Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાના તાંડવ સામે કલેકટરની રીવ્યુ મીટીંગ : મ્યુ. કમિશનર - DDO પાસેથી વિગતો જાણી

વધુને વધુ કોન્ટેક ટ્રેસીંગ - ટેસ્ટ - ધનવંતરી રથ દોડાવવા સૂચના : હોસ્પિટલોની સારવાર અંગે રીવ્યુ લેવાયો

રાજકોટ તા. ૨૨ : રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે, આજે શહેરમાં ૧૦ અને જિલ્લામાં ૪ કેસ મળી કુલ ૧૪ કેસ આવ્યા છે, આરોગ્યની ટીમો સતત દોડી રહી છે.

દરમિયાન જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને કોરોનાના તાંડવ અને તેની સામે લેવાઇ રહેલા પગલા, કાર્યવાહી, હોસ્પિટલોની સુવિધા, પૂરતા બેડ, કોવીડ કેર સેન્ટર, કોરોન્ટાઇન સેન્ટર, મેડીકલ સ્ટાફની અછત સહિતની બાબતે સવારે ૧૦ વાગ્યાથી સમીક્ષા બેઠક યોજી હતી.

કલેકટરે મ્યુ. કમિશનર તથા ડીડીઓ અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે મીટીંગ યોજી લેવાઇ રહેલ પગલા અંગે રીવ્યુ જાણ્યો હતો.

મીટીંગમાં વધુને વધુ કોન્ટેક ટ્રેસીંગ કરવા, ટેસ્ટો વધારવા, ધનવંતરી રથ અને ટોસીલઝુમેબ ઇન્જેકશન વાપરવા અંગે બનાવાયેલ કમિટીના પ્રતિભાવો અંગે પણ ચર્ચા વિચારણા થઇ હતી. ખાસ કરીને ધનવંતરી રથ વધુને વધુ દોડાવાય, સંખ્યા વધારાય અને ટેસ્ટ વધુને વધુ કરાય તે ઉપર ભાર મુકાયો હતો.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આજથી મીટીંગમાં કોરોના સામે થઇ રહેલ કાર્યવાહી અંગે સમીક્ષા કરાઇ હતી, કોઇ નવા નિર્ણયો લેવાયા નથી, કોન્ટેક ટ્રેસીંગ, ટેસ્ટ, ધનવંતરી રથ, દવા, હોસ્પિટલ અંગે રીવ્યુ લેવાયો હતો, હાલ શહેર - જિલ્લામાં નવી કોવીડ હોસ્પિટલ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

(4:32 pm IST)