Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ભાજપે જશ ખાટવા સફાઇ કામદારોની ભરતીના ફોર્મનું આયોજન કર્યુ અને અંધાધુંધી સર્જાઇઃ કોંગ્રેસ

ડે.કમિશનરની હાજરીમાં સોશ્યલ ડીસ્ટન્શનાં ધજાગરા ઉડયાઃ ફોર્મ વિતરણમાં હજારો ઉમટયાને...તંત્ર ઘાંઘુ થયુઃ ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને આગેવાનો ફોર્મ વિતરણમાં સામેલ થઇ ખોટો જશ ખાટવા પ્રયાસો કરે છેઃ વશરામભાઇ સાગઠિયા સહિતનાં કોંગી કોર્પોરેટરોનાં આક્ષેપો

રાજકોટ તા. ૨૧ : કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગીતાબેન પુરબીયા, સીમીબેન જાદવ, રવજીભાઈ ખીમસુરીયા એ જણાવ્યું છે કે આજે રાજકોટ મહાનગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ) ની ૪૪૧ જગ્યાઓ ભરવા માટેના ફોર્મ વિતરણ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શરુ કરવામાં આવેલ છે પરંતુ, હજારોની સંખ્યામાં લોકો ફોર્મ લેવા માટે ઉમટ્યા હતા એ જ બતાવે છે કે આ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં જ કેટલી બેરોજગારી છે ? અને રાજકોટ મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી વિરોધ પક્ષ તરીકે અમારી વારંવાર ભારત દેશના વડાપ્રધાનશ્રીને, મુખ્યમંત્રીશ્રી, શહેરી વિકાસના અગ્રસચિવશ્રી, રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને, અને રાજકોટના મેયરશ્રીને પણ રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી અંગે રજુઆતો કરવામાં આવેલ છે.

એક-બે વારતો રાજકોટમાં દરેક વોર્ડમાં અમારા દ્વારા હડતાલો પણ પડાવવામાં આવેલ ઉપવાસ આંદોલન પણ કરવામાં આવેલ અને ઘરણાના કાર્યક્રમો પણ યોજેલ તેના ફળ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જે ભરતી થઇ રહી છે તેમાં અનેક પ્રકારની ખામીઓ છે.

દરમિયાન આજે જે પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતી અંગેના ફોર્મનું વિતરણ ડેપ્યુટી કમિશ્નર અને પર્યાવરણ ઈજનેરની હાજરીમાં થઇ રહ્યું હતું તે સ્થળે રૂબરૂ મુલાકાતથી કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી. જેવી કે સોસિયલ ડિસ્ટન્સનો અભાવ હજારોની સંખ્યામાં ભાઈઓ-બહેનો નાના બાળકો સાથે ફોર્મ લેવા માટે વહેલી સવારથી ફોર્મ લેવા માટે પહોંચ્યા હતા અને તે ફોર્મ વિતરણના સ્થળે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર તેમજ ભાજપના વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા લોકોને વ્યવસ્થા કરી રહ્યા હોય તેવો ડોળ કરી લગતા વળગતા લોકોને ફોર્મ અપાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ મામલે સ્થળ ઉપર હાજર ડેપ્યુટી કમિશ્નર શ્રીને રજૂઆત કરી સોસીયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે દરેક લોકોને પોતાના વોર્ડમાંથી જ આ ફોર્મ વિતરણ થવું જોઈએ તેવી રજૂઆત કરી તેના અનુસંધાને ડેપ્યુટી કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો કે અહી હાલ ફોર્મ વિતરણ બંધ કરવામાં આવે છે અને જે તે વોર્ડ- જોન માંથી ફોર્મ મેળવી લેવા.

આમ હાલ કોરોના મહામારી હોય હજારોની સંખ્યામાં લોકો કોરોનાથી પીડાઈ રહ્યા હોય તેવા સમયે રાજકોટ મહાનગરપાલિકાએ ઓનલાઈન અરજીઓ મંગાવવી જોઈએ નહી કે હજારો લોકોની સંખ્યામાં લોકોને એકઠા કરાવીને આડકતરી રીતે પોતાની વાહ વાહ કરવાના પેતરા રચવા ન જોઈએ.

દરમિયાન આજરોજ ફોમ વિતરણના સ્થળ ઉપર વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા પહોંચતા તેઓને કેટલાક લોકોએ એવી રજૂઆત કરી હતી કે સમાજના લોકો દ્વારા આ ભરતીમાં નિમણુંક કરવાના રૂપિયાની લેવડદેવડ થાય છે તેવી રજુઆતો કરી હતી ત્યારે તેઓએ અપીલ કરી છે કે કોઈપણ વ્યકિતને આપે રૂપિયા આપવાના નથી કોઈઙ્ગ બીજા દ્વારા પણ જો રૂપિયાની માંગ કરવામાં આવે તો તેઓને જાણ કરવા વિનંતી.

રાજકોટ મહાનગરપાલિકામાં આ ભરતી અંગે જે કોઈ લોકોએ આર્થિક વ્યવહાર કર્યો હશે તે લોકોના ભરેલા ફોર્મ પણ કાયદેસર રીતે રદ થઇ શકશે તો મહેરબાની કરી કોઈપણની સાથે આર્થિક વ્યવહાર કરવો નહી અને જો કોઈ આવું કરતુ હોય તો વશરામભાઇનો  મો. ૯૮૨૫૧ ૬૫૧૯૧ ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે.

(4:36 pm IST)