Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

શિવ શકિત કોલોનીમાં જેતપુરના પ્રતિક કારીયાનું એટીએમ કાર્ડ ચોરી ૧૯ હજાર ઉપાડી લેવાયા

રૂમ પાર્ટનર પાર્થ માવાણીએ જ હાથફેરો કર્યાનું ખુલતાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: મુળ જેતપુરના અને હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ પર શિવશકિત કોલોની બ્લોક નં. ૧૦૮માં અન્ય ચાર રૂમ પાર્ટનર સાથે રહી નામા લખવાની બીલ બનાવવાની નોકરી કરતાં પ્રતિક ચિમનભાઇ કારીયા (ઉ.૨૨)ના રૂમમાંથી તેનું એટીએમ ચોરાઇ જતાં અને તેનો ઉપયોગ કરી રૂ. ૧૯ હજાર ઉપાડી લેવાતાં તપાસ થતાં આ ચોરી તેના જ રૂમ પાર્ટનર પાર્થ વિજયભાઇ માવાણીએ કર્યાનું ખુલતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી પાર્થને સકંજામાં લીધો છે.

બનાવ અંગે પોલીસે જેતપુર જુના પાંચ પીપળા રોડ પર જયરામ એપાર્ટમેન્ટમાં નિવાસ ધરાવતાં અને હાલ રાજકોટ એકાદ વર્ષથી રહી બીલ બનાવવાનું કામ કરતાં પ્રતિક ચિમનભાઇ કારીયા (ઉ.૨૨)ની ફરિયાદ પરથી પાર્થ માવાણી સામે ગુનો નોંધાયો છે. પ્રતિકના કહેવા મુજબ ૯/૮ના રોજ પોતાનું એટીએમ ચોરાઇ ગયું હતું. એ પછી તેમાંથી રૂ. ૧૯ હજાર ઉપડી ગયાનો મોબાઇલમાં મેસેજ આવ્યો હતો.

આથી તેણે ઘરધણી મહિલાને આ બાબતે વાત કરતાં તેમણે રૂમ પાર્ટનર પાર્થ મોઢે રૂમાલ બાંધીની નીકળ્યા પછી થોડીવાર બાદ બાકી ભાડાના પૈસા આપીને વતન જતો રહ્યાનું કહ્યું હતું. તે પાછો આવતાં તેને આ બાબતે પુછતાં પોતે અજાણ હોવાનું કહ્યું હતું. પણ પોલીસને જાણ કરતાં પોલીસે સકંજામાં લેતાં ભેદ ઉકેલાયો હતો. પ્રતિકના કહેવા મુજબ પોતે અને પાર્થ અવાર-નવાર સાથે જમવા જતાં હોઇ એટીએમના ઉપયોગ વખતે તેણે પાસવર્ડ જોઇને યાદ રાખી લીધો હશે અને એ પછી એટીએમ કાર્ડ ચોરી પૈસા ઉપાડી લીધાની શકયતા છે. હેડકોન્સ. જે. એમ. સોંદરવા વધુ તપાસ કરે છે.

(1:23 pm IST)