Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

શાપરમાં ડિઝલની ટાંકીમાં ગેસ વેલ્ડીંગ વખતે ધડાકો-આગઃ બે વ્યકિત દાઝી

બાલવી ગેસ વેલ્ડીંગવાળા રમેશભાઇ લુહાર અને વેલ્ડીંગ કરાવવા આવેલો થાવરીયા રાજકોટ સારવાર હેઠળ

જ્યાં ઘટના બની તે ગેસ વેલ્ડીંગની કેબીન, ડિઝલ ટાંકી અને દાઝેલા બંને વ્યકિત જોઇ શકાય છે (ફોટોઃ કમલેશ વસાણી-શાપર)

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં ટેલિફોન એસોસિએશનની ઓફિસ પાછળ આવેલી ગેસ વેલ્ડીંગની કેબીનમાં સાંજે ડિઝલની ટાંકીમાં વેલ્ડીંગ કરતી વખતે ધડાકા સાથે ટાંકી ફાટ્યા બાદ આગ લાગતાં કેબીનવાળા લુહાર વૃધ્ધ અને ટાંકીમાં વેલ્ડીંગ કરાવવા આવેલો એમપીનો યુવાન ગંભીર રીતે દાઝી જતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળના દર્શન પાર્ક-૨માં રહેતાં રમેશભાઇ પોપટભાઇ મકવાણા (ઉ.૬૫) નામના લુહાર વૃધ્ધ સાંજે પોતાની બાલવી ગેસ વેલ્ડીંગ નામની કેબીને હતાં ત્યારે શાપરમાં જ રહેતો અને ટ્રકમાં મજૂરી કરતો મુળ મધ્યપ્રદેશનો થાવરીયા તેરસીંગ ડામોર (ઉ.૨૫) ટ્રકની ડિઝલ ટાંકી લિક થઇ ગઇ હોઇ તે ટ્રકમાંથી કાઢીને તેમાં વેલ્ડીંગ કરાવવા આવ્યો હતો.

રમેશભાઇ આ ટાંકીમાં વેલ્ડીંગ કરી રહ્યા હતાં ત્યારે અચાનક ધડાકો થતાં અને આગ લાગતાં તે તથા બાજુમાં બેઠેલો થાવરીયા એમ બંને દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. રમેશભાઇને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જ્યારે થાવરીયાને સંતાનમાં બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

(12:23 pm IST)