Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને ગળામાં દુઃખાવો, તાવની ફરિયાદઃ ત્રણ વિભાગના ૩૦ના રિપોર્ટ નેગેટિવ

શનિવારે કોરોના પોઝિટિવ જાહેર થતાં હોમ કવોરન્ટાઇન છેઃ તેમના ધર્મપત્નિ ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિબેનની તબિયતમાં ખુબ સુધારો : ગઇકાલે એક સિસ્ટરનો રિપોર્ટ પોઝિટિવઃ અત્યાર સુધીમાં ૧ બ્રધર મળી કુલ ૯ નર્સિંગ સ્ટાફના કોરોના પોઝિટિવ આવ્યાઃ આ પૈકીના ૪ સારવારમાં: બાકી તમામ સાજા

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલમાં કોરોના હોસ્પિટલ ચાલુ થઇ અને પ્રથમ કેસ આવ્યો ત્યારથી સતત કોરોના વોરિયર તરીકે કામ કરી રહેલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનિષ મહેતાનો કોરોના રિપોર્ટ શનિવારે પોઝિટિવ જાહેર થતાં તેઓ હોમ કવોરન્ટાઇન રહી સારવાર લઇ રહ્યા છે. તેમને હજુ ગળામાં દુઃખાવો તથા થોડા તાવની ફરિયાદ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તેમના ધર્મપત્નિ અને સિવિલના ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિબેન મહેતાનો રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો હતો. તેમની તબિયતમાં ખુબ સુધારો હોવાનું જણાવાયું છે. આ બંનેના સંપર્કમાં આવેલા અન્ય તબિબો અને નર્સિંગ સ્ટાફ મળી ત્રીસથી વધુના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. આ બધા જ રિપોર્ટ નેગેટિવ આવ્યાનું જણાવાયું છે. દરમિયાન કોવિડ વિભાગના એક સિસ્ટરનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવતાં ઇન્ડોર તરીકે દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના ધર્મપત્નિ અને સિવિલના ડેન્ટલ વિભાગના વડા ડો. જાગૃતિબેનનો રિપોર્ટ પણ કરાવાયો હતો. તે પણ પોઝિટિવ જાહેર થયો હતો. ડો. મનિષ મહેતા હોમ કવોરન્ટાઇન રહીને સારવાર લઇ રહ્યા છે. તેમણે 'અકિલા'ને વાતચીતમાં જણાવ્યું હતું કે આજે પણ ગળામાં થોડી તકલીફ થઇ રહી છે અને થોડો તાવ પણ છે. તેમના ધર્મપત્નિની તબિયત ઘણી સુધારા પર છે.

ડો. મનિષ મહેતા અને ડો. જાગૃતિબેન મહેતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ઇએનટી, ડેન્ટલ તેમજ ગાયનેક વિભાગના તબિબો, રેસિડેન્ટ ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફ મળી ત્રીસેક રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. જે તમામ નેગેટિવ જાહેર થયાનું આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું હતું.

દરમિયાન નર્સિંગ વિભાગના હેડ હિતેન્દ્રભાઇ જાખરીયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯માં ફરજ બજાવી રહેલા એક નર્સનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ જાહેર થતાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ વિભાગ શરૂ થયો ત્યારથી માંડી આજ સુધીમાં નર્સિંગ વિભાગના કુલ ૯ સ્ટાફના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક બ્રધર અને બાકીના ૮ સિસ્ટર છે. આ પૈકીના ચાર સિસ્ટર હાલ સારવાર હેઠળ છે અને આવતી કાલે ડિસ્ચાર્જ કરવામાં આવશે. તમામની તબિયત સારી છે.

(4:28 pm IST)