Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ધર્મેન્દ્ર રોડના વેપારી મોહનલાલ સેલ્સ કોર્પોરેશન પરિવારના મહેશભાઇ દક્ષિણીએ આર્થિક ભીંસને લીધે જિંદગી ટૂંકાવી

પરમ દિવસે લાલપરી તળાવમાંથી મળેલો મૃતદેહ ઓળખાતા કરૂણ વિગતો બહાર આવીઃ એક પુત્ર-બે પુત્રી-પત્નિ સહિતના સ્વજનોમાં કલ્પાંતઃ ૧૬મીએ સાંજે દૂકાને ટિફિન મુકીને નીકળી ગયા'તોઃ શોધખોળ કરતાં સ્વજનોને મૃતદેહ જ મળ્યો

રાજકોટ તા. ૨૦:  પ્રદ્યુમન પાર્કની પાસે લાલાબાપુની ગોૈશાળા પાસે ભીચરી જતાં રોડ પર લાલપરી તળાવમાંથી બે દિવસ પહેલા  આશરે અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ લાશ ધર્મેન્દ્ર રોડ પરના જાણીતા વેપારી મોહનલાલ સેલ્સ કોર્પોરેશન પેઢી પરિવારના મહેશભાઇ જયસુખભાઇ દક્ષિણી (લોહાણા) (ઉ.વ.૫૦-રહે. મહાલક્ષ્મી સોસાયટી, યુનિવર્સિટી રોડ)ની હોવાનું ખુલવા સાથે કરૂણ કથની બહાર આવી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક ભીંસમાં આવી જતાં જિંદગી ટૂંકાવવા મજબૂર થયાનું ખુલતાં પરિવારજનો અને વેપારી મિત્રોમાં શોક છવાઇ ગયો છે. મહેશભાઇના આપઘાતથી ત્રણ સંતાનો, પત્નિ સહિતના સ્વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યાની જાણ થતાં  બી-ડિવીઝનના એએસઆઇ ડી. જી. દાફડા, સંજયભાઇ, કે.આર. ચોટલીયા સહિતે તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મૃતકની તસ્વીર સાથેનો અહેવાલ  ૧૯મીએ અખબારમાં પ્રસિધ્ધ થતાં સ્વજનો તેના આધારે પોલીસ પાસે પહોંચ્યા હતાં અને મૃતક વ્યકિત મહેશભાઇ દક્ષિણી હોવાનું ઓળખી બતાવ્યું હતું.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ૧૬મીએ સાંજે પાંચેક વાગ્યે મહેશભાઇ દક્ષિણી પોતાનું ટિફીન નાનાભાઇની દૂકાને મુકીને દવા લેવા જવાનું કહીને સ્કૂટર લઇને નીકળી ગયા હતાં. એ પછી નાના ભાઇએ ઘરે જઇ ટિફીન આપતાં એ ટિફીન અંદરથી મહેશભાઇનો મોબાઇલ ફોન મળતાં પરિવારજનોએ આકુળ વ્યાકુળ થઇ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. ૧૯મીએ સ્વજનોને મહેશભાઇનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મહેશભાઇ અને તેના પિતા તથા બહેન મોહનલાલ સેલ્સ કોર્પોરેશન નામની સ્ટેશનીરીની દૂકાનમાં બેસી વેપાર કરતાં હતાં. ધર્મેન્દ્ર રોડ પર તેઓ આ વેપારમાં મોટુ નામ ધરાવતાં હતાં. તેઓ ધંધાકીય લેતી-દેતીમાં આર્થિક રીતે ખેંચાઇ ગયા હતાં. વેંચેલા માલની સામે ઉઘરાણી પાકતી ન હોવાનું મિત્ર વર્તુળોમાં ચર્ચાતું હતું. આ કારણે તેઓ મુંજવણમાં હોવાથી પગલુ ભર્યાનું કહેવાય છે.

મહેશભાઇ પોતાની પાછળ પત્નિ, બે પુત્રી, એક પુત્ર સહિતના સ્વજનોને વિલાપ કરતાં છોડી ગયા છે. વેપારી મિત્રોમાં મહેશભાઇ પોતાના સરળ મળતાવડા સ્વભાવને કારણે સારી નામના ધરાવતાં હતાં. મોટી સંખ્યામાં વેપારીઓ તેમની અંતિમયાત્રામાં જોડાયા હતાં. (૧૪.૭)

 

(12:04 pm IST)