Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કલેકટર કચેરી સહિત તમામ મહેસૂલી કચેરીમાં ફાઇલોના ઢગલા : આજે અરજદારો ઉકળી ઉઠયા : ઉગ્ર રજૂઆતો

બીનખેતી-અપીલ-મહેસૂલ સહિતની ૪૦૦થી વધુ ફાઇલો ૪ મહીનાથી આગળ ચાલી નથી : કરોડો-અબજોની જમીનોની ફાઇલો મહીનાઓથી પેન્ડીંગ હોય વકીલો-અરજદારોમાં જબરો દેકારો... : કાલે આર.ઓ. મીટીંગ : કલેકટર તમામનો ઉધડો લ્યે તેવી શકયતા : કાલે જીલ્લાના પાણી પ્રશ્ને પણ નિર્ણય જવાબદાર અધિકારીઓ કોઇ કામ કરતા નથીઃ પુરવઠામાં પણ આજ હાલત : રાશનકાર્ડમાં પારાવાર ધક્કાઃ કોઇના કેસો ચાલતા જ નથી : યુએલસીમાં પણ ૪૦૦ કેસોઃ ડે. કલેકટરોના કારણે પેન્ડીંગ : કાયમી કરવાના કેસો ચલાવાતા નથીઃ હાયકારો

રાજકોટ, તા. રર : રાજકોટ શહેર-જીલ્લાની નવી કલેકટર કચેરી કે જયાં કલેકટર-એડી. કલેકટર તથા પુરવઠા તંત્ર અને અન્ય મહત્વની બ્રાંચો બેસે છે, તો જૂની કલેકટર કચેરી કે જેમાં ડે. કલેકટરો, મામલતદારોનો પડાવ છે. આ તમામ મહેસૂલ કચેરીઓ શોભાના ગાંઠીયા સમાન બની ગઇ હોય તેવો તાલ સર્જાયો છે અને આજે તો ઉકળી ઉઠેલા ૩ થી ૪ અરદારોએ નવી કલેકટર કચેરીમાં પહેલા માળે કલેકટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા બાદ રજૂઆતોનો ધોધ વરસાવ્યો હતો, ઉકળાટ ઠાલવ્યો હતો, રજૂઆતમાં આવા કાંઇ જવાબદાર અધિકારીઓએ દેવાય તેવું જાહેરમાં બોલતા સન્નાટો પ્રસરી ગયો હતો.

આ લોકોની કરોડો-અબજોની જમીનોની ફાઇલો નવી કલેકટર કચેરીમાં મહીનાઓથી પેન્ડીંગ પડી છે, કોઇ નિર્ણય લેવાતો નથી-પોઝીટીવ કે નેગેટીવ અને તેના પરિણામે આજે ૩ થી ૪ અરજદારો કલેકટરને રજૂઆતો માટે દોડી ગયા હતા. ચર્ચાની વિગતો મુજબ તડાફફડી બોલાવી હતી. કલેકટરે તમામને સાંભળી યોગ્ય કરવાની-કામ થઇ જવાની ખાત્રી આપી હતી.

આજે જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ ફાઇલોના ઢગલા પ્રશ્ને કામો થતા ન હોવા અંગે રજૂઆતો થયાનું સુત્રોએ ઉમેર્યું હતું.

અત્રે એ નોંધનીય છે કે બીનખેતી -અપીલ-જમીન મહેસૂલ-મહસૂલ વિગેરે પ્રકારના કેસોની અંદાજે ૩૦૦ થી ૪૦૦ કે તેથી વધુ ફાઇલોના ઢગલા થઇ ગયા છે, કોઇ કેસ ચાલતા જ નથી, વકીલો-અરજદારોને રોજે રોજ પારાવાર ધક્કા થાય છે જબરો દેકારો બોલી ગયો છે. બીનખેતીમાં ૪ર૦૦થી વધુ ફાઇલો પેન્ડીંગ હોવાની ભારે ચર્ચા છે.

આવુ જ જૂની કલેકટર કચેરી ખાતે ડે. કલેકટરો-મામલદારોની કચેરીમાં છે, કોઇ ફાઇલો આગળ ચાલતી જ નથી. અહીં રજૂઆતો કરાય તો એવા જવાબો મળે છે કે, નવી કલેકટર કચેરીએ જવાબદારોને વાત કરો-હીંથી બધુ કલીયર છે, ટુંકમાં ખો દેવા સિવાય એક પણ અધિકારી કશું કરતા નથી, પુરવઠામાં પણ આજ હાલત છે, લોકોને રાશનકાર્ડમાં પારાવાર ધક્કા થાય છે, કોઇના કેસો ચાલતા નથી, જવાબદાર અધિકારીઓ કામ કરતા નથી, લોકોમાં પ્રચંડ રોષ છે.

એટલુ જ નહીં યુએલસી રેગ્યુલાઇઝમાં મામલતદારોએ રીજેકટ કરેલા ૪૦૦ કેસો પેન્ડીંગ પડયા છે, એક પણ ડે. કલેકટર આવા કેસો ચલાવતા નથી, લોકોમાં નિસાસા-હાસકારો નીકળી રહ્યા છે. હાઇવેવલ અધિકારીઓ ડે. કલેકટરોનો વાંક કાઢી રહ્યા છે.

દરમિયાન, આવતીકાલે કલેકટરના અધ્યક્ષપદે આર.ઓ. મીટીંગ મળી રહી છે. ફાઇલોના ઢગલા વધી ગયેલા તુમાર અંગે કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા મામલતદારો-ડે. કલેકટરોનો ઉધડો લેવાય તેવી પૂરી શકયતા છે. કાલની મીટીંગમાં રાજકોટ શહેર-જીલ્લાનો પાણી પ્રશ્ને પણ મહત્વના નિર્ણય લેવાવાની શકયતા છે.

(3:50 pm IST)