Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મારૂ રાજપૂત જ્ઞાતિ મંડળ દ્વારા સ્નેહમિલન સંપન્ન : રકતદાન કેમ્પ યોજાયો : વ્યસનમુકિત અને કન્યા કેળવણીનો સંકલ્પ

મુખ્ય મહેમાન બારોટ લાલજીભાઈ દ્વારા રાજપૂતોનો ઈતિહાસ રજૂ કરાયો

રાજકોટ : અત્રેના શ્રી મારૂ રાજપૂત જ્ઞાતિ મંડળ દ્વારા તાજેતરમાં ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે અવંતીબાઈ લોધી હોલમાં નૂતનવર્ષનું સ્નેહમિલન યોજાયુ હતું. આ પ્રસંગે જ્ઞાતિના ભાઈઓ અને બહેનો સહપરિવાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સૌએ જ્ઞાતિનું સંગઠન મજબૂત બનાવવા તથા વ્યસનમુકિત તથા કન્યા કેળવણી સંકલ્પ લીધો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત લાલજીભાઈ બારોટ દ્વારા લોક સાહિત્યની શૈલીમાં વીરરસ સાથે મારૂ રાજપૂતનો ઈતિહાસ રજૂ કરી અને સૌ જ્ઞાતિજનોને વ્યસનમુકિત તથા શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ ધપવા અપીલ કરી હતી. આ તકે રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં જ્ઞાતિના યુવક - યુવતીઓએ રકતદાન કર્યુ હતું. આ માટે સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો. આ સ્નેહમિલનને સફળ બનાવવા બદલ આ પ્રસંગે ઉપસ્થિત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ જ્ઞાતિના સહુએ ભાઈઓ બહેનો પ્રત્યે જ્ઞાતિના મંડળે આભારની લાગણી વ્યકત કરી હતી. તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ રકતદાન કેમ્પની પ્રવૃતિ અને ઉપસ્થિત જ્ઞાતિજનો દર્શાય છે.

(2:51 pm IST)