Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નિવેડો નહી આવે તો એસ.ટી.ના ૪૫ હજાર કર્મચારીઓ પરિવાર સાથે સોમવારે ગાંધીનગર કુચ કરશેઃ ઉગ્ર લડત

એસ.ટી. હડતાલ બીજા દિવસમાં પ્રવેશીઃ મુસાફરો આમ થી તેમ રઝળે છેઃ પ્રાયવેટ ટ્રાવેલ્સો દ્વારા ખૂલ્લેઆમ લુંટઃ બેફામ ભાડા : આજે બપોરે ૧૨ વાગ્યે રાજકોટ સહિત રાજ્યભરમાં મુખ્ય મથકોએ ડ્રાઇવર-કંડકટરોના અર્ધનગ્ન દેખાવો કરાયાઃ તમામ બસ સ્ટેશનો ઉપર દરવાજા આડે જ ત્રણ-ત્રણ બસો રાખી દેવાઇઃ બધુ સુમસામ અર્ધનગ્ન બની સરકારને સંદેશ તમારા કારણે અમારી આ દશા થઇ છેઃ એમડી બોલાવે એ મંજુર નથીઃ એ અમારી માંગણી સંતોષી શકે તેમ નથીઃ મુખ્યમંત્રી બોલાવે તો જ ફાઇનલઃ ખાનગી ટ્રાવેલ્સોના બેફામ ભાડા સામે કલેકટર તંત્ર દ્વારા ચેકીંગના આદેશોઃ RTOને પણ સુચના આપીઃ બેફામ ભાડા લેનારની બસો-ટેકસી સીઝ કરી દેવા વિચારણાઃ એડી. કલેકટરે ટીમો બનાવી સુચના આપીઃ એસટી પ્રમાણે જ ભાડુ લ્યોઃ વધુને વધુ બસો દોડાવોઃ પરિમલ પંડયા

રાજકોટ તા.૨૨: રાજકોટ સહિત રાજ્યવ્યાપી એસ.ટી. હડતાલ બીજા દિવસમાં પ્રવેશી છે, અને ૪૫ હજાર કર્મચારીઓ આક્રમક બની ગયા છે, રાજકોટ સહિત રાજ્યભરના ૧૨૫ ડેપોના મુખ્ય દરવાજે ત્રણ-ત્રણ બસો આડે રાખી દેવાઇ છે, બધુ સૂમસામ છે, વહીવટી કામગીરી પણ અટકી પડી છે.

એસ.ટી. હડતાલની અસર ભારે ખરાબ પડી છે, મુસાફરો -અપડાઉન કરવાવાળા વિદ્યાર્થીઓ-નોકરીયાતો આમથી તેમ રઝળી રહયા છે. તો પ્રાયવેટ ટ્રાવેલ્સો-વાહનવાળાઓએ ડબલ કે ડોઢા ભાવ વધારી દઇ, ખુલ્લેઆમ લુંટ ચલાવવાનું શરૂ કરતા લોકોની હાલત દયનીત બની ગઇ છે, બેફામ ભાડાને કારણે હજારો મુસાફરોએ મુસાફરી રદ્દ કરી નાંખી છે, હજારો લોકો લગ્નમાં નથી પહોંચી શકયા. રાજ્યભરમાં દેકારો બોલી ગયો છે.

દરમિયાન એસટીના યુનિયન અગ્રણી શ્રી ઇંદુભાઇએ આજે''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી માસ સીએલ ગતરાત્રે ૧૨ વાગ્યે પુરી થતી હતી તે અમે લંબાવી છે, સરકારે હજુ સુધી મંત્રણા માટે બોલાવ્યા નથી, સેકશન હેડ કે એમડી બોલાવે તે અમને મંજુર નથી, કારણ કે આ લોકો અમારી માંગણી સંતોષી શકવાના નથી, સાતમા પગાર પંચની અમલવારી-વારસદારોને નોકરી આ સહિતના પ્રશ્નો અંગે અમારા ત્રણેય સંગઠનની માંગણી પુરી ન થાય ત્યાં સુધી લડત-હડતાલ ચાલુ રહેશે.

તેમણે કહ્યું કે અમે હવે રોજેરોજ નવા કાર્યક્રમો આપવાના છીએ, આજે રાજકોટ સહિત તમામ ૧૬ ડિવીઝનના મુખ્ય મથકે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ડ્રાઇવર-કંડકટરો અન્ય કર્મચારીઓ અર્ધનગ્ન બની દેખાવો કરશે, અને સરકારને સંદેશો આપશે કે આ તમારા કારણે અમારી આ દશા થઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે બે દિ'માં એટલે કે રવિવાર સુધીમાં જો નિવેડો નહી આવે તો સોમવારે કે તે પછીના દિવસે એસટીના રાજ્યભરના ૪૫ હજાર કર્મચારીઓ પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ વાહનો લઇ ગાંધીનગરમાં કુચ કરશે, ઉગ્ર લડતના એંધાણ દેખાઇ રહયા છે.

શ્રી ઇંદુભાઇએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી કે સરકારના કોઇ જવાબદાર મંત્રી બોલાવે, અને માંગણીઓ અંગે લેખીતમાં ખાત્રી અપાયા બાદ જ લડતનો નિવેડો આવશે, ત્યાં સુધી અમારી હડતાલ ચાુ રહેશે, રાજ્યભરમાં દેખાવો-સૂત્રોચ્ચાર-ધરણા વિગેરે કાર્યક્રમો અપાશે.(૧.૭)

(12:21 pm IST)