Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દૂધ-ચીકીનાં નમૂના નાપાસઃ મરઘીનું શાક-બિરિયાની સહિત ૭ નોનવેજના નમૂના લેવાયા

બાલાજી ડેરી એન્ડ આઈસ્ક્રીમ અને મધુસુદન ડેરીના દૂધમાં અન્ય પ્રવાહીની ભેળસેળ ખુલીઃ 'હાશ' બ્રાન્ડ ચીકીમાં કોઈ તારીખ લખેલી નહીં હોવાથી નમૂનો ફેઈલ થયોઃ ઈન્ડીયા, બિસ્મિલ્લાહ, ભારમલ, એ-વન, હોટ એન્ડ મોર સહિતના નોનવેજ રેસ્ટોરન્ટમાંથી ચિકનની વાનગીઓના નમૂનાઓ લેવાયા

રાજકોટ, તા. ૨૨ :. મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખાએ શહેરમાં આવેલી દૂધની ડેરીઓમાંથી લીધેલા મીકસ દૂધનાં નમૂનાઓ નાપાસ થયાનો રીપોર્ટ આવ્યો છે. ઉપરાંત ફુડ ઈન્સ્પેકટરોની ટીમે શહેરમાં આવેલ નોનવેજ રેસ્ટોરન્ટોમાંથી મરઘી (ચીકન)માંથી બનતી વાનગીઓના નમૂનાઓ ૭ સ્થળોએથી લીધા હતા.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ કમિશ્નરશ્રીના આદેશાનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા જાહેર જન આરોગ્યના હિતાર્થે રાજકોટ શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન નોન વેજ.ના નમૂના પરીક્ષણ અર્થે લેવામાં આવેલ છે. જેમાં (૧) ચિકન મસાલા શાક (પ્રિપેર્ડ) લુઝ - ઈન્ડીયા રેસ્ટોરન્ટ, મક્કમ ચોક, ગોંડલ રોડમાંથી, (૨) ચિકન બિરીયાની શાક (પ્રિપેર્ડ) લુઝ - બિસ્મિલ્લાહ કેટરર્સ, સદર બજાર મેઈન રોડ, નૂતન પ્રેસ રોડમાંથી, (૩) ચિકન બિરીયાની શાક (પ્રિપેર્ડ) લુઝ - ભારમલ કેટરર્સ, સદર બજાર મેઈન રોડ, નૂતન પ્રેસ રોડમાંથી, (૪) ચિકન મસાલા (પ્રિપેર્ડ) લુઝ - એ-વન કેટરર્સ, સદર બજાર મેઈન રોડ, નૂતન પ્રેસ રોડમાંથી, (૫) ચિકન કડાઈ (પ્રિપેર્ડ) લુઝ - હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ, એમ.જી. વિદ્યાલય, જવાહર રોડમાંથી, (૬) ચિકન મસાલા બિરીયાની (લુઝ) - એ-વન તવા ફ્રાય, જુમ્મા મસ્જીદ મેઈન રોડ, મહેંદીવાળા પીરની સામે, રામનાથપરા ખાતેથી (૭) ચિકન મસાલા ફ્રાય (લુઝ) - સુભ્હાન અલ્લાહ નોન વેજ, જુમ્મા મસ્જીદ મેઈન રોડ, મહેંદીવાળા પીરની સામે, રામનાથપરા ખાતે વગેરે મુજબ નોનવેજ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ ગુજરાત સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે.

દૂધ-ચીકીના નમૂનાઓ નાપાસ

આ ઉપરાંત વિવિધ ડેરીઓમાંથી લેવાયેલ દૂધના નમૂનાઓ તથા પ્રસિદ્ધ 'હાશ' બ્રાન્ડ ચીકી સહિત ૩ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ આરોગ્ય વિભાગે થોડા મહિના અગાઉ લઈ સરકારની ફુડ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જે ૩ નમૂના નાપાસ થયાનું નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જણાવ્યુ હતું.

ડો. રાઠોડે જાહેર કર્યા મુજબ વાવડીના પુનિતનગર ૮૦ ફુટ રોડ, અવસર સોસાયટી ખાતે આવેલ બાલાજી ડેરી એન્ડ આઈસ્ક્રીમમાંથી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટ (લુઝ)ના નમૂના લેવાયા હતા. જેમા એસ.એન.એફ (ફેટ) અન્ય પ્રવાહીની ભેળસેળને કારણે નિયમથી ઓછુ જોવા મળતા આ નમૂનો નાપાસ કરાયો હતો.

તેવી જ રીતે પુનિતનગર ૮૦ ફુટ રોડ ઉપર જ બરસાત પેલેસ, ગોવિંદ રત્ન પાર્કમાં આવેલ મધુસુદન ડેરીમાંથી લેવાયેલ. મીકસ દૂધનાં નમૂનામા પણ એસ.એન.એફ. (ફેટ) અન્ય પ્રવાહીની ભેળસેળને કારણે નિયમ કરતા ઓછું હોવાનું ખુલતા દૂધનો આ નમૂનો પણ નાપાસ કરાયો હતો.

આ ઉપરાંત ભકિતનગર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ હાશ બ્રાન્ડ ચીકીમાંથી 'મગફળીની ચીકી'નાં નમૂનામાં કોઈ તારીખ લખેલી નહી હોવાથી ચીકીનો આ નમૂનો પણ નાપાસ કરાયો હતો.

ડો. રાઠોડના જણાવ્યા મુજબ ઉપરોકત જે વેપારી-ઉત્પાદકોના નમૂનાઓ નાપાસ થયા છે. તેઓની સામે 'ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ' હેઠળ કાનૂની પગલાઓ લેવાશે.

(3:51 pm IST)