકા પોલીસમાં નોંધાવાઇ હતી.

ત્યાંથી પીએસઆઇ જે. વી. ગોહિલ અને સ્ટાફ રાજકોટ ફરિયાદ નોંધવા પહોંચતા બીજી જ વિગતો ખુલી હતી. પોલીસે ગીતાની ફરિયાદ પરથી ભરત મનસુખ સોહેલીયા, તેના ભાઇ દિનેશ મનસુખ, પિતા મનસુખ સોહેલીયા અને ભરતના બનેવી દિલીપ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં ગીતાએ જણાવ્યું હતું કે તેની બહેન કાજલને ભરત સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતે તેણીના ભાઇને ખબર પડી જતાં ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખી ભરત સહિતનાએ હુમલો કર્યો હતો. લોધીકા પોલીસના કહેવા મુજબ બળાત્કારના પ્રયાસનો ખોટો આક્ષેપ કરાયો હતો. વિશેષ તપાસ થઇ રહી છે.

(11:45 am IST)