Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કોર્પોરેશનમાં આસિ. કમિશ્નરોની કાયમી નિમણૂંકનો રસ્તો ખુલ્લોઃ કાનુની લડતમાં સમાધાન

પૂર્વ કમિશ્નર વિજય નેહરા વખતે પ અધિકારીઓને આસિ. કમિશ્નરનો ચાર્જ સુપ્રત કરી દેવા સામે કર્મચારી યુનિયનોએ હાઇકોર્ટમાં લડત માંડી હતી

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશનમાં જબરો વિવાદ સર્જનાર આસી. મેનેજરોનો ચાર્જ આપી દેવા અને બાદમાં આ જગ્યાની કાયમી ભરતી માટે લેવાયેલ પરીક્ષા બાબતે ચાલુ રહેલી કાનુની લડતમાં હવે કર્મચારી યુનિયને સમાધાન માટે તૈયારી બતાવતાં આ વિવાદ ઉપર હવે પડદો પડી જવાની ચર્ચા કોર્પોરેશનનાં કર્મચારી વર્તુળોમાં જાગી છે.

આ અંગે કર્મચારીઓમાં ચર્ચાતી વિગતો મુજબ પૂર્વ મ્યુ. કમિશ્નર વિજય નેહરાનાં કાર્યકાળ વખતે ૬ અધિકારીઓને આસી. કમિશનરોનો ચાર્જ સુપ્રત  કરાવેલ અને બાદમાં આ જગ્યાએ કાયમી નિમણુંક માટે ભરતી પ્રક્રીયા હાથ ધરી પરીક્ષા લેવાયેલ જેમાં ૮૮ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પાસ થનાર અને તેમાં પ કોર્પોરેશનનાં અધિકારી અને ૧ બહારના ઉમેદવાર મળી કુલ ૬ અધિકારીઓને આસી. કમિશ્નર બનાવી દેવા નિર્ણય લેવાતાં કોર્પોરેશનનાં કર્મચારી યુનિયનોએ પરીક્ષાની  પધ્ધતી સામે ગેરરીતિનાં આક્ષેપો લગાવી અને નામદાર હાઇકોર્ટમાં કોર્પોરેશન વિરૂધ્ધ કાનુની લડત માંડી હતી.

જેનાં કારણે આજદિન સુધી આસી. કમિશ્નરોની નિમણુંકનો વિવાદ યથાવત છે.  દરમિયાન હવે કર્મચારી યુનિયને હાઇકોર્ટમાંથી કાનુની લડત પાછી ખેંચી લેવા સહમતી દર્શાવી છે. અને આ માટે યુનિયનનાં આગેવાનો અને શાસક પક્ષ ભાજપનાં અગ્રણીઓ વચ્ચે સમાધાન બેઠક પણ યોજાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે ટુંકમાં હવે આસી. કમિશ્નરોની કાયમી નિમણૂંકના વિવાદ ઉપર પડદો પડી જવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

(4:20 pm IST)