Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આજથી ૨ દિવસ માટે મારવાડી ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવ- ૨૦૧૯નો પ્રારંભઃ દિગ્ગજો દ્વારા માર્ગદર્શન

રોકાણકારોને શ્રેષ્ઠ માર્ગદર્શન દ્વારા સમૃદ્ધ બનાવવાઃ રાજકોટને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા પ્રયાસઃ દર વર્ષે યોજાશે કોન્કલેવઃ ડિરેકટર જીત મારવાડી

આજે મારવાડી યુનિવર્સિટી ખાતે કોન્કલેવ અંગે પત્રકારોને માહિતી આપતા ડીરેકટર જીત મારવાડી સહિતના અગ્રણીઓ તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. આજથી બે દિવસ માટે મારવાડી યુનિ. ખાતે ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવ ૨૦૧૯નો શુભારંભ થયો છે. જેમાં દેશના ટોચના ઈન્વેસ્ટમેન્ટ અંગેના નિષ્ણાતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે તેમ ડિરેકટર જીત મારવાડીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.

ડિરેકટર શ્રી જીત મારવાડીએ કોન્કલેવ અંગે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં કહ્યું કે, આજથી જેનો મંગલ પ્રારંભ થયો છે એ 'મારવાડી ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવ-૨૦૧૯' મારવાડી યુનિવર્સિટી અને મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમીટેડનું સંયુકત સાહસ છે. જેમાં ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટની દુનિયાના સરતાજ શ્રી પ્રકાશ દિવાન (ડાયરેકટર, અલ્ટામાઉન્ટ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ), અતુલ ભોલે (વાઈસ પ્રેસિડેન્ટ તથા ફંડ મેનેજર ડીએસપી બ્લેકરોક ઈન્વેસ્ટ મેનેજર્સ પ્રા.લિ.), મીતેશ લાઠિયા (ફંડ મેનેજર એચડીએફસી એએમસી લી.), આશિષ અગ્રવાલ (સિનીયર રીસર્ચ એનાલિસ્ટ, પ્રિન્સીપાલ એસેટ મ્યુચ્યુઅલ ફંડ), મહેન્દ્ર જાજુ (ફંડ મેનેજર, મીરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડ), બેકર્સી કુરિઆકોક (ફંડ મેનેજર પ્રિન્સીપલ મ્યુચ્યુઅલ ફંડ), યોગેશ ભટ્ટ (સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ ઈન્વેસ્ટમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ એએમસી લિ.), અંકિત પરમાર (ઈટીએફ રિલાયન્સ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.), નીતિન આનંદ (પ્રોડકટ મેનેજર, સ્માર્ટ ઓનર), સુધાંશુ આસ્થાના (સીઈઓ અને સીઆઈઓ, સહસ્થાપક તમોહાર ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ) જેવા દિગ્ગજો પોતાના વિચારો પ્રસ્તુત કરશે.

આવા જ્ઞાનસભર મહાનુભાવો એક પ્લેટફોર્મ પરથી પોતાના બહુમૂલ્ય વિચારોનું આદાનપ્રદાન અને રોકાણકારો એમાંથી શ્રેષ્ઠ માર્ગદર્શન મેળવીને વ્યકિતગત આર્થિક આયોજનના અનુભવ બાબતે ખૂબ જ સમૃદ્ધ બને એ જ મારવાડી ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવનો શુભ હેતુ છે.

વ્યકિતગત રોકાણકારો માટે કયો માર્ગ અપનાવવો એ સ્પષ્ટ તથા સ્થિરતાપૂર્વક રોકાણ ચાલુ રાખવું, આદર્શ રીતે એસપીઆઈ દ્વારા તેમજ ઈકવીટી મ્યુચ્યુઅલ ફંડોમાં, નાના એસએપીમાં સારા, મધ્યમ અને ખરાબ સમયમાં પણ રોકાણ એ એક એવો રસ્તો છે જે અભણને આર્થિક લક્ષ્યોના શિખરો સર કરાવી શકે છે.

આ તબક્કે વ્યકિતએ ભરતી-ઓટ સામે મક્કમ રહેવું, પરિવર્તનને પ્રેમથી સ્વીકારવું, નવા માર્ગો શોધવા, વિશાળ ક્ષિતિજો શોધવી અને વિકાસ સાધવો. આ અવસરે ભાજપનું બંધારણ યાદ કરીએઃ 'ભારત માટે રાજકીય અને પરિણામે આર્થિક દ્રષ્ટિએ પણ ઐતિહાસિક વળાંક... ભારતની વસ્તીના ૭૦ ટકા યુવાઓ હોવા સાથે ચૂંટણી પરિણામો દર્શાવે છે યુવા ભારતને વધુ મજબુત ભારત અને પ્રતિનિધિત્વ કરનાર વધુ મજબુત વ્યકિતત્વની ઝંખના છે...'

સને ૧૯૯૨માં સ્થપાયેલા મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિમીટેડનું ધ્યેય પોતાના ગ્રાહકોને રોકાણની ઉત્તમ તકો પુરી પાડવાનું રહ્યું છે. કંપનીએ સને ૨૦૧૭માં ૨૫ વર્ષ પૂર્ણ કર્યા. એટલે કે કંપની હવે યુવાવસ્થામાં છે ત્યારે ગ્રાહકને સતત અને સમયસર માર્ગદર્શન મળી રહે તેવી સેવા આપવી એ જ પ્રાથમિકતા રહી છે, એટલે જ મારવાડી શેર્સ ભારતના અગ્રગણ્ય બ્રોકિંગ હાઉસ માંહેનું એક ગણાય છે !

ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર શ્રી કેતન મારવાડી, ડિરેકટર્સ શ્રી દેવેન મારવાડી અને સંદીપ મારવાડીના મેનેજમેન્ટમાં કંપની પ્રતિદિન રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત કરી રહી છે, કારણ કે રોકાણકારોને મળે છે અત્યંત સરળ અને સુગમ ખરીદ વેચાણનો અનુભવ, તજજ્ઞો દ્વારા રોકાણની સલાહ તથા ગ્રાહકલક્ષી સેવા. સને ૧૯૯૨થી ૨૦૧૭ના સમયગાળામાં કંપનીએ અનેક માઈલસ્ટોન મેળવ્યા જેમાં એનએસઈ, એસકેએસઈનું સભ્યપદ, એનએસઈ સાથે ડેરિવેટીવ સેગમેન્ટમાં કાર્ય કરવું એનસીડીઈએકસ અને એમસીએકસની કોર્પોરેટ મેમ્બરશીપ, એનએસડીએલ અને સીડીએસએલ સાથે ડીમેટ સેવા, ઓનલાઈન ટ્રેડિંગ સુવિધા, પ્રાઈવેટ લિમીટેડમાંથી કંપની થઈ, ભારતના તમામ બ્રોકિંગ હાઉસમાં પાંચમો ક્રમ મળવો. ન્યુ પેન્શન સ્કીમના પીઓપી તરીકે પ્રસ્થાપિત થવું, મર્ચન્ટ બેન્કિંગનું લાયસન્સ મેળવવું તથા મારવાડી કોમોડિટી બ્રોકર પ્રા.લિ. એ આઈસીઈએકસ ડાયમંડ ડેરિવેટીવ સેગમેન્ટની મેમ્બરશિપ મેળવવી વગેરે સમાવિષ્ટ છે.

રોકાણકારોને આ ક્ષેત્રના સુપર હીરો ગણાતા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન મળે અને તેમની ઉન્નતિ થાય એવા શુભાશયથી આરંભાયેલી મારવાડી ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવનો મંગલ પ્રારંભ કરાવતા મારવાડી યુનિવર્સિટીના વાઈસ ચેરમેન જીતેન્દ્ર ચંદારાણાએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં કહ્યું કે, રાજકોટની ભાગોળે શિક્ષણ હબ એવા મોરબી રોડ પર ગૌરીદડ ગામ પાસે શોભતી મારવાડી યુનિવર્સિટી સને ૨૦૦૮માં સ્થપાયેલા મારવાડી એજ્યુકેશન ફાઉન્ડેશનની દેન છે. ફાઉન્ડેશનને સર્વપ્રથમ મારવાડી કોલેજની સ્થાપના કરી જેને સને ૨૦૧૬માં 'યુનિવર્સિટી'નું બહુમૂલ્ય બિરૂદ મળ્યું ! પોતાની અંદર રહેલી શ્રેષ્ઠતાને બહાર લાવી સ્વ અને સમાજના હિતમાં કાર્ય કરે એવી વ્યકિતઓનંુ ઘડતર કરવાની નેમ મારવાડી યુનિવર્સિટી ધરાવે છે અને એમ ૨૧મી સદીના પડકારોનો સામનો કરવા જ નહીં પણ એ પડકારો પર વિજયશ્રી પ્રાપ્ત કરનારૂ યુવાધન તૈયાર કરવું એવું મારવાડી યુનિવર્સિટીનું વિઝન છે.

મારવાડી ઈન્વેસ્ટમેન્ટ કોન્કલેવ-૨૦૧૯ની પ્રેસ કોન્ફરન્સના કાર્યક્રમને સફળ બનાવવા માટે મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સના માર્કેટીંગ હેડ તુષાર વ્યાસ તથા કેવલ શાહ (શ્રી અરિહંત એડ.) એ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:26 pm IST)