Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સૌરાષ્ટ્રમાં નાટ્યકલાનો પ્રારંભ ૧૮૫૩માં થયો હતો

ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ મોરબીમાં થયેલો, મુંબઇમાં રંગભૂમિને નવા રંગ-રૂપ મળ્યા રાજવીઓને નાટકકળા માટે ખુબ જ પ્રેમ હતો : જુનાગઢના નવાબ મહાબતખાને એક ખાનગી નાટકશાળા બાંધેલ તેમાં ખાસ પસંદગીના પ્રેક્ષકોની હાજરીમાં નાટકની મજા માણતાં : 'ભકિત પ્રદર્શક નાટક મંડળી'ના માલિક શ્રી મણીશંકર ભટ્ટને મોટી ખોટ થતાં નવાબે તેમને એક મકાન આપી પેન્શન બાંધી આપેલ 'અનારકલી' નાટક : પોરબંદરના રાજવી શ્રી નટવરસિંહે સ્પેશ્યિલ શો કરાવી આ નાટક એકવીસ વખત જોયેલું: સૌરાષ્ટ્રમાં નાટયકળાનો પ્રારંભ ઓગણીસમી સદીના ૧૮પ૩ થી શરૂ થયેલ : ૧૮પ૩ થી ૧૮૭૦ નો કાળ તેના ઉદય અને વિકાસનો હતો ને ૧૮૭૦માં નાટયકળાએ વ્યવસાય સ્વરૂપ ધારણ કરેલઃ જુની ગુજરાતી રંગભૂમિનું જન્મદાતા મોરબી હતુ. અને નવી રંગભૂમિનો જન્મ મુંબઈમાં થયેલઃ ૧૮૭૮માં મોરબીમાં 'આર્ય સુબોધ' નાટક મંડળીની સ્થાપના મોરબી : ઠાકોર વાઘજીના આશિર્વાદથી થયેલઃ મહુવાના નાટક લેખક 'પાગલ' શ્રી મણીલાલ ત્રિવેદીએ ૧૦૦ નાટક લખેલ : ચાવંડના મુળશંકર મુલાણીએ ધાર્મિક, સામાજીક અને ઐતિહાસિક વિષય સાથે અંદાજે પચાસ નાટક લખેલઃ શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય ડો. આર. કે. યાજ્ઞિક, ડી. પી. જોષી, શ્રી ગિજુભાઈ વ્યાસ, જયશંકર માસ્તર અને શ્રી હસમુખ કિકાણીએ અવેતન નાટય પ્રવૃતિનો પ્રારંભ કરાવવામાં મહત્વનું પ્રદાન આપેલ છેઃ ૧૯૩૦માં ચલચિત્ર જગતનું આગમન થતાં નાટયકળાના વળતાં પાણી થયેલા

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ નાટય અને કલા પ્રેમ વાંચકોને નાટયકળાની ભુતકાળની રસપ્રદ માહિતી આપતા જણાવે છે કે અંદાજે દોઢસો વર્ષ પહેલા જનતાનું આનંદ, મનોરંજનનું માઘ્યમ નાટક (ભવાઈ) જ હતી. આ અંગે પ્રસિઘ્ધ ઈતિહાસ લેખક  ડો. એસ. વી. જાનીએ ઈતિહાસ લેખનમાં ઉલ્લેખ કરેલ છે. આશા રાખુ વાંચક મિત્રોને આ માહિતી ગમશે.

સૌરાષ્ટ્રમાં નાટયકળા પ્રાચીનકાળથી પ્રચલિત હતી. રામાયણનાં પાત્રોવાળી રામલીલા અને કૃષ્ણની લીલા દર્શાવતી રાસલીલા સૌરાષ્ટ્રનાં ગામડે ગામડે ભજવાતી. તે નાટયકળાનું પ્રાચીન સ્વરૂપ હતું. પછીથી મઘ્યકાળમાં ભવાઈના વેશ પણ નાટકનો એક પ્રકાર હતો જે ગ્રામ્યસમાજમાં વધુ પ્રચલિત હતો. ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ તો ઓગણીસમી સદીમાં ૧૮પ૩માં થયો હતો. ૧૮પ૩થી ૧૮૭૦નો ગાળો તેના ઉદય અને વિકાસનો હતો. ૧૮૭૦માં તેણે વ્યવસાયનું સ્વરૂપ ધારણ કર્યું જયારે કેખુશરૂ કાબરાજીએ વિકોટરીયા મંડળી સ્થાપી. ૧૮૭૦થી ૧૯ર૦નો પચાસ વર્ષનો ગાળો જુની ધંધાદારી રંગભૂમિનો મઘ્યાન્હ હતો અને ૧૯ર૦થી ૧૯પ૦નો ગાળો એ તેનાં આથમતાં અજવાળાં (અસ્ત)નો સમય હતો.

જુની ગુજરાતી રંગભૂમિની ગંગોત્રી મોરબી હતું જયારે નવી રંગભૂમિ ગંગોત્રી મુંબઈ હતું. ૧૮૭૮માં મુળજી આશારામ ઓઝા અને વાઘજી આશારામ ઓઝા નામના ભાઈઓએ મોરબીના ઠાકોર સાહેબ વાઘજીના આશ્રય હેઠળ ગુજરાતની પહેલી નાટક કંપની એવી આર્ય સુબોધ નાટક મંડળીની સ્થાપના કરી ગુજરાતી રંગભૂમિને ધમધમતી કરી હતી. એ રીતે મોરબી એ સૌરાષ્ટ્રની રંગભૂમિનુ ઉદગમસ્થાન બન્યુ હતું. મોરબી પછી વાંકાનેર, ધ્રાંગધ્રા, પાલિતાણા, નવાનગર, ભાવનગર, જુનાગઢ વગેરે રાજયોએ પણ રંગભૂમિના વિકાસમાં યોગદાન આપ્યું હતું.

મોરબીના મુળજી અને વાઘજી આશારામ ઓઝા તથા શંકરલાલ મહેશ્વર, વાંકાનેરના મોટા નાના ત્રયંબક, ભાવનગરના દલસુખરામ, વાસુદેવ અને ગજાનન ઠાકર, ડાહયાલાલ શિવરામ, નથુરામ સંદરજી, પાલિતાણાના હરિભાઈ તથા હેમુભાઈ ભટ્ટ જેવા રંગકર્મીઓએ પોતાનું જીવન રંગભૂમિના વિકાસ માટે સમર્પિ દીધુ હતું. તેમણે દર્શાવેલા માર્ગ પર પ્રભાશંકર ભરમણીભ સોમનાથ ભકલ્યાણીભ અમૃત જાની, શામળજી પંડયા, આણંદજી પંડયા (કાઠીયાવાડી કબૂતર), તેમ જ હેમુ  ગઢવી સુધીના કલાકારોએ રંગભૂમિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

પ્રભાસપાટણમાં ૧૮૮૦માં 'પ્રભાસ આર્યોદ્વારક નાટક મંડળી' સ્થપાઈ હતી. તે ધાર્મિક અને આઘ્યાત્મિક વિષયવસ્તુવાળાં નાટકો ભજવતી. જુનાગઢના રૂપશંકર ઉદયશંકર ઓઝા, જે 'સંચિત' ઉપનામથી ઓળખાતા હતા અને જે કલાપીના દરબારમાં પણ સ્થાન પામ્યા હતા, તેમણે તથા શ્રી રંગધર મૂળશંકર માંકડે ૧૮૮૪માં સંચિતે કેટલાક અવેતન કલાકારોને ભેગા કરી સ્વરચિત  રાણકદેવી રાભખેંગાર નાટક બનાવ્યુ હતું. જુનાગઢ રાજય નાટક કંપનીઓને ઉતેજન આપતું. ભપાલિતાણા ભકિત પ્રદર્શક નાટક મંડળીભની સ્થાપના ૧૯૦૮માં થઈ હતી. પરંતુ ૧૯૦૮થી ૧૯૩૮ દરમ્યાન તેણે લગભગ કાયમી રીતે જૂનાગઢમાં પોતાનાં નાટકો ભજવ્યા હતાં. જૂનાગઢના છેલ્લા નવાબ મહાબતખાન ત્રીજા નાટકોના ખૂબ શોખીન હતા. તેમણે એક ખાનગી નાટકશાળા બંધાવી હતી. તેમાં પોતે પસંદ કરેલા પ્રેક્ષકોની હાજરીમાં નાટકો માણતાં તેમાં પ્રજાના કોઈ માણસ કે અમલદારને પ્રવેશ અપાતો નહિ. પાલિતાણા ભકિત પ્રદર્શક નાટક મંડળીના માલિક મણિશંકર ભટ્ટ આ નવાબના કૃપાપાત્ર હતા. ૧૯૩૭માં ભાયાવદરના થિયેટરમાં નાટક ભજવતાં ભટ્ટની નાટકમંડળીને ઘણું નુકશાન થતાં નવાબે શ્રી ભટ્ટને જૂનાગઢ બોલાવી એક મકાન આપી પેન્શન બાંધી આપ્યુ હતું તે નવાબનો નાટયપ્રેમ દર્શાવે છે.

જામનગર પણ જૂની રંગભૂમિના વિકાસનું એક કેન્દ્ર હતું. ૧૮૮પમાં જામનગરમાં ભઆર્ય પ્રબોધ નાટક મંડળીભ દુર્લભ શ્યામ ધુ્રવે સ્થાપી હતી. તેમણે ઘણાં નાટકો લખ્યા હતાં.૧૯૧૯માં ભહિંદ નાટક સમાજભ સ્થપાયું હતું. તેના નિર્માતા અને દિગ્દર્શક શંકરલાલ મણિશંકર જોષી હતા. ૧૯ર૪માં આ કંપની બંધ થઈ જતાં ૧૯૩૦માં તેમણે 'રણજીત નાટક સમાજ' નામથી બીજી નાટક મંડળી શરૂ કરી હતી. તેનું ભકાદુ 'કરાણી' નાટક ખૂબ વખણાયું હતું. જયશંકર વાઘજી વ્યાસ નાટકોના લેખક હતા. તેમણે 'વિશાળવેલી', 'નૂરજહાં', 'ભીષ્મ જેવાં નાટકો લખ્યા હતાં. તે ખૂબ લોકપ્રિય થયાં હતાં.

ભાવનગર પણ જુની રંગભૂમિનું એક મહત્વનું કેન્દ્ર હતું. ચાવંડના મૂળશંકર મૂલાણીએ લગભગ પચાસ નાટકો લખ્યાં હતાં. તેનું વિષયવસ્તુ ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક રહેતું. તેમણે નાટકોના ગીતો પણ લખ્યાં હતાં. ગુજરાત અને મુંબઈની નાટક કંપનીઓ તેમનાં નાટકો ભજવતી. તેમના નાટકોનો કેન્દ્રવર્તી વિચાર રહેતો સારા અને નરસા વચ્ચે સંઘર્ષ અને તેમાં અંતે સારાનો વિજય. ગુજરાતીમાં કરૂણાંતિકા લખનાર તેઓ પ્રથમ હોવાનું મનાય છે. 'રાજબીજ' નાટકથી તેમણે લોકપ્રિયતા મેળવી હતી. શેકસપિયર 'ઓથેલો' નાટક ઉપરથી તેમણે 'સૌભાગ્ય સુંદરી' ઉપરાંત 'અજબ કુમારી', 'કૃષ્ણ ચરિત્ર' અને 'દેવકન્યા' નાટકો લખેલાં. તેના અનેક ખેલ થયા હતા. તેવી જ રીતે મહુવાના કવિ 'પાગલ' તરીકે પ્રસિઘ્ધ મણિલાલ ત્રિભુવનદાસ ત્રિવેદીએ લગભગ સો જેટલા નાટકો લખી નાટયજગતમાં કીર્તિમાન સ્થાપ્યો છે. તેમનું ગુજરાતીમાં લખેલું 'રાભમાંડલિક' અને હિંદીમાં લખેલ 'માયા મચ્છેન્દ્ર' નાટક ખૂબ સફળ રહયા હતાં. પાલિતાણાના હરિભાઈ ભટ્ટ નાટયનિર્માતા હતાં તેમના 'લવકુશ' નાટકે તો સતત ૩૬પ ખેલ પાડીને અતુટ કીર્તિમાન સ્થાપ્યો હતો.

ત્રાપજના કવિ પરમાનંદ મણિશંકર ભટ્ટ ગામના નામ ઉપરથી ત્રાપજકર અટકથી ઓળખાય છે. ૧૯રરમાં તેમણે પાલિતાણા ભકિત પ્રદર્શક નાટક કંપની માટે 'હઠીલો જયમલ' નાટક, ગીતો અને કોમિક લખી આપ્યા હતા. તે ખૂબ વખણાતાં તે નાટક કંપનીએ કવિ તરીકે પોતાની નાટક મંડળીમાં નીમ્યા હતા. તેમના 'અનારકલી' નાટકે ખૂબ સફળતા મેળવી હતી. પોરબંદરના રાજવી નટવરસિંહજીએ તે નાટકના સ્પેશિયલ શો કરાવી તે નાટક એકવીસ વાર જોયું હતું. તેમનાં 'સોરઠનો સિંહ', 'વીરહાક', 'મહાત્મા ભીષ્મ', 'વીર અભિમન્યુ', 'ભકત પ્રહલાદ' નાટકો ખૂબ પ્રસિદ્વિને પામ્યા હતાં. ૧૯ર૯માં ભાવનગરમાં 'વિશ્વ નાટક સમાજ' સ્થપાયું હતું. તેમના માટે તેણે 'જયસિંહ રાઠોડ' નાટક લખી આપ્યું હતું. પછીથી તેઓ મુંબઈના આર્ય નૈતિક નાટક સમાજમાં જોડાયા હતા. ૧૯૩૦માં તેમણે લખેલ નાટક 'રણગર્જના' ખૂબ લોકપ્રિય બન્યુ હતું. કસ્તૂરબા અને મહાદેવ દેસાઈએ આ નાટક જોઈ પ્રશંસા કરી હતી. આ નાટકની આવકને કારણે કંપની જે રૂ. એક લાખના દેવામાં ડૂબેલી હતી તેમાંથી બહાર આવી ગઈ હતી. આમ આ નાટક, કંપની માટે આર્થિક તારણહાર પુરવાર થયુ હતું. ૧૯૩૧માં તેમનું 'સમ્રાટ હર્ષ' નાટક મુંબઈમાં નાટકો ભજવતી સાત કંપનીઓમાંના બધા નાટક કરતાં સૌથી ટોચ ઉપર હતું. સર પ્રભાશંકર પટણી અને ઘનશ્યામદાસ બિરલાએ પણ આ નાટક જોઈ તેમનું સન્માન કર્યુ હતું. ૧૯૪૪માં તેમણે 'લક્ષ્મીકાંત નાટક સમાજ' માટે 'વીરપસલી' નાટક લખેલું. તે વડોદરામાં રામ વિજય થિયેટરમાં ભજવાતું. તે એટલું બધુ લોકપ્રિય બન્યું હતું કે અમદાવાદથી વડોદરા નાટક જોવા આવનારાઓ માટે ખાસ 'વીરપસલી' ટ્રેન શરૂ કરાઈ હતી. ત્રાપજકરે કુલ ૪પ નાટકો લખ્યાં છે તેમના 'વહુરાણી' નાટક ૧પ૦૦ અને 'વઢકણી વહુ' ર૦૦૦ નાઈટ ભજવાયા હતાં.

ભાવનગરની શામળદાસ કોલેજમાં તથા દક્ષિણામૂર્તિમાં પણ નાટયપ્રયોગો થતાં શામળદાસ કોલેજમાં નાટક જૂલિયસ સીઝરમાં તો કર્નલ જોરાવરસિંહ, સર હરિલાલ કણિયા, અનંતરાય પ્ર. પટણી જેવા તત્કાલીન સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતા તે તેમનો નાટયપ્રેમ દર્શાવે છે. પ્રથમ વિશ્વયુદ્વના ગાળા દરમ્યાન ભાવનગરમાં સ્વદેશ સેવા સમાજ સંસ્થા શરૂ થયેલી. તેણે આ ગાળામાં ફંડ ભેગું કરવા નાટયપ્રયોગ કરેલા. રેલવેની હડતાળ વખતે ગગનવિહારી મહેતાએ લખેલ 'હડતાલી નાટક' ભજવાયું હતું. ઝવેરચંદ મેઘાણીનું 'રાણા પ્રતાપ' અને 'શાહજહા', યશવંત પંડયાનું 'શરતના ઘોડા' અને શ્રીધરાણીનું 'મોરના ઈંડા' નાટક પણ ભજવાયા હતાં. શામળદાસ કોલેજમાં સ્ત્રીપાત્ર ભજવનાર તરીકે હર્ષવદન વોરા જાણીતા બન્યા હતા. ૧૯૩પમાં ભાવનગરમાં 'યંગ કલબ' સ્થપાઈ હતી. તે દર વર્ષે ચાર નાટકો ભજવતી. ડો. કાણેની સૌથી નાની પુત્રી સરલા કાણેએ 'કલ્પના' નાટકમાં સૌપ્રથમ સ્ત્રીપાત્ર ભજવી રાહ ચીંઘ્યો હતો. પછીથી અન્ય કુટુંબો પણ પોતાની દિકરીઓને સુરૂચિવાળા નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવવાની પરવાનગી આપતાં થયાં હતાં.

અસહકારના જમાનામાં ભાવનગરના ગૌરીશંકર ચતુર્વેદીએ લખેલ 'ગરીબોનો બેલી' નાટક ભજવાયું. તો 'છેટાં રહેજો માબાપ' નાટકમાં અસ્પૃશ્યોની સમસ્યાને વાચા અપાઈ હતી. બાબુભાઈ ઓઝાએ લખેલ 'ન્યાયાધીશ', 'ઘરજમાઈ', 'નેપોલિયન બોનાપાર્ટ', 'રાજાધિરાજ', 'વહુના વાંકે' જેવા નાટકો લક્ષ્મી નાટક સમાજ તથા સાર્વજનિક નાટક સમાજ ભજવતાં હતાં. તેમાં પણ ૧૯૩૧માં તેમણે લખેલ 'ન્યાયાધીશ' નાટકમાં ગાંધીયુગના વિચારો દર્શાવતું ગીત હતું.

ગાંધી તું આજ હિંદ કી શાન બન ગયા,   

સારી જહાં કોમ કા અભિમાન બન ગયા.

તું દોસ્ત હૈ હર કોમ કા, દિલ અઝીજ હૈ,

તેરી કલામ મઝહબી, ફરમાન બન ગયા.

ગુજરાતી નાટક મંડળીઓ ધાર્મિક, પૌરાણિક, સામાજિક અને ઐતિહાસિક નાટકો ભજવતી હતી. આ નાટકો ભજવવા માટે મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરામાં તથા સૌરાષ્ટ્રમાં થિયેટરો બાંધવામાં આવ્યા હતાં. તેમાં મુંબઈમાં બાલીવાલા, વિકટોરીયા, ભાંગવાડી, પ્રિન્સેસ, ગેઈટી, એડવર્ડ, બોમ્બે થિયેટર વગેરે મુખ્ય હતાં. અમદાવાદમાં આનંદ ભુવન, ભારત ભુવન, શાંતિ ભુવન, માસ્ટર ભુવન વગેરે સુરતમાં કવીન વિકટોરીયા, જયોર્જ પ્રિન્સેસ, સુર્યપ્રકાશ વગેરે વડોદરામાં મોરબી થિયેટર, વાંકાનેર થિયેટર, વિજયરંગ, રામવિજય થિયેટર વગેરે,

જૂનાગઢમાં વણઝારી અને કાળવા થિયેટર, રાજકોટમાં લક્ષ્મી ભુવન, ગોંડલમાં ભગવત મંડપ થિયેટર, પોરબંદરમાં શ્રીનાથજી થિયેટર, ભાવનગરમાં વિજયરંગ થિયેટર વગેરે મુખ્ય હતાં. ૧૯૩૦માં ચલચિત્રનું આક્રમણ થતાં નાટકના ધંધાને ફટકો પડયો અને તેથી ત્યારપછી આ થિયેટરોમાં સિનેમાગૃહો બની ગયાં.

વીસમી સદીની પ્રથમ વીસી સુધી સમાજનું માનસ સંકુચિત હોવાથી નાટકોમાં સ્ત્રીપાત્રો પુરૂષો મજવતા હતાં. આ નટો કિશોર અને યુવાન હોય ત્યાં સુધી સ્ત્રીપાઠમાં સારા લાગતા પરંતુ વૃદ્વ થયા પછી વરવા લાગતા. છતાં કેટલાક પુરૂષ નટોએ ભજવેલી સ્ત્રીભૂમિકા ઉપરથી તેઓ જે તે નામે ઓળખાતા હતાં. જેમ કે જયશંકર 'સુંદરી', પ્રભાશંકર 'રમણી', ત્રિકમ 'કુમુદ', સોમનાથ 'કલ્યાણી', ભોગીલાલ 'માલતી', અંબાલાલ 'ચાંદબીબી' વગેરે. સમય જતાં સ્ત્રીપાત્રો ભજવવા સ્ત્રીઓએ હિંમત કરી તેથી નાટકોમાં સ્ત્રીપાત્રોની વાસ્તવિકતા શરૂ થઈ.

પછીથી ૧૯ર૮–૩૦ના ગાળામાં આધુનિક શિક્ષણના પ્રભાવ હેઠળ અવેતન રંગભૂમિનો પ્રારંભ થયો હતો. તેના જનક ચંદ્રવદન ચીમનલાલ મહેતા હતાં ૧૯૩૦ પછીના દસકાઓમાં રાજકોટ, ભાવનગર, જામનગરમાં અવેતન કલામંડળો સ્થપાયાં. તેઓ એકાંકી, દ્વિઅંકી કે ત્રિઅંકી નાટકો ભજવતાં. તેથી પ્રજાને શિષ્ટ અને સાહિત્યિક નાટકો માણવા મળ્યાં. સૌરાષ્ટ્રમાં અવેતન નાટયપ્રવૃતિનો પ્રારંભ કરી તેને વિકસાવવામાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના આચાર્ય ડો. રમણલાલ કે. યાજ્ઞિક, ડી. પી. જોષી, હરકાંત શુકલ, ગિજુભાઈ વ્યાસ, જયશંકર માસ્તર, હસમુખ કીકાણી વગેરેનું પ્રદાન મહત્વનું હતું. ૧૯૩પમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા રસોત્સવ મંડળ સ્થપાયું હતું. તેના દ્વારા અવેતન નાટયપ્રવૃતિને વ્યવસ્થિત સ્વરૂપ અપાયું હતું. વજુભાઈ ટાંકની નાટયપ્રવૃતિઓ મંડળથી જ શરૂ થઈ હતી. આ સંસ્થાએ પોતાનું પ્રથમ ત્રિઅંકી ઐતિહાસિક નાટક 'પેશવાઈનું પતન' રાજકોટમાં ભજવ્યું હતું. ત્યારપછી 'પરિવર્તન', 'ફુલમાળ', 'સમર્પણ' વગેરે નાટકો ભજવ્યાં હતાં. નાટપ્રવૃતિનો વિકાસ થતાં ૧૯૪૭માં રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રની સ્થાપના થઈ હતી.

તે સંસ્થાએ 'ધરતીનો સાદ', 'મારે પરણવું છે', 'ભાઈબીજ', 'જાગતા રહેજો', 'ભૂદાન', 'ઉગ્યું પ્રભાત', 'ઘરનો દીવો', 'રમકડાંની દુકાન', 'બાળ રાજા', 'સોનાનો સૂરજ', 'અલ્લાબેલી', 'માનવતાની મૂર્તિ' વગેરે નાટકો ભજવ્યાં હતાં. આઝાદી પછી ૧૯પ૩માં 'સૌરાષ્ટ્ર સંગીત નાટક એકેડેમી' રાજકોટમાં સ્થપાઈ અને ૧૯પપમાં 'કલા નિકેતન' સંસ્થા સ્થપાઈ હતી. કલાનિકેતનના સ્થાપક પ્રેમશંકર યાજ્ઞિક હતા. તેમના પુત્ર ભરત યાજ્ઞિક અને પુત્રવધુ શ્રીમતી રેણુ યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ અનેક નાટકો ઉપરાંત 'પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણી', 'આંખોની આરપાર', 'તુઘલક', 'મહાપ્રયાણ' વગેરે નાટકો પ્રસિદ્વિને પામ્યા છે. ૧૯પ૯માં સૌરાષ્ટ્ર કલાકેન્દ્રે રમેશ મહેતા અને જગદીશ દવેને દિલ્હીમાં રાષ્ટ્રીય નાટકશાળામાં અભ્યાસ કરવા મોકલ્યા હતા. રમેશ મહેતા પછીથી ચલચિત્રમાં જોડાઈ લેખક તથા હાસ્ય અભિનેતા તરીકે અજોડ નામના પામ્યા છે. વિષ્ણુકુમાર વ્યાસે મુંબઈ જઈ અને વજુભાઈ ટાંકે સુરત જઈ ત્યાંની રંગભુનિા વિસ્તરણમાં ભાગ ભજવ્યો. નિર્ભય ભટ્ટ સૌરાષ્ટ્ર રંગમંડલ અને સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, રાજકોટની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહયા હતા.

આમ સૌરાષ્ટ્રની જૂની રંગભૂમિનું કેન્દ્ર મોરબી હતું. તો નવી અવેતન રંગભૂમિનું કેન્દ્ર રાજકોટ બન્યું હતું. રાજકોટ પછી ભાવનગરમાં તથા જૂનાગઢ, જામનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ પણ અવેતન રંગભૂમિનો વિકાસ થયો. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં અનેક કોલેજો ખૂલી હતી તેમાં વિદ્યાર્થીમંડળો દ્રારા નાટકો ભજવાતાં રહયા છે. અનેક શહેરોમાં અનેક સંસ્થાઓએ ઓપન એર થિયેટરો બાંધી નાટય પ્રવૃતિને વિસાવવામાં યોગદાન આપેલ.

: સંકલન :

તખ્તસિંહ રાઠોડ

(9:38 am IST)