Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પની મુલાકાતઃ ગુજરાતના આંગણે બનશે વૈશ્વિક ઘટના

ગૌરવ લેવાની વાત છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પછી સૌથી મોટું સ્ટેડીયમ પણ ગુજરાતમાં બન્યું : મોદી સરકારે ભારતના હિતોને ધ્યાને રાખી વિદેશો સાથે વ્યાપાર- ખરીદીના કરારો પ્રામાણિકતા સાથે કર્યા છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા.૨૨: હજુ ગઇકાલે ૨૧મી તારીખે સમગ્ર વિશ્વે માતૃભાષા ગોરવ દિવસની ઉદવણી કરી. ગુજરાતીઓ પણ એમાં સામેલ હોય જ. પરંતુ આ વર્ષે ગુજરાત માટે આ ઉજવણી બેવડા ઉત્સાહ સાથે થઇ એમ કહીએ તો પણ ખોટું નથી. આપણને માતૃભાષાનું ગૌરવ છે જ પણ માતૃભૂમિનું પણ ગૌરવ છે. અને એ ગૌરવ આ વર્ષે આ દિવસની આસપાસ જ અનેક ગણું વધી ગયું છે. તા. ૨૪મી ફેબ્રુઆરીએ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમનો પરિવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ ઘટના આપણા સૌ માટે આનંદ અને ગૌરવની છે એમ ભાજપના અગ્રણી શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત-ભારત મુલાકાત અંગે અનેક ચર્ચા તમામ માધ્યમો પર છે. આ સમયે અત્યંત માર્મિક અને મહત્વના મુદ્દા વિશે વાત કરતાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ટ્રમ્પની ગુજરાત મુલાકાત એ જરાય સાધારણ ઘટના નથી. આટલા વર્ષોથી આપણે આઝાદ છીએ પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ રીતે મહેમાન બનીને અહીં આવતા હોય એવી આ પ્રથમ ઘટના છે. બિલ કિલન્ટન કચ્છ આવ્યા હતા પરંતુ એ તો ધરતીકંપને અનુલક્ષીને મુલાકાત હતી. ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનીને આવે છે. હું એટલું કહીશ કે એ મહેમાન તો સમગ્ર ભારતના છે પણ સૌથી પ્રથમ ગુજરાતને એમની મહેમાનગતી કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે.

જરાય અતિરેક વગર કહું છું કે મોદી હૈ તો મુમકિન હૈ સૂત્ર દેશના વિકાસની જેમ અહીં પણ લાગી પડે છે એમ કહીને રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે શા માટે ટ્રમ્પની ગુજરાત મુલાકાત આટલી અગત્યની છે, આ માત્ર કોઇ ઔપચારિક મુલાકાત નથી પરંતુ નરેન્દ્રભાઇ મોદી અને એમની સરકારની સફળ વિદેશ નિતિનો એક બોલતો, જીવતો જાગતો પુરાવો છે. આ અગાઉ જિન પીંગ પણ ભારત-અમદાવાદ આવ્યા હતા. વિશ્વના મોટા અને પ્રગતિ કરી ચૂકેલા તમામ દેશ સાથે ભારતના સંબંધો વધુ મૈત્રીપૂર્ણ અને મજબૂત બન્યા છે. બની રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ભારતમાં આવે છે એ વૈશ્વિક ઘટના છે અને બની રહી છે ગુજરાતના આંગણે. એમ રાજુભાઈ એ જણાવ્યું હતું.

એમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી સરકારે ભારત ના હિતો ને કેન્દ્ર માં રાખી વિદેશો સાથે વ્યાપાર-ખરીદી ના કરારો પ્રામાણિકતા સાથે કર્યા છે. એનું સીધું ઉદાહરણ એ છે કે અમેરિકી પ્રમુખ કહે છે કે અમેરિકાના વેપારને ભારતને લીધે ફટકો પડયો છે. અને આવા વિધાન પછી પણ એ ભારત આવી તો રહ્યા જ છે. વિશ્વના અન્ય દેશો સાથે સંબંધ રાખીને પણ નરેન્દ્રભાઇ હિત તો દેશનુ જ કરી રહ્યા છે. નેશન ફર્સ્ટ એમનો મંત્ર છે.

આંતકવાદને વૈશ્વિક સમસ્યા તો બધા માનતા હતા પરંતુ એની સામે ખુલ્લી લડાઇ કરવાનું આહ્વવાન નરેન્દ્રભાઇ મોદીએ આપ્યું અને દુનિયા એમાં જોડાઇ ગઇ. અમેરિકામાં નરેન્દ્રભાઇની તમામ મુલાકાતો વખતે એમને ભારતીયો જેટલો જ પ્રેમ અમેરિકન નાગરિકોએ પણ આપ્યો. અરે અરબના દેશોમાં પણ મોદી મોદીના નારા લાગ્યા. વિશ્વને ભારતની તાકાતનો, મોટી લોકશાહીની મજૂતાઇનો પરચો મળ્યો છે અને એના પરિણામ સ્વરૂપ ટ્રમ્પ અહીં આવી રહ્યા છે.

રાજુભાઇએ ઉમેર્યું કે હમણાં જ આપણે સૌએ જાણ્યુ કે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર બન્યું છે. જે લોકો સતત ટીકા કર્યા કરે છે, સ્વાર્થ અને સત્તાને વશ થઇને દેશને વખોડે છે એમના માટે આ જવાબ છે. અરે ગુજરાતે તો ગૌરવ એટલા માટે અનુભવવું જોઇએ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટિ ભારતમાં છે તો એ કયાં ગુજરાતમાં છે. હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ બન્યું ભારતમાં તો એ પણ ગુજરાતમાં બન્યું. જે નરેન્દ્રભાઇ માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ એ નરેન્દ્રભાઇ મોદી આપણને સૌને કેટલું ગૌરવ અપાવી રહ્યા છે. અને ગુજરાતના સતત કાર્યશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના શાસનકાળ દરમિયાન ટ્રમ્પની મુલાકાત ગોઠવાઇ રહી છે તે રાજકોટ વાસીઓ માટે પણ ગૌરવની ઘડી હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.

(4:24 pm IST)