Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

'રોલ નં. ૫૬' ગુજરાતી ફિલ્મ માટેનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ જીગર જોષીને

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાતી સિનેમાના પ્રોત્સાહન તેમજ સંવર્ધન અર્થે છેલ્લા ૧૭ વર્ષથી ટ્રાન્સમિડીયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ સમારંભ સિનેજગતની અનેક હસ્તીઓની નિશ્રામાં દબદબાભેર ઉજવાઈ રહ્યો છે. મુંબઈ ખાતે એવોર્ડ સમારંભમાં રાજકોટના યુવા શાયર જિગર જોષી 'પ્રેમ'ને વર્ષ ૨૦૧૭નો ફિલ્મ 'રોલ નં. ૫૬' માટેનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.

૨૦૧૭માં રીલીઝ થયેલી અને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં નોમિનેટ તેમજ એવોર્ડસ મેળવનારી ફિલ્મ 'રોલ નં. ૫૬'ના તમામ ગીતો જિગર જોષીએ લખ્યા છે. આ તકે ફિલ્મના ડાયરેકટર ભાવિન ત્રિવેદી, મ્યુઝીક ડિરેકટર મેહુલ ત્રિવેદી અને ફિલ્મની સમગ્ર ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિગર જોષીના દાદાજી સ્વ. મહીપતરામ જોષી ઝાલાવાડના સુખ્યાત બાળ સાહિત્યકાર તેમજ કેળવણીકાર હતા. બાળ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ૧૫ જેટલા ઉત્તમ પુસ્તકો થકી બાળ સાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. જિગર જોષીના પિતા મધુકાન્તભાઈ જોષી ગુજરાતના એક માત્ર શબ્દ ચિત્રકાર અને જાણીતા બાળ સાહિત્યકાર છે અને ૩૦ જેટલા પુસ્તકો આપી સાહિત્યના વિવિધ ક્ષેત્રે પ્રદાન કરેલું છે. હાલ જિગર જોષી પોતે ગુજરાતી, હિન્દી તેમજ ઉર્દુ એમ ત્રિવિધ ભાષામાં સર્જન કરી રહ્યા છે. તેઓ ગીત, ગઝલ, નઝમ, વાર્તા, નવલિકા અને બાળસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં કાર્યરત છે. બ્રહ્મરત્ન એવોર્ડ-૨૦૧૫, પ્રેમભાવ શ્રેષ્ઠ ગીતકાર (બાળસાહિત્ય) ૨૦૧૪ જેવા અનેક એવોર્ડ મેળવી ચૂકયા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. મહીપતરામ જોષીની સ્મૃતિમાં જોષી પરિવાર 'જીવનકલા ફાઉન્ડેશનના માધ્યમથી ૬૦,૦૦૦ બાળકોને બાળસાહિત્યના પુસ્તકો વિનામૂલ્યે વિતરણ તથા બાળવિકાસની    અનેક પ્રવૃતિ  કરી રહ્યા છે. મો. ૯૯૨૫૧ ૫૭૪૭૫ ઉપર જીગરભાઈને શુભેચ્છા વર્ષા  થઈ રહી છે.

(4:25 pm IST)