Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સોમરાજસિંહ ઓફ સાયલાની વિરૂદ્ધમાં ૭૫ કરોડનો કોર્ટમાં બદનક્ષીનો દાવો

કોલેજની માનમર્યાદા-મોભાને હાની પહોંચે તેવા આક્ષેપો કરતા જુદા જુદા ત્રણ દાવા સંબંધે નોટીસ અપાઈ

રાજકોટ તા.૨૧: રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી,પ્રિન્સીપાલ તથા બર્સરની માન,મર્યાદા,મોભો,પ્રતિષ્ઠાને હાની પહોંચાડતા આક્ષેપો સોમરાજસિંહ ઓફ સાયલા દ્વારા કરવામાં આવતા તેમના વિરૂધ્ધ રૂપિયા પંચોતેર કરોડનો કોર્ટમાં બદનક્ષીનો દાવો કરવામાં આવતા અદાલતે નોટીસ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, કાઠિયાવાડના રજવાડાઓ દ્વારા રાજકુમાર કોલેજની સ્થાપના ૧૪૮ વર્ષ પહેલાં કરવામાં આવેલ જેમાં જુદા-જુદા રજવાડાઓ ફાઉન્ડીગ મેમ્બર્સ હતાં જેમાં સેલ્યુટ સ્ટેટના ૪ મેમ્બર્સ તથા નોનસેલ્યુટ સ્ટેટના ૩ મેમ્બર્સ  એમ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના બંધારણ મુજબ કુલ ૭ ટ્રસ્ટીઓની નિમણુંક કરવામાં આવતી હતી અને રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રિન્સીપાલને સેક્રેટરી તરીકેનો દરજજો બંધારણમાં આપવામાં આવેલ છે.

તાજેતરમાં રાજકુમાર કોલેજ ટ્રસ્ટીની ચુંટણી સંબંધેની તકરાર પેન્ડીંગ હોય તથા તે સંબંધે રાજકોટના મહે.જોઇન્ટ ચેરીટી કમિશ્નર સમક્ષ બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની કલમ-૪૧(અ) અન્વયેની અરજી સોમરાજસિંહ ઓફ સાયલા વિગેરે...૩ વ્યકિતઓ દ્વારા કરાતા તેમાં જે આદેશ થયેલ તે આદેશ અન્વયેની તકરાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પેન્ડીંગ હોવા છતાં અને તે હકીકત જાણતા હોવા છતાં સોમરાજસિંહ ઓફ સાયલાએ રાજકુમાર કોલેજની માન, મર્યાદા, મોભો, પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવા પ્રકારના આક્ષેપો રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી, પ્રિન્સીપાલશ્રી તથા બર્સર ઉપર નોટીસ ફરમાવીને કરેલ જે નોટીસનો વિગતવાર પ્રત્યુતર તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી, પ્રિન્સીપાલશ્રી તથા બર્સરે પાઠવેલ અને સોમરાજસિંહ ઓફ સાયલાને તાકીદ કરેલ કે તેઓએ જે આક્ષેપ કરી ચુંટણી સંબંધેનો પોતાનો અંતિમ ઇરાદો બરલાવવાના આશયથી ખોટા આક્ષેપો કરતી નોટીસ પાઠવેલ છે તે નોટીસ પરત ખેચવા જણાવેલ, પરંતુ સોમરાજસિંહ ઓફ સાયલાને નોટીસનો પ્રત્યુતર મળેલ હોવા છતાં તેમને પોતાની નોટીસ પરત ખેંચેલ નહી જેથી રાજકુમાર કોલેજના પ્રમુખશ્રી, પ્રિન્સીપાલશ્રી તથા બર્સરશ્રીએ સોમરાજસિંહ ઓફ સાયલા વિરૂધ્ધ પચ્ચીસ-પચ્ચીસ કરોડના ત્રણ દાવાઓ દાખલ કરેલ છે જેમાં અદાલત દ્વારા સોમરાજસિંહ ઓફ સાયલાને નોટીસ કરવાનો આદેશ ફરમાવેલ છે.

રાજકુમાર કોલેજના પ્રમુખશ્રી, પ્રિન્સીપાલશ્રી તથા બર્સર શ્રી દ્વારા સોમરાજસિંહ ઓફ સાયલા વિરૂદ્ધ જે બદનક્ષીના દાવાઓ કરવામાં આવેલ તે દાવામાં તમામ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ છે અને રાજકુમાર કોલેજ ટ્રસ્ટનો વહીવટ જે થાય છે તે બંધારણની જોગવાઈ મુજબ થાય છે તથા રાજકુમાર કોલેજના બિલ્ડીંગ, ગ્રાઉન્ડ તેમજ વહીવટ સંબંધે જે આક્ષેત સોમરાજસિંહ ઓફ સાયલાએ કરેલ તેનો વિગતવાર પ્રત્યુત્તર દસ્તાવેજી પુરાવા સાથે રજુ કરેલ અને દાવામાં એવી હકીકત જણાવેલ છે કે જે કાંઈ કાર્યવાહી કરવામાં આવેલ છે તે તમામ ટ્રસ્ટીઓની બહુમતીથી, ઠરાવ કરીને, ટેન્ડરો મંગાવીને તેમજ નિયમીત ઓડીટ કરાવવામાં આવેલ છે જે આક્ષેપો કરવામાં આવેલ છે તે પાયાવિહીન તથા દસ્તાવેજી પુરાવા વિહીન કરવામાં આવેલ છે. વિશેષમાં સોમરાજસિંહ ઓફ સાયલા દ્વારા જે આક્ષેપો કરવામાં આવેલ છે તેવા કોઈ આક્ષેપો રાજકોટના મહે. જોઈન્ટ ચેરીટી કમિશ્નર સાહેબ સમક્ષ કરવામાં આવેલ અરજી નં. ૪૧/૧૫/૨૦૧૮ના કામમાં કરવામાં આવેલ નથી અને જે અંગેની નોંધ ગુજરાત હાઈકોર્ટે તથા ચેરીટી કમિશ્નરે પણ લીધેલ છે કે વિવાદ માત્ર ચૂંટણી સંબંધેનો છે. ટ્રસ્ટના વહીવટ સંબંધેનો કોઈ વિવાદ નથી કે આક્ષેપ નથી. આમ છતા ખોટા આક્ષેપવાળી નોટીસ સોમરાજસિંહ ઓફ સાયલાએ આપતા ફરીથી ખોટો વિવાદ તેઓએ ઉપસ્થિત કરતા તેઓની વિરૂદ્ધ પંચોતેર કરોડના બદનક્ષીનો દાવો થયેલ છે.

આ દાવામાં અદાલત દ્વારા રેકર્ડ પરના તમામ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ સોમરાજસિંહ ઓફ સાયલા વિરૂદ્ધ નોટીસનો આદેશ ફરમાવેલ છે. આ કામે રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પ્રમુખશ્રી, પ્રિન્સીપાલ તથા બર્સરશ્રી તરફે એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા અને મહેન ગોંડલીયા રોકાયેલા છે.

(11:42 am IST)