Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હોળીમાં ગોઠવવા છાણની સ્ટીક વિકસાવી

દિલીપભાઇ સખીયાનો વૈદિક પ્રયોગ : માત્ર ગાયના છાણનો જ ઉપયોગ : ગોપી ગૌ ગુરૂકુલ દ્વારા ગીર ગંગા બ્રાન્ડથી દુધ-ઘી સહીત અનેક ઉત્પાદનો : હોળીના આયોજકો લાકડાને બદલે છાણની સ્ટીક વાપરે તેવી હીમાયત

રાજકોટ તા. ૨૨ : હોળી પર્વના દિવસો હવે નજીક છે ત્યારે હોળીમાં લાકડાને બદલે ગાયના છાણમાંથી તૈયાર થયેલ સ્ટીકનો ઉપયોગ કરવા ગીરગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌગુરૂકુલ વોડીસાંગના દિલીપભાઇ સખીયાએ હોળી આયોજકોને જાહેર અનુરોધ કરેલ છે.

'અકિલા' ખાતે વૈદિક હોળી અંગેની વિગતો વર્ણવતા તેઓએ જણાવેલ કે હોળીના આયોજનમાં મોટેભાગે લાકડાનો વધુ ઉપયોગ થતો હોય છે. છાણા વાપરતા હોય તેઓ પણ છાણાના ઢગલાને આધાર આપવા વૃક્ષો કાપીને તેના મોટા લાકડા ગોઠવતા હોય છે. આ રીતે હોળીમાં લાકડા ગોઠવવા અનેક વૃક્ષોનો સોથ વાળી દેવાતો હોય છે.

ત્યારે લાકડાની જગ્યાએ ગાયના છાણમાંથી ખાસ સ્ટીક વિકસાવવાનો પ્રયોગ કરેલ છે. ગાયનું સંવર્ધન થાય અને આપણું વૈદીક મહત્વ પણ જળવાય રહે તે હેતુથી ફકત ગાયના છાણનો જ ઉપયોગ કરીને આદર્શ ગૌશાળા, પ્રણામી ગૌશાળા અને શ્યામ ગૌશાળામાં આ પ્રકારની ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે. ગાયના ગોબરમાંથી તૈયાર કરાયેલ આવી સ્ટીક જે લોકો ઓર્ડર કરશે તેઓને સપ્લાય કરાશે. આ સ્ટીક હેરફેર અને ગોઠવણમાં ખુબ સરળ રહે છે.

આગી ગોબર સ્ટીક વાપરવાથી ઘણા વૃક્ષોનું રક્ષણ થશે અને પર્યાવરણ હેમખેમ જળવાય રહેશે. બસ આવા ઉદેશ્યથી જ આ ગોબર સ્ટીકનો વૈદિક પ્રયોગ અજમાવાયો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

ગાયના છાણનો જ ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કેમ કે ગાયનું છાણ બળે છે ત્યારે પ્રાણવાયુ ઉત્પન થાય છે. જયારે અન્ય પશુનું છાણ બળે તો અંગાર વાયુ ઉત્પન્ન થાય અને પ્રાણવાયુ ઉલ્ટાનો બળી જાય છે. માટે હોળીમાં ગાયના છાણાનો અને બની શકે તો લાકડાના સ્થાને પણ ગાયના છાણમાંથી તૈયાર થયેલી આવી ગોબર સ્ટીકનો ઉપયોગ થાય તેવી અમારી દરેક હોળી આયોજકોને હીમાયત છે. તેમ દિલીપભાઇ સખીયાએ જણાવેલ.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગોપી ગૌ ગુરૂકુલ ગામ વોડીસાંગ, તા. કાલાવડ (મો.૯૪૨૭૨ ૦૭૮૬૮) દ્વારા ગોબર સ્ટીક ઉપરાંત ગીર ગાય આધારીત અન્ય પ્રોડકટસ જેમ કે દુધ, ઘી સહીતની વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવે છે. વૈદીક હોળી માટે ગાયના છાણા, દેશી ગાયનું ઘી, ભીમસેન કપુર, હવન સામગ્રી, નવગ્રહ ઔષધિ, સાતધાન, શ્રીફળ, માટલુ વગેરેની આખી કીટ તૈયાર કરીને નહી નફો નહીં નુકશાનના ધોરણે વેંચાણ કરવામામાં આવે છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વૈદિક હોળી અને ગોબર સ્ટીક વિષેની વિગતો વર્ણવતા ગૌ પ્રેમીભાઇઓ સર્વશ્રી દિલીપભાઇ સખીયા (ગીરગંગા), ડો. પિનાકીનભાઇ ઉપાધ્યાય, ચંદ્રેશભાઇ (કિસાન ગૌશાળા), પીન્ટુભાઇ ઠુમ્મર, કાંતિભાઇ (સહજાનંદ ગૌશાળા), ભાવેશભાઇ રૈયાણી, માધુભાઇ પાંભર, બચુભાઇ ધામી, ભાવિનસિંહ ચાવડા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)