Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોરોનાની ડુપ્લીકેટ દવાનો વેપાર સપનામાં પણ ન કરતાઃ ધંધે લાગી જશોઃ કડક સજા

'ટોસીલીઝુમેબ' તથા 'રેમડેસિવિર' ઇન્જેકશનના ડુપ્લીકેશન બાબતે ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ તથા કેમીસ્ટ એસો.આકરા પાણીએ : રાજકોટ સિટી તથા જીલ્લામાં હજુ સુધી 'ટોસીલીઝુમેબ' ના ડુપ્લીકેશનનો એકપણ કેસ જાણવા નથી મળ્યો

રાજકોટ તા.ર૧: વૈશ્વિક મહામારી કોરોનાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાવ્યો છે. લાખો લોકો મૃત્યુ પામ્યા છે. તથા દિવસે-દિવસે કોરોના ગ્રસ્ત થઇ રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં ઉપયોગી ગણાતા 'ટોસીલીઝુમેબ' તથા 'રેમડેસિવિર' ઇન્જેકશન્સની પણ દરેક જગ્યાએ-હોસ્પિટલોમાં ભારે ડીમાન્ડ જોવા મળી રહી છે.

તાજેતરમાં સુરત ખાતેથી 'ટોસીલીઝુમબ'ના નકલી ઇન્જેકશન્સ ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવતા રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આ ટાઇપના ડુપ્લીકેશન સંદર્ભે તપાસ કરવાના આદેશો ગાંધીનગરથી છૂટયા છે. જેને કારણે રાજકોટ જીલ્લાનું ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ પણ સતત દોડી રહ્યું છે પરંતુ હજુ સુધી 'ટોસીલીઝુમેબ'ના ડુપ્લીકેશનનો એકપણ કેસ રાજકોટ સિટી તથા જીલ્લામાં ધ્યાને ન આવ્યાનું રાજકોટ ખાતેના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ કમિશનર એસ.એસ.વ્યાસે અકિલાને જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે કોરોના સંદર્ભેની કે અન્ય કોઇપણ દવામાં જો ડુપ્લીકેશન (સ્ફુરીયસ) દવા આવશે તો કાયદા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ડુપ્લીકેટ દવા બનાવવી કે વેચવી તે સંદર્ભે કાયદામાં સખત સજાની જોગવાઇ છે ડુપ્લીકેટ દવા વેચનાર જે-તે વેપારીનું લાયસન્સ તો તુરત જ સસ્પેન્ડ થઇ જાય છે પરંતુ લાયસન્સ કાયમ માટે રદ પણ થઇ શકે છે. અમુક કિસ્સામાં તો દિવસો સુધી જામીન પણ ન મળતા હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ મુજબ કામ ચલાવવામાં આવે છે.

દવાના ડુપ્લીકેશન બાબતે કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું કે 'ટોસીલીઝુમેબ' સહિતની કોઇપણ ડુપ્લીકેટ દવાએ જો કોઇ વેપારી પાસેથી પકડાશે તો એસોસીએશનના તમામ સભ્યો તેનો કાયમી બોયકોટ કરશે. ડુપ્લીકેટ દવા બનાવવા કે વેચનારની સમાજને કે એસોસીએશનને જરા પણ જરૂર ન હોવાનું જણાવ્યું હતું. દવાઓના કાળાબજાર કરનારા ઉપર પણ આકરા પગલા લેવાશે. માટે ખોટી રીતે દવાનો વેપાર કરવાનું સપનામાં પણ ન વિચારવું હિતાવહ છે.

કોરોનામાં ફાયદાકારક ગણાતા ટોસીલીઝુમેબ તથા રેમડેસિવિર ઇન્જેકશન્સ માટે હાલમાં નિયત કરેલ 'કોવિડ હોસ્પિટલ્સ' ડાયરેકટ દવા બનાવતી કંપનીને ઓર્ડર આપે છે. ત્યારબાદ કંપની જ હોસ્પિટલ્સના નામ-ઓર્ડર સાથે જ જેથી દવાના હોલસેલને ઇન્જેકેશન્સ સપ્લાય કરે છે. જેથી હોસ્પિટલ્સમાં દાખલ થયેલા જરૂરીયાતમંદ કોરોના ગ્રસ્ત દર્દીને ઇન્જેકશન્સ આપી શકાય. હાલમાં આ મુજબ ચેનલ ચાલે છે. જો કે અમદાવાદ-સુરતની સરખામણીમાં 'ટોસીલીઝુમેબ' ઇન્જેકશન્સની જરૂરીયાતવાળા પેશન્ટ રાજકોટમાં હાલમાં ઓછા હોવાનું દેખાઇ રહ્યું છે.

પરંતુ જો પેસન્ટ તથા કોવિડ હોસ્પિટલ્સની સંખ્યા વધવા માંડે તો દવાના ધંધાર્થી પાસેથીજ 'ટોસીલીઝુમેબ' તથા 'રેમડેસિવિર' ઇન્જેકશન્સ પ્રાપ્ત કરવા પડે તેવું બની શકે. આવા સમયે ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ તથા કેમીસ્ટ એસોસીએશનની જવાબદારી અને કસોટી અનેકગણી વધવા સંભવ છે.

(4:33 pm IST)