Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

રાજકોટની ૪ બેઠકો પૈકી બેમાં જ્ઞાતિવાદનો ભરડો

માત્ર રાજકોટ-૬૯માં જ જ્ઞાતિવાદનાં આધારે ઉમેદવારો પસંદગી નથી થઇઃ અન્ય ત્રણ બેઠકોમાં પટેલ : મતદારો રિઝવવા પટેલ ઉમેદવારો મુકાયાઃ રાજકોટ ગ્રામ્ય અનામત હોઇ દલીત ઉમેદવારો મુકવા ફરજીયાતઃ અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડો. દિનેશ ચોવટીયા, ગોવિંદભાઇ પટેલ, મિતુલ દોંગાએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી

 

રાજકોટ તા. ૨૧ : આજે ભાજપ - કોંગ્રેસના રાજકોટની ચારેય બેઠકોનાં કુલ ૮ ઉમેદવારોએ નામાંકનપત્રો ભરી દેતા હવે રાજકોટ વિધાનસભા ચુંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થયું છે અને બંને પક્ષોના જે ઉમેદવારો પસંદ થયા છે તેમાં ૪ બેઠકો પૈકી બે બેઠકો ઉપર જ્ઞાતિવાદનો ભરડો હોવાનું સ્પષ્ટ થયું છે.

આ અંગે રાજકીય સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ વિધાનસભાની બેઠક નં. ૬૮ અને ૭૦માં બંને પક્ષોએ પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે તે બાબત જ સ્વયં સ્પષ્ટ છે કે, આ બંને બેઠકોમાં પટેલ જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ અંકબંધ રહ્યું છે. એટલું જ નહી ભાજપે એક જ જ્ઞાતિના બે-બે ઉમેદવાર મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. સામાપક્ષે કોંગ્રેસે પણ બંને બેઠકોમાં પટેલ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

આમ, આ બંને બેઠકો ઉપર પાટીદાર ઇફેકટ જરૂર પડી છે. પટેલ જ્ઞાતિના મતદારોનાં રીતસરનાં બે ભાગલા પડી જશે.

જ્યારે એકમાત્ર બેઠક નં. ૬૯નાં ભાજપ - કોંગ્રેસના ઉમેદવારો જ્ઞાતિવાદનાં આધારે પસંદ નથી થયા કેમકે આ બેઠકમાં પટેલ, બ્રાહ્મણ અને લોહાણા જ્ઞાતિના મતદારોનુ઼ પ્રભુત્વ છે પરંતુ કોંગ્રેસના ઉમેદવાર રાજગોર બ્રાહ્મણ છે અને ભાજપના ઉમેદવાર જૈન છે. જ્યારે બેઠક નં. ૭૧ ગ્રામ્ય અનામત છે તેથી ત્યાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ ફરજીયાત દલીત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

રાજકોટ ૬૯ (પશ્ચિમ)

વિજય રૂપાણી V/S  ઇન્દ્રનિલ રાજયગુરૂ

વિજયભાઇ પાસે  કાર્યકર થી માંડી મુખ્યમંત્રી સુધીની  રાજકિય સફરનો  બહોળો અનુભવ : ઇન્દ્રનિલભાઇ પાસે આત્મવિશ્વાસ અને સ્થાનિક લોકપ્રિયતા

રાજકોટ ૭૦ (દક્ષિણ)

ગોવિંદભાઇ પટેલ V/S ડો.દિનેશ ચોવટીયા

ગોવિંદભાઇ રાજકિય અનુભવ, બિન વિવાદિઃ ડો.દિનેશ ચોવટીયા યુવા નેતા અને શૈક્ષણિક ક્ષેત્રનો બહોળો અનુભવ

રાજકોટ ૬૮  (પૂર્વ)

અરવિંદ રૈયાણી V/S મીતુલદોંગા

અરવિંદભાઇ રૈયાણી વોર્ડ નં.૫નાં કોર્પોરેટર અને મ્યુનિ. કોર્પોરેશનનાં શાસકપક્ષના નેતા છે. સ્થાનિકોમાં લોકપ્રિયઃ મિતુલ દોંગા ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ-૭૦ માંથી તેઓ હાર્યા હતા. છેલ્લા ઘણા સમયથી સામાકાંઠા વિસ્તારમાં લોક  પ્રશ્ને સક્રિય 

રાજકોટ ૭૧ (ગ્રામ્ય)

લાખાભાઇ સાગઠીયા V/S  વશરામભાઇ સાગઠીયા

લાખાભાઇ સાગઠિયા ૨૦૧૨માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડયા અને હાર્યા હતા, પાટીદાર ઇફેકટ વચ્ચે પણ એકલા હાથે ભાજપને તાલુકા પંચાયત અપાવેલઃ વશરામભાઇ સાગઠિયા પાસે કાર્યકરોની શકિત, લડાયક સ્વભાવ તેનું જમા પાસુ

 

(3:14 pm IST)