Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં ભોં ટાંકામાં પડી જતાં બે બહેનના એકના એક ભાઇનું મોત

૪ વર્ષનો કૃણાલ રમતો-રમતો ગૂમ થયો, સ્વજનોએ કલાકો શોધખોળ કરી પછી ઘરના ફળીયાના ટાંકામાંથી જ મળ્યોઃ વાલ્મિકી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૧: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૪માં રહેતાં રેલ્વે કર્મચારીનો ૪ વર્ષનો પુત્ર બે બહેનનો એકનો એક ભાઇ રમતો-રમતો ફળીયાના ભોં ટાંકામાં પડી જતાં ડુબી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

સુખસાગર-૪માં રહેતાં અને રેલ્વેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતાં મુકેશભાઇ નાનજીભાઇ બારૈયા (વાલ્મિકી) અને મીનાબેન બારૈયાનો પુત્ર કૃણાલ (ઉ.વ.૪) ગત સાંજે ચારેક વાગ્યે ઘરમાંથી રમવા નીકળ્યો હતો. થોડા સમય પછી માતા મીનાબેન તેને જોવા નીકળ્યા ત્યારે તે જોવા ન મળતાં આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ લાડકવાયાનો પત્તો ન મળતાં માતા તથા સ્વજનો અને અડોશી-પડોશીઓએ આસપાસમાં સતત દોડધામ કરી હતી. છેલ્લે કોઇએ ઘરના ફળીયામાં ભોં ટાંકાનું ઢાંકણુ ખુલ્લુ હોઇ તેની અંદર તપાસ કરતાં કૃણાલ તેમાં જોવા મળતાં સોૈ હેબતાઇ ગયા હતાં.

બેભાન હાલતમાં તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. કૃણાલ બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો એક જ લાડકવાયો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે જાણ કરતાં બી-ડિવીઝનના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)