Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ગંજીવાડામાં મુસ્તાક દલનો ફાંસો ખાઇ આપઘાતઃ ૧૪ દિવસ બાદ શાદી હતી

માતા સગાની ખબર કાઢીને ઘરે આવ્યા ત્યારે દિકરો લટકતો મળ્યોઃ મિત્ર સાથે ફાકી ખાઇ 'હમણા આવું' કહીને ગયા બાદ પગલુ ભર્યુઃ આર્થિક સંકડામણની શકયતા

રાજકોટ તા. ૨૨: ગંજીવાડા સંતોષી ચોક શેરી નં. ૪માં રહેતાં મુસ્તાક કયુમમહમદ દલ (ઉ.૨૫) નામના યુવાને પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ચોૈદ દિવસ બાદ આ યુવાનની શાદી થવાની હતી. પરિવારજનો ખુશીના આ પ્રસંગની તૈયારીમાં હતાં ત્યાં જ તેણે આ પગલુ ભરી લીધું હતું.

જાણવા મળ્યા મુજબ ગંજીવાડામાં રહેતાં મુસ્તાકે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં થોરાળાના હેડકોન્સ. ભરતભાઇ સોલંકી અને કિશોરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મુસ્તાક બે ભાઇમાં નાનો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા પણ પ્રાઇવેટ નોકરી કરે છે. સાંજે તેના માતા રશીદાબેન સગાની ખબર કાઢીને ઘરે આવ્યા અને ઉપરમાં રૂમમાં ગયા ત્યારે મુસ્તાક લટકતો મળતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ જીવ બચી શકયો નહોતો. સાંજે સવા છ સાડાછએ તો મુસ્તાકે મિત્રો સાથે ફાકી ખાધી હતી અને બાદમાં હમણા આવું...કહીને ગયા પછી આ પગલુ ભરી લીધું હતું. તેની મંગતી જેતપુરની યુવતિ સાથે થઇ હતી અને આવતી ૬ તારીખે શાદી હતી.  આર્થિક સંકડામણમાં આ પગલુ ભર્યાની શકયતા હોવાનું પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

(1:02 pm IST)