Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

BRTS રૂટ પર હવે ઇલેકટ્રીક બસની સફર

એરપોર્ટ ઓથોરિટીએ ફાળવેલી આશરે સવા ત્રણ કરોડની પાંચ બસ દોડશેઃ બંછાનિધી પાની

રાજકોટ તા. ૨૨ : પર્યાવરણ ક્ષેત્રે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઇ ચૂકેલી રાજકોટ મહાનગરપાલિકાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પાંચ ઈલેકટ્રીક બસ ફાળવવા નિર્ણય કર્યો છે. આશરે રૂ. ૩.૨૫ કરોડની કિંમતની આ પાંચ બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડાવવામાં આવશે, તેમ આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. હાલમાં આ રૂટ પર ૧૦ બસ દોડે છે.

અહીં એ યાદ અપાવીએ કે, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ થોડા સમય પૂર્વે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાનગરપાલિકાને ઇલેકટ્રીક બસ ફાળવવા વિનંતી કરવામાં આવી હતી. કમિશનરે આજે હર્ષ સાથે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આ

વિનંતી ગ્રાહ્ય રાખી એરપોર્ટ ઓથોરિટીએ પાંચ ઇલેકટ્રીક બસ ફાળવવાનો જે નિર્ણય કર્યો છે તે ખુબ જ આનંદની વાત છે. ઉપરાંત સમગ્ર રાજકોટ શહેર વતી મહાનગરપાલિકા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રત્યે ખુબ ખુબ આભાર પ્રદર્શિત કર્યો છે.

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ફંડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને આ પાંચ બસ ફાળવી છે. એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ. ૬૫ લાખ જેવી થાય છે. મ્યુનિ. કમિશનરશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે, બી.આર.ટી.એસ. ટ્રેક પર દોડનાર આ પાંચ ઈલેકટ્રીક બસ કાર્બન ઉત્સર્જન નહી કરે. શહેરમાં ટ્રાન્સપોર્ટેશનનું પ્રમાણ વધી રહયું છે. સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશૅં વધે છે. જોકે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જે બસ દોડાવવામાં આવી રહી છે તેનાથી કાર્બન ઉત્સર્જન ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય તે માટે રિન્યુએબલ અને નોન-રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ પગલાંઓ લઇ રહી છે. જેમાં શહેરની તમામ સોડીયમ સ્ટ્રીટ લાઈટ એલ.ઈ.ડી. લાઈટમાં કન્વર્ટ કરવામાં આવી છે. સોલાર એનર્જી મેળવવા માટે મહત્ત્।મ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ કામ માટે ૩ ઇલેકિટ્રક બાઈક તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો માટે ઇલેકિટ્રક કાર પણ વસાવવામાં આવેલી છે.

આ તકે એ પણ ઉલ્લેખ કરવો રહયો કે, ગત સાલ નેશનલ અર્થ અવર કેપિટલ તરીકે પસંદ થયેલા રાજકોટ શહેરની વિવિધ ક્ષેત્રની ઉમદા કામગીરીના પરિણામે આ વર્ષ માટે પણ ફરી એક વખત 'વન સિટી પ્લેનેટ ચેલેન્જ' અંતર્ગત  નેશનલ અર્થ અવર કેપિટલ તરીકેના મુખ્ય ત્રણ સ્પર્ધક શહેરોમાં પસંદગી પામ્યું છે. જેના અનુસંધાને વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ (WWF) , ઉપરાંત કોચી મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, સિટી કોર્પોરેશન ઓફ પણજી અને પુણે મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓના પ્રતિનિધિ મંડળોએ આજે રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિઓ સાથે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરમાં વિવિધ સેકટરમાં હાથ ધરવામાં આવેલ નવા નવા પગલાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી જેની ઉપસ્થિત મહાનુભાવોએ ખુબ સરાહના કરી હતી.

દરમ્યાન કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ ૨૯ વોંકળા પર પગપાળા ચાલેને જતા લોકો અને સાઈકલીસ્ટ માટે ઉપયોગી એવા ગ્રીન વે પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. આપ્રોજેકત વિશે સરકાર સાથે પણ હકારાત્મક પરામર્શ કરવામાં આવેલ છે. આગામી પગલાંઓ વિશે વાત કરતા કમિશનરે કહ્યું હતું કે, મહાનગરપાલિકા વોટર અને ડ્રેનેજ પમ્પિંગ માટે થઇ રહેલા એનર્જી વપરાશમાં ઘટાડો કરવા અને ખર્ચમાં પણ શકય તેટલો ઘટાડો કરવા પ્રયત્નશીલ છે. દરમ્યાન વોટર અને ડ્રેનેજ પમ્પ એક પણ રૂપિયાના ખર્ચ વગર બદલાવી શકાય એ માટે પણ વહીવટી તંત્ર પ્રયાસ કરી રહયું છે.

(3:17 pm IST)