Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખપદે જયદેવ શાહ : સેક્રેટરીપદે હિમાંશુ શાહ : અભિનંદનવર્ષા

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં નવા સભ્યો ચૂંટાયા : એસ.સી.એ.માં કુલ ૪૯૦ સભ્યોઃ ઉપપ્રમુખ દિપક લાખાણી, ખજાનચીપદે શ્યામ રાયચુરા સહિતના હોદ્દેદારો ચૂંટાયા

રાજકોટ, તા. ૨૧ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના નવા સભ્યો ચૂંટાયા છે. જેમાં પ્રમુખ તરીકે નિરંજનભાઈ શાહના પુત્ર જયદેવ શાહ, ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ  સહિતના હોદ્દેદારોની વરણી થઈ છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ઈલેકટ્રોલ ઓફીસર શ્રી વરેશ સિન્હાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેની સામે કોઈપણ ઉમેદવાર ઉભુ રહેલ ન હોય ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ૨૬મીએ ચૂંટણી યોજાવાની હતી પરંતુ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા તેની સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોય આ તમામને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખપદે પૂર્વ ક્રિકેટર જયદેવ શાહ, ઉપપ્રમુખ દિપક લાખાણી, સેક્રેટરી હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ અને ખજાનચી તરીકે શ્યામ રાયચુરા તેમજ કાઉન્સીલના સભ્યો તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચન્ના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહ ચૂંટાઈ આવ્યા છે. (૩૭.૧૪)

એસ.સી.એ.માં મિડીયા મેનેજર તરીકે સેવા આપતા હિમાંશુ શાહની સેક્રેટરી પદે વરણી થતા અભિનંદન વર્ષા

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં સેક્રેટરી તરીકે હિમાંશુ શાહની નિયુકિત થઈ છે : જૈન યુવા અગ્રણી એવા હિમાંશુભાઈ છેલ્લા ઘણા સમયથી એસ.સી.એ.ના મિડીયા મેનેજર તરીકે પણ સેવા આપી રહ્યા છે : તેઓના માર્ગદર્શન હેઠળ રાજકોટના ખંઢેરીના મેદાનમાં અનેક આંતરરાષ્ટ્રીય મેચો રમાયા છે : તેઓની સેક્રેટરી તરીકે વરણી થતાં તેઓને મો.૯૯૨૫૦ ૨૮૫૫૨ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે

(3:37 pm IST)