Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જુનાગઢનો પ્રોૈઢ મંગળા રોડ પર રહેતાં વૃધ્ધાને છેતરી ૧.૮૦ લાખની ચાર બંગડી બઠ્ઠાવી ગયો'તો

રૂરલ એસઓજીએ પકડેલા ગઠીયાએ ઓગષ્ટમાં રાજકોટ પણ ઠગાઇ કરી'તીઃ ધોરાજી પોલીસ પાસે રિમાન્ડ પર રહેલા નિમિષનો કબ્જો મેળવાશે

રાજકોટ તા. ૨૨: થોડા દિવસ પહેલા રૂરલ એસઓજીએ જુનાગઢના નિમીષ ઉર્ફ નૈમિષ રસિકલાલ પુરોહિત (ઉ.૪૯) નામના બ્રાહ્મણ પ્રોૈઢને વૃધ્ધોના ઘરે જઇ છેતરપીંડીથી સોનાના દાગીના લઇ જવાના ગુનામાં ધોરાજીથી પકડયો હતો. આ શખ્સ ઘરે એકલા હોય તેવા વૃધ્ધાઓ પાસે જઇ પોતે તેના દુરના સગાનો દિકરો છે...ઓળખે છે...તેવી ખોટી વાતો કરી વિશ્વાસ ઉભો કરી સોનાની બંગડીઓ દાગીના જોવા માંગી પોતાના સગા માટે પણ આવા જ દાગીના બનાવવા છે...તેમ કહી નમુના માટે દેખાડવા લઇ જવાના બહાને ઠગાઇ કરવાના ગુનામાં પકડ્યો હતો. આ શખ્સ હાલ ધોરાજી પોલીસ પાસે રિમાન્ડ પર છે. તેણે ગત ઓગષ્ટ મહિનામાં રાજકોટમાં પણ એક વૃધ્ધાને છેતરી રૂ. ૧,૮૦,૦૦૦ની ચાર બંગડીઓ ઠગાઇથી મેળવી લીધાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેનો કબ્જો મેળવવા તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે મિલપરા-૬માં રહેતાં ચેતનભાઇ પ્રવિણચંદ્ર દેસાઇ (ઉ.૪૭)ની ફરિયાદ પરથી નિમીષ ઉર્ફ નૈમિષ પુરોહિત (રહે. મધુરમ્ સોસાયટી-જુનાગઢ) સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. આ શખ્સે તા. ૨૯-૮-૧૮ના રોજ સાંજે સાડા છએક વાગ્યે રાજકોટના મંગળા રોડ પર આર. કે. નગર એપાર્ટમેન્ટ સી-વિંગમાં પહેલા માળે રહેતાં ચેતનભાઇના સાસુમા પ્રફુલાબેન મુગટલાલ કોઠારી (ઉ.૭૫)ના ઘરે જઇ તેમની સાથે પોતે તેને ઓળખતો હોય એ રીતે વાતો કરી વિશ્વાસમાં લીધા હતાં અને બાદમાં પોતાની ભાણેજ માટે સોનાની બંગડીઓ કરાવવી હોઇ નમુના માટે બંગડીઓ જોવા માંગતાં ચેતનભાઇના સાસુમાએ વિશ્વાસ રાખી રૂ. ૧,૮૦,૦૦૦ની ચાર બંગડીઓ આપી હતી. જે નિમીષ નમુના માટે સોનીને દેખાડી થોડીવારમાં પાછી આપી જશે તેમ કહીને લઇને ભાગી ગયો હતો.

જે તે વખતે આ મામલે કોઇ ફરિયાદ નોંધાવાઇ નહોતી. હવે નિમીષને આ ગુનો કબુલતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. એ. જી. અંબાસણા અને વિજયભાઇ બાલસે ગુનો નોંધ્યો છે. ધોરાજીમાં રિમાન્ડ પુરા થયે તેનો કબ્જો મેળવાશે.

(11:45 am IST)