Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

છીં..છીં.. બની જશે સોનુ

રાજકોટની ગટરના શુદ્ધ કરાયેલ પાણીથી આણંદપરના ખેતરોમાં હરિયાળી લહેરાશે

ગવરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ થયેલ ૫૦ લાખ લીટર પાણી ખેડૂતોને વેચાશેઃ હવે સિંચાઈમાંથી નર્મદા નીર બચશેઃ આગામી દિવસોમાં યુનિવર્સિટી, જંગલખાતુ, ક્રિકેટ એસો. અને પિયત મંડળીઓ પણ આ પાણી વાપરશેઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની જાહેરાત

રાજકોટ, તા. ૨૧ :. આજ દિવસ સુધી શહેરની ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરીને છોડી દેવાતુ હતુ. તેનો કોઈ ખાસ ઉપયોગ થતો ન હતો પરંતુ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ કરોડો રૂપિયાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ થતુ પાણી બાગ-બગીચા, ખેતરોમાં સિંચાઈ માટે અને ઉદ્યોગોમાં વપરાશ માટે ઉપયોગ થાય તે માટે ખાસ નીતિ ઘડી કાઢી અને ભુગર્ભ ગટરનું શુદ્ધ કરાયેલુ પાણી નજીવા દરે ખેડૂતો, ઉદ્યોગકારો અને અન્ય જે કોઈ ખાનગી સંસ્થાઓને વેચવાનો નિર્ણય કર્યો જે અનુસંધાને ગવરીદળના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુધ્ધ થયેલ પાણીને આણંદપર ગામના ખેડૂતોને વેચાતુ આપવાનો પ્રારંભ થયો છે.

આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી શુધ્ધ કરાઈ રહ્યુ છે. આ શુધ્ધ થયેલ પાણી ખેતર, બાગ-બગીચાની સિંચાઈ માટે અત્યંત લાભદાયી હોય છે કેમ કે તેમા કુદરતી ખાતરનો લીકવીડ સ્વરૂપે ભાગ હોય છે. આમ ખેતી માટે આ પાણી અત્યંત ફળદ્રુપ હોય છે.

તેવી જ રીતે આ પાણી ઉદ્યોગોમાં પણ વાપરી શકાય આથી તાજેતરમાં ઉદ્યોગકારો-ખેડૂતો સાથે બેઠક યોજી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણીનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયેલ.

દરમિયાન આજથી શહેરની ભાગોળે મોરબી રોડ બાયપાસ પાસે આવેલ આણંદપરના ખેડૂતોને ગવરીદળ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ ૫૦ લાખ લીટર પાણી ૧ હેકટર દીઠ રૂા. ૬૨૧૧નોે ચાર્જ લઈને આપવાનો પ્રારંભ થયો છે અને આ પાણીથી આણંદપરના ખેતરોમાં અંદાજે ૩૦૦ એકર જમીનમાં હરિયાળો-ફળદ્રુપ પાક લહેરાશે. એટલું જ નહીં સાથોસાથ કિંમતી નર્મદાનીરનો હવે સિંચાઈમાં ઉપયોગ ઘટશે અને શુદ્ધ નર્મદા જળનો પીવામાં ઉપયોગ થઈ શકશે. આમ રાજકોટ કોર્પોરેશન માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આગામી દિવસોમાં ૧૪૪ એમએલડી પાણી વેચાશે

મ્યુ. કમિશ્નર શ્રી પાનીએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે હજુ આગામી દિવસોમાં વધુ ૧૪૪ એમ.એલ.ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી જંગલ ખાતુ, ક્રિકેટ એસો., ખેડૂત મંડળો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વેચવાનું આયોજન છે.

જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રોજનું ૨ લાખ લીટર, મંજુકા નર્સરી માટે જંગલ ખાતાને રોજનું ૭૫ હજાર લીટર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ માટે રોજનું ૧ લાખ લીટર પાણી રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાશે. જ્યારે માધાપર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જય દ્વારકાધીશ પિયત સહકારી મંડળીને રોણકી વિસ્તારમાં ૧૫-૨૮ હેકટર ખેતી માટે ૪૪ એમ.એલ.ડી. પાણી અપાશે.

હાલમાં રેસકોર્ષ-૨ વિસ્તારમાં વૃક્ષોનો ઉછેર

મ્યુ. કમિશ્નરશ્રીએ અંતમાં જણાવ્યું હતુ કે, હાલમાં રૈયાધાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થયેલ પાણીથી રેસકોર્ષ (૨)માં રોજીંદા ૧૫૦૦૦ લીટર પાણીથી વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે. તેમજ માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ઈશ્વરીયા મહાદેવ પિયત સહકારી મંડળી લિ.ને ૧૭ થી ૬૪ હેકટર જમીનમાં ખેતી માટે ૪૪ એમ.એલ.ડી. પાણી અપાઈ રહ્યું છે.

(3:06 pm IST)