Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ર૮મીએ ખાસ બોર્ડઃ વાવડીનાં સુચીત કારખાનાઓને રેગ્યુલાઇઝ કરાશે

લોકસભા ચૂંટણી આચારસંહિતા પુર્વે કોર્પોરેશનનાં નીતી વિષયક નિર્ણયો માટે : નાનામૌવા ટી.પી.સ્કીમમાં જમીન હેતુફેર અને શહેરના રસ્તા પર બે ખાનગી બિલ્ડીંગોને જોડતો બ્રીજ બનાવવા સહિતની ૧૮ દરખાસ્તોનો નિર્ણયો લેવાશે

રાજકોટ, તા., રરઃ આગામી ટુંક સમયમાં લોકસભાની ચુંટણીઓની આચાર સંહિતા લાગુ થનાર છે. ત્યારે તે પુર્વ મ્યુ. કોર્પોરેશનની ટી.પી.સ્કીમોના પ્લોટનાં હેતુફેર સહીતનાં નીતીવિષયક નિર્ણયો તેમજ અન્ય વહીવટી દરખાસ્તમાં નિર્ણયો લેવા માટે આગામી તા.ર૮ને ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે મેયર બીનાબેન આચાર્ય દ્વારા ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું છે.

આ અંગે આ ખાસ બોર્ડનાં એજન્ડામાં દર્શાવેલ ટાઉન પ્લાનીંગની મહત્વની દરખાસ્તો મુજબ પ્રારંભીક ટી.પી. સ્કીમ નં. ૧૪ (વાવડી) રાજકોટની પુનઃ રચનાની દરખાસ્તને પરામર્શ  આપવા અંગે નિર્ણય લેવાનો છે.

સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ ઉપરોકત પ્રારંભીક ટી.પી. સ્કીમમાં કેટલાક રીઝર્વેશન પ્લોટોમાં વર્ષો જુના મંદિરનું બાંધકામ ઉપરાંત કારખાનાઓમાં બાંધકામો ઉભા હોઇ આવા પ્લોટોનો હેતુફેર કરવા માટે ટી.પી. સ્કીમમાં પરામર્શ કરાયો છે.

જેમાં કારખાનાવાળા પ્લોટોને કોમર્શીયલ હેતુમાં ફેરવવા પરામર્શ થયો છે. આમ પાછલા બારણેથી સુચીત કારખાનાઓને રેગ્યુલાઇઝ કરવા માટેની આ દરખાસ્ત હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

આ ઉપરાંત આખરી ટીપી સ્કીમનં. ૩ (નાનામૌવા)માં અંતિમ ખંડ નં. રપનો આવાસ યોજનાનો પ્લોટ બગીચા માટે હેતુફેર કરવાની દરખાસ્ત છે. તેવી જ રીતે શહેરનાં રસ્તા પર આવેલ બે ખાનગી બિલ્ડીંગોને જોડવા માટે લોખંડનો બ્રીજ બનાવવાનાં નિતીવિષયક નિર્ણય માટેની દરખાસ્તનો આ ખાસ બોર્ડના એજન્ડામાં સમાવેશ છે.

આ ઉપરાંત એજન્ડામાં વિવિધ શોપીંગ સેન્ટરોની દુકાનોની જાહેર હરરાજીથી વેચાણ ભરતી વિતરણથી જમીન આપવા, બજેટ વર્ગફેર જેવી વહીવટી બાબતો સહીત કુલ ૧૮ દરખાસ્તોનો નિર્ણય આ ખાસ બોર્ડમાં લેવાશે.

સતત ત્રીજુ બોર્ડ પ્રશ્નોતરી વગરનું !

નોંધનીય છે કે આગામી ર૮મીએ મળનાર આ ખાસ બોર્ડમાં પ્રશ્નોતરી નહી રાખી શકાય. આમ સતત ત્રીજું બોર્ડ પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા વગરનું રહેશે. કેમ કે આ અગાઉનું બોર્ડ બજેટનું હતુ તેમાં પણ પ્રશ્નોતરી ન હતી અને તેની અગાઉ વોર્ડ નં. ૧૩ ની પેટા ચુંટણીની આચારસંહિતા હતી. તેથી પ્રશ્નોતરી થઇ ન હતી.(૪.૧૩)

(4:34 pm IST)