Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વોર્ડ નં. ૧૮ માં ર૯ કરોડની પાણીની યોજના કયારે પુરી થશેઃ કોંગ્રેસ

પાઇપ લાઇન યોજનાનું કામ ગોકળ ગાયની ગતિએઃ પાણીનાં ધાંધિયાથી લોકો ત્રાહીમામઃ મયુરસિંહ જાડેજા દ્વારા આવેદન

રાજકોટ તા. રર : શહેરનાં વોર્ડ નં. ૧૮ માં પાણીનાં ધાંધીયા નિવારવા અંગે આ વિસ્તારનાં કોંગી આગેવાન મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં મહીલાઓનાં ટોળાએ ડે. કમિશ્નરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ આવેદનમાં જણાવેલ કે વોર્ડ નં. ૧૮ માં મુખ્યમંત્રીએ થોડા સમય પહેલાં ર૯ કરોડની યોજનાનું ખાતમુહુર્ત કર્યુ હતું. જેનુ કામ ગોકળ ગાયની ગતિએ ચાલે છે. અને કોઠારીયામાં હાલ નર્મદાનું પાણી વિતરણ ગ્રામ્ય કક્ષાએથી થતાં કોઠારીયા જૂથ યોજનામાં નર્મદાનું નીર ઝાંઝવાના જળ સમાન થતાં ૧૩ કલાકમાંથી ૮ કલાક પાણી મળતાં ઉનાળાના પ્રારંભે પાણીના ધાંધીયા  શરૃ થયા છે. આથી મુખ્યમંત્રી એ જાહેર કર્યા મુજબ રાજકોટને દરરોજ  નિયમિત પાણી કાપ વગર પાણી અપાશે તે વાત હવામાં હોવાનું પુરવાર થયુ છે. મુખ્યમંત્રીના રાજકોટમાં પુરતું પાણી આપવામાં પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. કેમ કે સીટી ઇજનેર ગોહેલે જણાવ્યું કે ડી. આઇ. લાઇનોનું કામ હજુ બે-ત્રણ વર્ષ ચાલશે ત્યાં સુધી મુશ્કેલીઓ પડશે.

આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ મહામંત્રી મયુરસિંહ જાડેજા કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, નિમુબેન, ઉષાબેન, મહેન્દ્રસિંહ ગોહીલ,  હેમેન્દ્રસિંહ ઝાલા, દિપક ધવા, વિનુભાઇ ચૌહાણ, કાનાભાઇ ભરવાડ, નરેશ ગઢવી, સહિતના આગેવાનો જોડાયા હતાં. (પ-૪ર)

(3:49 pm IST)