Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

રેલનગરમાં શિલ્પાબા ઝાલા દાઝયાઃ પતિ, સાસુ અને સસરાએ સળગાવ્યાનો આક્ષેપ

ત્રણ દિવસથી ગાંધીગ્રામમાં બહેન-બનેવીના ઘરે હતાં: આજે સવારે છ વાગ્યે રેલનગરમાં સાસરિયે કપડા લેવા આવ્યા ત્યારે સળગાવ્યાનું રટણઃ ગમતી નથી કહી ત્રાસ આપતાં: પતિને બીજી સાથે લફરૂ હોવાનો પણ આક્ષેપઃ સસરા કહે છે-અમારું ઘર બંધ હતું પુત્રવધૂ બહાર જાતે સળગ્યા હતાં, અમે સળગાવ્યા નથી : ભાયાવદર માવતર ધરાવતાં શિલ્પાબાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા છે : ત્રણ લાઇનની ચઠ્ઠીમાં લખ્યું-હું મરું તે આ ત્રણ જણાના હિસાબે મરુ છું, ત્રણ જણાના ત્રાસથી મરુ છું, આ ત્રણ જીમ્મેદાર છે!

રાજકોટ તા. ૨૧: રેલનગર-૨ શેરી નં. ૨માં રહેતાં શિલ્પાબા રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.૨૫) સવારે ઘરે ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેણીએ પોતાને સાસુ, સસરા અને પતિએ પેટ્રોલ છાંટી સળગાવ્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે સસરાએ કહ્યું હતું કે પુત્રવધૂ બે દિવસથી તેના બહેન-બનેવીના ઘરે ગાંધીગ્રામમાં હતાં. સવારે ત્યાંથી આવી ઘરના ફળીયામાં જાતે જ સળગ્યા છે. શિલ્પાબાએ પોતાને પતિ, સાસુ, સસરા ગમતી નથી તેમ કહી ત્રાસ આપતાં હોવાનો અને પતિને બીજી કોઇ સ્ત્રી સાથે લફરૂ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. માવતર પક્ષ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરશે.

શિલ્પાબા ઝાલાને સવારે સિવિલ હોસ્પિટલમાં દાઝેલી હાલતમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે પ્ર.નગર પોલીસને જાણ કરતાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇએ હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા અને મામલતદારને બોલાવી ડીડી લેવડાવવા તજવીજ કરાવી હતી.

શિલ્પાબાના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. તેના પતિ રાજેન્દ્રસિંહ પ્રાઇવેટ નોકરી કરે છે અને સસરા કોર્ટમાં ફરજ બજાવે છે. શિલ્પાબાના માવતર ભાયાવદર રહે છે. પિતાનું નામ અશોકસિંહ બેચુભા ચુડાસમા તથા માતાનું નામ હંસાબા છે. તેણી બે બહેન અને એક ભાઇમાં વચેટ છે. શિલ્પાબાએ હોસ્પિટલના બિછાનેથી આક્ષેપો સાથે કહ્યું હતું કે મારા પતિ, સાસુ કૈલાસબા અને સસરાને હું ગમતી નથી તેથી ત્રાસ આપે છે. બે દિવસ પહેલા માથાકુટ થતાં મને ગાંધીગ્રામમાં મારા બહેન-બનેવીના ઘરે મુકી જવાઇ હતી. આજે સવારે છએક વાગ્યે હું સાસરિયે મારા કપડા લેવા આવી ત્યારે સાસુ, સસરા અને પતિએ મળી મને સળગાવી દીધી હતી.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં શિલ્પાબાએ ચોંકાવનારા આક્ષેપો કરતાં તેણીના માવતર આવ્યે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી શકયતા છે. જો કે શિલ્પાબાના સસરા મહેન્દ્રસિંહ ઝાલાએ કહ્યું હતું કે પુત્રવધૂ તેમના બહેનના ઘરે હતાં. સવારે તે કયારે અમારા ઘરે આવ્યા એ પણ ખબર નથી. તે ફળીયામાં જાતે સળગ્યા હતાં અને અમને જાણ થતાં અમે બહાર આવી આવી આગ બુઝાવી હતી. અમે સળગાવ્યા નથી. પોલીસે વિશેષ તપાસ યથાતવ રાખી છે.

(1:23 pm IST)