Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ચૂંટણીમાં વિજયભાઇએ કરોડો વાપર્યાઃ ઇન્દ્રનીલ રાજગુરુ

મુખ્યમંત્રીએ બોગસ મતદાન, દબાણ-લાલચ, ગૂંડાગીરીનો સહારો લીધોઃ તંત્રનો દુરુપયોગ કર્યો :મેં એટલો બધો ખર્ચ નથી કર્યો, પણ મને ગૌરવ છે કે મેં મારી પરસેવાની કમાણીના પૈસા વાપર્યા છેઃ તંત્ર અમારું સાંભળતું ન હતું, મુખ્યમંત્રીના ઘેર ધરણા સિવાય વિકલ્પ ન હતોઃ કોંગ્રેસના ધુંઆધાર નેતા ઇન્દ્રનીલની પેટ છૂટી વાત :ઇમરાન મેનુ પહેલા ભાજપમાં હતો,વિજયભાઇ સાથે પણ તેમના ફોટા છે :હું મસલ્સનો ઉપયોગ સ્વબચાવ માટે કરું છું: દંભ કરતો નથી, ખોટું બોલતો નથી :હું ગૂંડો હોવાનો અપપ્રચાર વિજયભાઇએ કર્યો હતો, સવાલ એ છે કે ત્યારે વિજયભાઇની પોલીસ મને કેમ પકડી લેતી ન હતી? :લોકો હજુ મારી પાસે પ્રશ્નો રજૂ કરે છે...લોકો જાગૃત બને, સત્તાધીશને જવાબદારીનું ભાન કરાવે

રાજકોટ, તા., ૨૨: કોંગ્રેસના ધુંઆધાર નેતા ઇન્દ્રનીલ રાજગુરૂની ફાઇટના કારણે રાજકોટની ધારાસભાની ચુંટણી રાષ્ટ્રીયસ્તરે ચર્ચાસ્પદ બની હતી. પરીણામો બાદ ઇન્દ્રનીલભાઇ મૌન જેવા બની ગયા હતા. આજે તેઓએ અકિલા સમક્ષ મન મુકીને ચર્ચા કરી હતી. ઇન્દ્રનીલભાઇ સ્પષ્ટ કહે છે કે મારા પરાજયમાં મત મશીનના ગોટાળાને હું સ્વીકારતો નથી. મશીનની ભુમીકા હોઇ શકે છે. પરંતુ મારા પરાજયના અન્ય સજ્જડ કારણો છે. જેમાં મુખ્યમંત્રી-હરીફ ઉમેદવાર વિજયભાઇ રૂપાણીએ પદનો દુરૂપયોગ કર્યો છે. બોગસ મતદાનથી માંડીને દબાણ-લાલચ  અને સહારો લેવાયો હતો. ગુંડાઓને છુટા મુકી દીધા હતા. ઇન્દ્રનીલભાઇએ સનસનીખેજ આક્ષેપ કરતા કહયું હતું કે ચુંટણી જીતવા વિજયભાઇએ  છેલ્લા દિવસોમાં ર૦ થી રપ કરોડ રૂ. ખર્ચ્યા હતા તેવી ભારે ચર્ચા છે.

જો કે ઇન્દ્રનીલભાઇ કહે છે કે મેં આટલી મોટી રકમ વાપરી નથી. મને ગૌરવ છેકે મેં ચુંટણીમાં જે રકમ વાપરી છે એ મારા પરસેવાની કમાણી હતી. ભાજપના નેતાઓ આ ગૌરવ લઇ શકે તેમ નથી શ્રી રાજગુરૂ આગળ કહે છેકે, મેં લોકો સુધી પહોંચવા માટે ખર્ચ કર્યો છે. લોકોને ખરીદવા પૈસા વાપર્યા ન હતા. મારા માટે હાર-જીત ગૌણ બાબત છે. મારે મારી વાત સ્થાપીત કરવી હતી.

ઇન્દ્રનીલભાઇ કહે છે કે મારા ભાઇ પર હુમલો થયો એ પુર્વયોજીત હતો. મારીસામે પ્રશ્ન ઉઠાવાય છે કે મુખ્યમંત્રીના ઘેર ધમાલ કરવી યોગ્ય ન હતી.

વાસ્તવિકતા એ છે કે અમે ધમાલ કરી નથી. માત્ર દેખાવો કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રીના ઘેર જવા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ ન હતો. તંત્ર બધુ ભાજપ તરફી બની ગયું હતું. અમને સાંભળનાર કોઇ ન હતું. ડીસીપી સહીતના પોલીસ અધિકારીઓ દારૂનો ધંધો કરે છે. મેં દારૂ અંગે જનતા રેડ કરી હતી. તેનો અમારી સામે બદલો લેવાયો હતો.

ઇમરાન મેનુ શખ્સના પ્રકરણ અંગે પેટ છુટી વાત કરતા ઇન્દ્રનીલભાઇ કહે છેકે ભાજપે જ તેમને અપક્ષ ઉમેદવાર રાખ્યો હતો. તેમણે અમને ટેકો જાહેર કરતા હું એક ક્ષણ ભેટયો હતો. આ પુર્વે ઇમરાન ભાજપમાં હતો. વિજયભાઇ સાથે પણ તેમના ફોટા છે. સવાલ એ છે કે ત્યારે ઇમરાન શુધ્ધ હતો?

ભાજપે મારી વિરુધ્ધ ખોટો પ્રચાર કરીને જીત મેળવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, મુખ્યમંત્રીના પત્ની અને તેનો પુત્ર પણ મારી વિરુધ્ધ કિલપિંગ વાઇરલ કરતા હતાં.

ચૂંટણી સમયે ભાજપે લોભ-લાલચ-ભયનો માહોલ સજર્યો હતો, કાશ્મીરાબેન નથવાણીનું પ્રકરણ પણ આ કારણોસર બનેલું, તેમ જણાવીને  ઇન્દ્રનીલભાઇ કહે છે કે, ભાજપે કલ્પના બહારના કાવાદાવા કર્યા હતાં.

ઇન્દ્રનીલભાઇએ આગળ જણાવેલું કે, મારું નેગેટીવ બોલવા સિવાય વિજયભાઇ પાસે મુદ્ ન હતાં. મારી પરમીટ અંગે ખૂબ વાતો ફેલાવેલી. હું દંભી નથી, પરમીટ હોવાની વાત મેં જ જાહેર કરી હતી.

શ્રી રાજગુરુ કહે છે કે, અન્ય લોકો તો  ઠીક, ખુદ ભાજપના વિજયભાઇની નજીક ગણાતા નેતાઓ પણ મને ફોન કરીને સક્રિય રહેવા કહે છે. તેઓના અભિપ્રાય એવો છે કે હું સક્રિય રહીશ તો શહેરના હિતમાં રહેશે. ભાજપે લોકોના કામ કરવા ફરજ પડશે. લોકોના પણ ફોન આવે છે અને મારી સામે પ્રશ્નો રજૂ કરે છે.

મારે એ કહેવું છે કે, લોકોએ સ્વના હિતમાં જાગૃત થવું જરૂરી છે. જે સત્તાધીશ હોય તેના પ્રશ્નો ઉકેલવા ફરજ પાડતા શીખવું પડશે. લોકપ્રશ્ને હું મેદાનમાં આવું છું તો મને નેગેટીવ માણસ ગણવામાં આવે છે.

ભવિષ્યમાં શું વિચાયુંર્ છે ? આ પ્રશ્નના જવાબમાં ઇન્દ્રનીલભાઇએ કહયું હતું કે, હજુ કોઇ ફાઇનલ નિર્ણય નથી કર્યો. લોકશાહીમાં દેશભકિત અભિયાન અંગે વિચારી રહ્યો છું. આ માટે કોંગ્રેસની વર્તમાન ટીમ યોગ્ય લાગતી નથી, મોવડીઓની મંજૂરી લઇને નવી ટીમ ઉભી કરવા વિચાર ચાલે છે. રાહુલ ગાંધી ઓળખતા થયા છે, લાગે છે કે ેવાંધો નહીં આવે.

વોર્ડ નં.૪ માટે અમારો નિર્ણય ખોટો ન હતો

ભાજપી રાજમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે : 'લોકશાહીમાં દેશભકિત' અભિયાન શરૂ કરવા વિચારણા : કોંગ્રેસની વર્તમાન ટીમ યોગ્ય નથી

રાજકોટ : ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત પેટ છૂટી વાત કરતા કોંગ્રેસના ધુરંધર નેતા ઇન્દ્રનીલભાઇએ કહ્યું હતું કે, વર્તમાનમાં ભાજપના નેતા નીતિનભાઇ ભારદ્વાજ રાજકોટમાં સર્વેસર્વા છે. 

શ્રી ભારદ્વાજ કલેકટર સાથેની અગત્યની મીટીંગમાં મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહે છે. ભાજપના રાજમાં આવું હજુ ઘણું જોવા મળશે.

* વોર્ડ-૪માં તાજેતરમાં કોંગ્રેસના પરાજય અંગે ઇન્દ્રનીલભાઇ કહે છે કે, આ વોર્ડમાં પાટીદારોની બહુમતી છે બે પાટીદાર કોર્પોરેટરો હતા તેથી અમે અન્ય સમાજના નિષ્ઠાવાનને ટિકિટ આપેલી. આ નિર્ણય ખોટો ન હતો.

* શ્રી રાજગુરૂ લોકશાહીમાં દેશભકિત અભિયાન શરૂ કરવા વિચારી રહ્યા છે. તેઓ સ્પષ્ટ કહે છે કે, કોંગ્રેસની વર્તમાન ટીમ યોગ્ય નથી, મોવડીની મંજૂરીથી નવી ટીમ ઉભી કરવા વિચારીશ.

(4:18 pm IST)