Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મુસાફરને લૂંટતી રિક્ષાગેંગ ફરી મેદાનેઃ અટીકામાં સુખપરના ચનાભાઇને છરી ઝીંકી લૂંટઃ એક ઝડપાયો

સુમસામ રસ્તો આવતા જ ચાલક 'કંઇક અવાજ આવે છે' કહી રિક્ષા ઉભી રાખી નીચે ઉતર્યો ને ગળા પર છરી મુકી દીધી :ટ્રેકટરના પાર્ટસ લેવા આવ્યા'તાઃ પીડીએમ પાસેથી આજીડેમ ચોકડીએ જવા રિક્ષામાં બેઠાઃ પણ લઇ જવાયા અટીકામાં :કોળી આધેડે છરી પકડી રાખતાં ટાબરીયાએ ખિસ્સામાંથી ૫૭૫૦ની રોકડ લૂંટી લીધીઃ ટાબરીયો ઝડપાયોઃ અજય અને અશોક સોલંકી (દેવીપૂજક)ના નામ ખુલ્યા : ચનાભાઇએ છરી ન મુકતાં લૂંટારાએ હાથમાં બટકુ ભર્યુ

રાજકોટ તા. ૨૨: શહેરમાં ચોર-લૂંટારા-આવારા તત્વો ફરી બેફામ બની ગયા છે. રિક્ષામાં મુસાફરોને બેસાડીની લૂંટ કરતી ટોળકી ફરી મેદાને આવી હોય તેમ બાબરાના સુખપરથી રાજકોટ ટ્રેકટરના પાર્ટસ ખરીદવા આવેલા કોળી આધેડને રિક્ષાચાલકે છરી ઝીંકી લૂંટી લીધા છે. આજીડેમ ચોકડીએ જવા રિક્ષામાં બેઠેલા આધેડને અટીકામાં લઇ જવાયા હતાં. અહિ ચાલક બહાનુ બતાવી રિક્ષા ઉભી રાખી નીચે ઉતર્યો હતો અને કોળી આધેડના ગળે છરી રાખી દઇ પૈસા માંગતા તેણે છરી પકડી લેતાં ચાલક સાથેના ટાબરીયાએ ખિસ્સામાંથી રોકડ લૂંટી લીધી હતી. બાદમાં હાથમાં બટકુ ભરી ચાલક, સાગ્રીત અને ટાબરીયો ભાગી ગયા હતાં. પોલીસે રાતોરાત ટાબરીયાને સકંજામાં લીધો છે અને રિક્ષા કબ્જે લીધી છે. બે દેવીપૂજક શખ્સ ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ બાબરાના સુખપર ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ચનાભાઇ જીણાભાઇ સાકરીયા (ઉ.૪૫) નામના કોળી આધેડનું ટ્રેકટર ખરાબ થયું હોઇ જસદણ રિપેરીંગમાં મુકયું હતું. તેના બે ચક્કર ભાંગેલા નીકળતાં આ પાર્ટસ લેવા માટે ગઇકાલે સાંજે ચનાભાઇ દૂધના વાહનમાં બેસી રાજકોટ આવ્યા હતાં અને ગોંડલ રોડ પુલ પાસે વૈદવાડીમાં આવેલ ડિઝલ ઓટો નામની દૂકાનેથી  પાર્ટ ખરીદી સામેના રસ્તે મક્કમ ચોકમાં જઇ આજીડેમ ચોકડીએ જવા માટે એક રિક્ષા ઉભી રાખી હતી. આ સમયે સાંજના સવા આઠેકનો સમય હતો.

જે રિક્ષા ઉભી રાખી તેના ચાલકે રૂ. ૩૦ ભાડુ કહેતાં ચનાભાઇ તેમાં બેસી ગયા હતાં. અગાઉથી જ પાછળની સીટમાં એક ત્રીસેક વર્ષનો શખ્સ અને બીજો ૧૨-૧૩ વર્ષનો ટેણીયો બેઠા હતાં. રિક્ષા આગળ ચાલતાં જ પાછળ બેઠેલા બંનેએ ચાલકને 'ભાઇ પહેલા અમને અટીકામાં મુકી જા પછી ચોકડીએ જાજે' એમ કહેતાં ચાલકે અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરફ રિક્ષા લીધી હતી. એ પછી જુદી-જુદી શેરીઓ ગલીઓમાં રિક્ષા ફેરવી હતી અને સાડા આઠેક વાગ્યે રાધે હોટેલ પાસે સુમસામ રસ્તો આવતાં જ ચાલકે 'ગાડીમાં કંઇક ટક-કટ અવાજ આવે છે, ચેક કરવું પડશે' કહી રિક્ષા ઉભી રાખી દીધી હતી.

નીચે ઉતરી પાછળ જઇ ચેક કર્યા બાદ સીધા જ ચનાભાઇના ગળા પર છરી મુકી દીધી હતી અને જે પૈસા હોય તે આપી દે નહિતર પતાવી દઇશ તેવી ધમકી દીધી હતી. ચનાભાઇએ હિમ્મત દાખવી સામનો કરી છરી પકડી લીધી હતી. આ વખતે બીજા શખ્સે તેને પાછળથી પકડી લીધા હતાં. છતાં ચનાભાઇએ છરી ન મુકતાં તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યા હતાં. આ વખતે ટાબરીયાએ ખિસ્સામાંથી રોકડા રૂ. ૫૭૫૦ કાઢી લીધા હતાં. એ પછી ચાલકે છરી મુકાવવા માટે ચનાભાઇના હાથમાં બટકુ ભરી લીધુ હતું. છતાં તેણે છરી ન મુકી ચોર-ચોર...બચાવો-બચાવોની બૂમો પાડતાં   ચાલક સહિતના છરી મુકીને રિક્ષા લઇ ભાગી ગયા હતાં.

એ પછી ચનાભાઇએ નજીકની પાનની દૂકાને જઇ પોલીસને જાણ કરી હતી. ચનાભાઇને સારવાર અપાવી ફરિયાદ નોંધી પોલીસ અટીકા વિસ્તારમાં તેને સાથે રાખીને તપાસમાં નીકળી હતી. દરમિયાન શકમંદ ટાબરીયો હાથમાં આવી જતાં પુછતાછ શરૂ થઇ છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.અસ.આઇ. આર. સી. રામાનુજ, પી.એમ. ધાખડા, ઇન્દુભા રાણા, નિલેષભાઇ મકવાણા, ભાવેશભાઇ મકવાણા, દિપકભાઇ ડાંગર, ભુપેન્દ્રભાઇ, દિવ્યરાજસિંહ ઝાલા, દિગપાલસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી અને ડી. સ્ટાફની ટીમે સગીરને પકડી લઇ લૂંટ પૈકીના ૧૦૦૦ રોકડા કબ્જે લીધા છે. ભાગી ગયેલા અજય બાબુ સોલંકી અને અશોક લાલજી સોલંકી (રહે. ઢેબર કોલોની ઝૂપડપટ્ટી)ની શોધખોળ હાથ ધરી છે.

(4:08 pm IST)