Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટ મહાનગર પાલીકાના કર્મચારીની ગેરવર્તણુંક અંગે ઇજાફા બંધ કરવાનો હુકમ કાયમ

ફોજદારી કેસમાંથી નિર્દોષ છુટવું અલગ બાબત છે અને ડીપાર્ટમેન્ટર ઇન્કવાયરી નિયમોને આધીન હોય છેઃ કોર્ટ

રાજકોટ, તા., ૨૨: રાજકોટ મહાનગર પાલીકાએ કર્મચારીને ગેરવર્તણુંક સબબ કરેલ ૬ વાર્ષિક ઇજાફા બંધ કરવાની સજા કાયમ રાખતા ઔદ્યોગીક અદાલતે હુકમ કર્યો હતો.

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડ શાખામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બચુભાઇ નારણભાઇ પરમારે શિકાટ્રા મ્યુનિસીપલ કર્મચારી મંડળે મારફતે ઔદ્યોગીક અદાલત રાજકોટ સમક્ષ તેઓને અગાઉ કોર્પોરેશન દ્વારા ગેરવર્તણુક સબબ કરવામાં આવેલ ૬ વર્ષના ભવિષ્યની અસરથી ઇજાફા બંધ કરવાના સજાના હુકમને પડકારેલ હતો.

મ્યુ. કોર્પો. તરફે એડવોકેટ અનિલ એસ ગોગીયાએ એવી રજુઆત કરેલ હતી કે શ્રમયોગી બચુ નારણ પરમાર અગાઉ નશાયુકત હાલતમાં ન્યારી ડેમ સાઇટમાં કર્મચારી સામે ગેરશીસ્તભર્યુ વર્તન અને તોફાન કરી કર્મચારીની સ્કુટર પાછળ જીપ દોડાવી અકસ્માત કરી ઇજા પહોચાડેલ હતી જે સંદર્ભે તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલ અને પ્રોહીબીશન કેસ નોંધાયેલ હતો.

તપાસ અધિકારીએ ખાતાકીય તપાસ માંડવાળ કરવા રીપોર્ટ આપતા જે તે સમયના કમીશ્નરશ્રી રીપોર્ટથી સહમત ન થતા શીક્ષાની નોટીસ આપવામાં આવેલ અને ગુન્હાની ગંભીરતા જોતા શ્રમયોગીને ધી બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ કલમ પ૬ (ર) હેઠળ ભવિષ્યની અસર સાથે ૬ વાર્ષિક ઇજાફા અટકાવવાની સજા કરેલ.

કોર્ટે બંને પક્ષોની દલીલો તેમજ કેસમાં પડેલ મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા બાદ ઔદ્યોગીક અદાલત રાજકોટના ન્યાયાધીશ શ્રી પંડયા એવા તારણો ઉપર આવેલ કે શ્રમયોગી ફોજદારી ગુન્હામાંથી નિર્દોષ છોડી મુકવામાં આવેલ હોય પરંતુ ક્રીમીનલ કોર્ટે પુરાવાનું મુલ્યાંકન કરેલ તે પુરાવાને આધીન થાય છે. જયારે ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરી તે ડીપાર્ટમેન્ટલના નિતીનીયમોને આધીન હોય છે અને તેમાં પુરાવાના કાયદાનો ચુસ્તપણે પાલન કરવાનું હોતુ નથી આમ ક્રીમીનલ કેસમાં જો શ્રમયોગી નિર્દોષ ઠરાવી છુટી ગયા હોય તો તેનો લાભ ડીપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં મળી શકે નહી તેમજ શ્રમયોગીને સને ર૦૦૯માં કરવામાં આવેલ સજાને પાંચ વર્ષ બાદ પડકારેલ હોય જેથી રેફરન્સ મોડો દાખલ કરવાનું કોઇ વ્યાજબીકારણ રજુ થયેલ ન હોય અરજદારે માગેલ દાદ મેળવવા હક્કદાર થતા ન હોય રેફરન્સ રદ કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન રાજકોટ વતી એસ.બી.ગોગીયા એડવોકેટસ એસોસીએટસ વતી એડવોકેટ શ્રી અનિલ એસ.ગોગીયા, પ્રકાશ એસ.ગોગીયા તેમજ સીંધુબેન ગોગીયા રોકાયેલ હતા.

(3:42 pm IST)