Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

આપણી પૌષ્ટિક - સ્વાદિષ્ટ ફૂડ પરંપરા ભુલાવાઇ રહી છે...

માર્કેટીંગ માફિયાથી ચેતો, હેલ્ધી રહો

દૂધ - શુધ્ધ ઘી - તલનું તેલ, ચુનાવાળુ પાણી, વાળો, ઘઉં, સિંધવ નમક, મસાલા વગેરે ભૂલાવી દેવાયા અને કેમિકલયુકત ફૂડનો પ્રચાર કરીને આધુનિકતાના નામે આપણને ખોખલા કર્યા...

તમારા ઘરમાં કે પરિવારમાં એંશી-નેવું વર્ષના કોઈ વડીલ હોય તો પૂછી જોજો... તેઓ જયારે સાવ નાનાં હતાં ત્યારે ઘરમાં રસોઈ માટે કયું તેલ ઉપયોગમાં લેવાતું? મોટાભાગનાં વડીલોનો જવાબ 'તલનું તેલ' હશે અને આજે આપણે કયું તેલ પેટમાં ઠાલવીએ છીએ? મલયેશિયાનું પામ ઓઈલ અને ગુજરાતનું કપાસિયાં તેલ! પામ ઓઈલનો એક અને એકમાત્ર ફાયદો એ છે કે, તેમાં બનેલું ફરસાણ લાંબા સમય લગી ખોરું થતું નથી. ટૂંકમાં કહીએ તો તેની શેલ્ફ લાઈફ વધુ છે. બીજું, એ મફતનાં ભાવમાં મળે છે. પણ, આ ફાયદાની સામે એનાં ગેરફાયદા અગણિત છે. કહો કે, એ શરીરનું ધનોતપનોત કાઢી નાખે છે, તેમાં બેડ કોલેસ્ટરોલનું પ્રમાણ ભયાનક છે, હેલ્થ બેનિફિટ્સ નહિવત્ છે અને કપાસિયાં તો આમ પણ પશુઓનો ખોરાક કહેવાય છે. આ આપણી ભવ્ય પ્રગતિ છે. તલ જેવાં પવિત્ર, ગુણકારી અને આશીર્વાદ સમાન તેલીબિયાંથી આપણે છેક કપાસિયાં જેવા પશુદાણ સુધી પહોંચી ગયા.

જાણકારો કહે છે કે, દસ વર્ષ જો કપાસિયાં તેલ ખાઓ તો હાડકાના સાંધા ખતમ થઈ જાય, અન્ય અનેક ગેરફાયદા અલગ. પામ અને કપાસિયાં તેલમાં કોઈ સ્વાદ પણ નથી, બિલકુલ બેસ્વાદ.?કદાચ એ સ્વાદિષ્ટ હોય તો આપણે એવું માની પણ લઈએ કે, લોકો સ્વાદનાં મોહને કારણે એ ઝોંટતા હશે. પણ અહીં તો ઊલટું છે. તલનું તેલ અત્યંત સ્વાદિષ્ટ છે, ગુણોથી ભરપૂર છે. તલને આપણાં શાસ્ત્રોએ પૂજાકર્મમાં પણ સ્થાન આપ્યું છે. કોઈ યજ્ઞમાં કયાંય કપાસિયાનો હોમ થતો હોય, એવું જોયું તમે? કયાંય પામના બિયાં હોમાય છે? ના. વડવાઓ જાણતાં હતાં કે કયા બિયાંનું તેલ ખવાય, કયા બિયાંનું તેલ ઔષધ તરીકે અમૃત છે અને ખોરાક તરીકે ઝેર છે, કયા બિયાંના તેલનો ઉપયોગ ઘઉં સાચવવા થાય અને શેનો માત્ર માલીશ માટે થઈ શકે.

બેશક તલનું તેલ મોંઘું છે. પણ, એ તો આપણા કારણે મોંઘું છે. આજે પણ તલનાં ઉત્પાદનમાં ગુજરાત આખા દેશમાં નંબર વન છે. ઘેર-ઘેર જો તલનું તેલ ખવાતું હોત તો ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા જ ન હોત. અગાઉ તો ખાદ્યતેલની વાત થાય ત્યારે એવું સમજી જ લેવું પડતું કે, તલનાં તેલ અંગે વાત થઈ રહી છે. પછી મગફળીનું તેલ અથવા તો શિંગતેલ આવ્યું. ત્યારે જે લોકો શિંગતેલ ખાતા તેનું સ્ટેટસ ડાઉન ગણાતું. લોકો માનતા કે, તેલ તો તલનું જ ખાવાનું હોય. કારણ કે, તલનાં તેલનો ઔષધિય ગુણો પણ પારાવાર છે. જો કે, મગફળીનું તેલ પણ પોષણથી અને ગુણોથી છલોછલ છે, સ્વાદમાં બેનમૂન છે. પણ, હલકું પામતેલ, કપાસિયાં તેલ અને જાતજાતનાં ડિસ્કો તેલ વેચવા તેની સામે એવો અને એટલો કુપ્રચાર થયો કે લોકો ડરી ગયા અને ક્રમશ : તેનો ઉપયોગ પણ ઘટતો ગયો અને આજે આપણે તેનાં વિકલ્પરૂપે સડેલું પામતેલ, કપાસિયાનું તેલ અને તોતિંગ કંપનીઓનાં બ્રાન્ડેડ એડિબલ ઓઈલ પેટમાં ઠાલવીએ છીએ. આ બ્રાન્ડેડ ડબલ રિફાઈન્ડ ઓઈલ પણ એક તૂતથી કમ નથી. કેટલાક મોંઘાદાટ બ્રાન્ડેડ ખાદ્યતેલોને અનેક પ્રકારનાં કેમિકલ્સ ઠાલવી ને પાતળા, પારદર્શક અને ચિકાશરહિત બનાવાય છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તેનાં અનેક ગુણધર્મો અને પોષકતત્ત્વોનો નાશ થાય છે. પણ ફેશન છે. ટેલિવિઝન એડવર્ટાઈઝમેન્ટની રૂપાળી પત્ની તમને કહે છે કે, તેનાં પતિનું હાર્ટ સ્વસ્થ રાખવા એ તેને આવું ઝેર ખવડાવે છે! અને આપણે માની પણ લઈએ છીએ. કહેનારી દીવાની નથી કારણ કે, તેને એ કહેવાનાં લાખો - કરોડો રૂપિયા મળે છે. આપણે ચોક્કસ જ દીવાના અને મૂર્ખ છીએ. કેમ કે, ગાંઠના પૈસે આપણે સોનાની જગ્યાએ કથિર ખરીદીએ છીએ અને પેટમાં ઠાલવીએ છીએ. મકાઈથી લઈને ચોખાના ફોતરાં અને પશુદાણનાં બિયાંના તેલથી બજાર ખદબદી રહ્યું છે. કેટલાં વર્ષો સુધી મૂર્ખ બનવું છે? જે વસ્તુ નિયમિત પેટમાં ઠાલવવી છે - તેનાં વિશે થોડો અભ્યાસ કરવાની આદત કેળવીએ. આજનાં સમયમાં ધનવાન વર્ગ માટે તલનાં તેલથી વિશેષ અને બાકીનાં વર્ગ માટે શિંગતેલથી વિશેષ બીજું કોઈ ખાદ્યતેલ નથી. એ પણ દેશી ઘાણીનું, માત્ર કપડાંથી ગાળેલું હોવું જોઈએ, રિફાઈન્ડ નહિ.

બહુ બધું ધુપ્પલ ચાલ્યું છે. માર્કેટના માફિયાઓ દરરોજ આપણા દિમાગમાં ઝેર ઠાલવતાં રહે છે. સાવધાન! એમની વાતો માનવી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આખો મુદ્દો યાદ આવવાનું કારણ છે, ગયા અઠવાડિયે આવેલા એક ન્યૂઝ સમાચાર કંઈ ફ્રન્ટ પેજ પર હેડલાઈન નથી બન્યા, અંદરના પેઈજ પર પણ દેખાયા નહિ. ટીવી પર પણ જોવા ન મળ્યા. ન્યૂઝ એ હતા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે, દેશમાં ચોક્કસ સ્તરની નીચા ટીડીએસનું પાણી આવતા આર.ઓ. વોટર પ્યોરિફાયર પર તત્કાળ પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે, તેનાં કારણે જળમાં રહેલા પોષકતત્ત્વોનો નાશ થાય છે, ઘણાં મિનરલ્સ અને અન્ય તત્ત્વો ખતમ થઈ જાય છે. હવે ઠેઠ આપણી આંખ ઊઘડવાની શરૂઆત થઈ. જાણકારો બહુ વર્ષોથી કહેતા હતા કે, ઝાલાવાડ - કચ્છ જેવા વિસ્તારોમાં જયાં અતિશય ક્ષારયુકત પાણી આવતું હોય. ત્યાં કદાચ આર. ઓ. અનિવાર્ય હોઈ શકે. પરંતુ બાકીના વિસ્તારો માટે તો તેનું પાણી વિષ સમાન છે. બન્યું છે એવું કે, શહેરોમાં પણ ઘર-ઘરમાં આર. ઓ. પ્લાન્ટ ઘૂસી ગયા છે. બેવકૂફ લોકો કોઈ જ પ્રકારનાં અભ્યાસ વગર 'સૌથી મોંઘું મશીન ખરીદવાની ખંજવાળમાં આ ભૂત ઘરમાં ઘાલી ચૂકયા છે. સુપરરિચ લોકો હવે આલ્કલાઈન વોટર ફિલ્ટર ઈન્સ્ટોલ કરી રહ્યા છે. કારણ કે, એ દોઢેક લાખથી શરૂ કરીને ચાર લાખ સુધીનું મળે છે. સ્ટેટસ, યુનો!

અગાઉ ઘરનાં માટલાંમાં 'વાળો'(વેટિવર ગ્રાસ) નાંખતા આપણે. સુગંધ પણ તેની ભીની-ભીની રહેતી અને માટલાંના પાણીએ એ 'વાળો'ઓલમોસ્ટ આલ્કલાઈન વોટર જેવું ગુણકારી બનાવી દેતો. આજે હવે 'વાળો'અદૃશ્ય થઈ ગયો. મકાનોમાં અગાઉ વરસાદી જળનાં સંગ્રહ માટે વિશિષ્ટ વ્યવસ્થા થતી. કળી ચૂનો અને ફટકડી નાંખી ને તે પાણી આખું વર્ષ પીવાનાં ઉપયોગમાં લેવાતું. એ પણ ગયું. બધી જૂની બાબતો સારી જ હતી એવું નથી, પરંતુ સારી વાતોમાંથી મોટાભાગની આપણે ક્રમશઃ છોડતાં ગયા, ભૂલતાં ગયા. આપણને કહેવામાં આવ્યું કે, ઘી તો ઝેર છે! બાઘાની માફક આપણે ઘી બંધ કરવા માંડ્યા અને ભયંકર નુકસાન કરતાં ડાલડા ઘી અથવા તો વેજિટેબલ ઘી તરફ વળ્યા! હવે દેશભરના નિષ્ણાતો સ્વીકારી રહ્યા છે કે, નિશ્ચિત માત્રામાં લેવામાં આવે તો ઘી અમૃત છે! દેશના ખ્યાતનામ ડાયેટિશિયનો હવે સલાહ આપી રહ્યા છે કે, ડેઈલી ડાયેટમાં ઘીને અવશ્ય સ્થાન આપો.

ઉદાહરણોની અછત નથી, એક શોધશો તો હજાર મળશે. ચોખાના પૌઆ છોડ્યા આપણે અને કોર્નફલેકસ ઝાલ્યા. પૌઆ જેવો હળવો અને નિર્દોષ એકેય નાસ્તો નથી. પણ આપણને કહેવામાં આવ્યું કે, બાળકો જો આ કોર્નફલેકસ ખાશે તો અરબી ઘોડાં જેવા તંદુરસ્ત બની જશે. જાણે પૌઆ - મમરા ખાઈને આપણાં બાળકો લુલાં - લંગડા બની ગયા હોય! આપણને કહેવાયું છે કે, 'ઈન્ડિયન કરી ઈઝ ટુ સ્પાઈસી...' હવે જગત આખું એ જ ભારતીય હર્બ્સ પાછળ ઘેલું છે. એ જ તજ - લવિંગ, મરી-મસાલા, હળદર, મરચું, અજમો, જાયફળ અને જાવંત્રીનો ઔષધિય મહિમા હવે બધા જ સ્વીકારે છે. કોરોના કાળમાં પણ આ જ આપણાં મસાલા હવે ઔષધ તરીકે કારગત નિવડી રહ્યાં છે. આપણે સદીઓથી રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ, હવે આપણને કહેવામાં આવે છે કે, હળદર ખાઈએ તો અલ્ઝાઈમરથી મહદ અંશે બચી શકીએ. વૈજ્ઞાનિક પરીક્ષણો નહોતા થયા ત્યારે પણ આપણે હળદરનો ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. હવે મેડિકલ સાયન્સ કહે છે કે, તેમાં કરકયુમિન નામનું એક ચમત્કારિક તત્ત્વ છે - જે મોટાભાગના વાઈરસ, બેકટેરિયા અને ફંગસ સામે જબરજસ્ત પરિણામ આપે છે.

અમારા રાજકોટમાં વર્ષો પહેલાં અઠવાડિયે એક વખત એક વૈદ્યરાજ આવતા. ટોકન ચાર્જ લઈને તેઓ નાની-મોટી બીમારીનો ઈલાજ સૂચવે. એમની સારવાર પણ એકદમ યુનિક. આપણા રસોડામાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓ જ દવા તરીકે સૂચવે. કોઈને અજમો લેવાનું કહે, કોઈને મેથી તો કોઈને વરિયાળી, તજ-લવિંગ, એલચી, જાયફળ કે ધાણાજિરૂ. લોકો તેમને 'રસોડાં વૈદ્ય'તરીકે જ ઓળખતા. આપણું રસોડું સ્વયં એક ઔષધ કેન્દ્ર હતું, આપણે તેને રોગોનું ઘર બનાવી દીધું. ફ્રોઝન ફૂડ, પ્રિઝર્વેટિવ ધરાવતા ખાદ્યપદાર્થો અને જાતજાતનાં ફાલતૂ સોસ આપણાં ભોજનનો હિસ્સો બન્યા. અસલી વસ્તુઓ વિસરાતી ગઈ અને સિન્થેટિક પદાર્થો ઘૂસતા ગયા. જરા વિચાર કરો, કહેવાતી ચાઈનીઝ ડિશમાં ચિલી સોસ, ટોમેટો સોસ, ગાર્લિક સોસ વગેરે ઠલવાય છે. સવાલ એ છે કે, શું આપણી ચટણીઓ એ ફ્રેશ સોસ જ ન ગણાય? આપણે લસણની, મરચાંની, આદુની, કોથમીર - ફુદીનાની ફ્રેશ ચટણીઓ બનાવી જાણીએ છીએ. આ બધી ચટણીઓ એક પ્રકારે એપેટાઈઝરનું કામ પણ કરે છે અને ઔષધનું પણ કરે છે. આપણને આવા છ-બાર મહિના પહેલા બનેલા અને ભરપૂર કેમિકલ્સ ધરાવતા હાનિકારક સોસની કોઈ જ આવશ્યકતા નથી. પણ, હૈસો હૈસો ચાલ્યા કરે છે. બદામ - પિસ્તાવાળું દૂધ બાળકોને આપવાને બદલે હવે આપણે ટીનપેક ફૂડ સપ્લીમેન્ટ આપીએ છીએ, ચિક્કાર ફળો ઉપલબ્ધ હોવા છતાં માત્ર ૨૫ ટકા ફળોનો રસ ધરાવતા ટેટ્રા પેક ખરીદીએ છીએ. આપણા ગામના પાદરે સરગવો સાવ રેઢો ઊભો હતો, વડવાઓ તેનાં પાનમાંથી થેપલાં, મુઠિયાં અને સબ્જી બનાવતાં. એ બંધ કર્યું. આજે એ જ પાંદડાનો પાવડર બે-ત્રણ હજાર રૂપિયે કિલો ખરીદીને ગળચીએ છીએ. કારણ કે, હવે તો નિષ્ણાતો તેનાં ગુણગાન ગાય છે! યાદ રાખજો, આપણાં વડવાઓ કરતાં મોટા નિષ્ણાતો બીજા કોઈ નહોતા, કોઈ નથી.

(મુંબઇ સમાચારની રવિ પૂર્તીમાંથી સાભાર)

શેમ્પુથી બ્રાન્ડેડ નમક :

રવાડે ન ચઢો

મલ્ટિનેશનલ કંપનીઓએ આપણને કહ્યું કે, વાળને સિલ્કી બનાવવા અમારું શેમ્પુ ઈસ્તેમાલ કરો અને અરિઠા, શિકાકાઈ છોડો! આજે હવે એ જ કંપનીઓ અરિઠા અને આમળા અને શિકાકાઈયુકત શેમ્પુની કરોડોના ખર્ચે જાહેરાતો ટેલિવિઝન પર આપે છે. આપણે જયારે દાંત સાફ કરવા કોલસા કે નમકનો કે દાતણનો ઉપયોગ કરતા ત્યારે તોસ્તાન કંપનીઓ ભારતીયોની ઠઠ્ઠા-મશ્કરી કરતી હતી. હવે, દરેક મલ્ટિનેશનલ કંપનીઓ કરંજ, બાવળ, લવિંગ વગેરેનો અર્ક નાંખીને ટુથપેસ્ટ બનાવે છે! તેઓ કોલસાવાળી પેસ્ટ પણ બનાવે છે અને દરરોજ આપણને પૂછે છે કે, 'આપ કે ટુથપેસ્ટ મેં નમક હૈ? હમણાં એક નવું તૂત નીકળ્યું છે : વ્હિટ બેલી. કોઈ એક ઘનચક્કર સંશોધકે તારણ આપ્યું કે, ઘઉંને કારણે પેટ વધે છે, તેમાં રહેલા ગ્લુટેનને કારણે ફાંદ વધે છે. કહેતા ભી દિવાના, સુનતા ડબલ દિવાના. કોઈ ધાનથી એમ પેટ વધતું નથી. માપમાં લો ત્યાં સુધી કશું જ ઝેર નથી. બેશક, બાજરો, જુવાર, મકાઈ જેવા જાડા ધાનનો મહિમા અપરંપાર છે. પણ, તેનો મતલબ એ નથી કે, ઘઉં નકરૃં નુકસાન કરે છે. સાવધાન રહો, આવા કુપ્રચારથી બચો. આપણી ફુલકા રોટલી જેવી સુપાચ્ય અને પોષક બ્રેડ આખી દુનિયામાં બીજી એકપણ નથી. આવો જ એક ટ્રેન્ડ ચાલ્યો છે : વિગન બનવાનો. વિગન એટલે દરેક ડેરી પ્રોડકટનો નિષેધ. દૂધ, દહીં, છાસ, માખણ, ઘી, ચીઝ, પનીર.... કશું જ નહિ લેવાનું. ભારતીયો માટે આ કોન્સેપ્ટ બેવકુફીથી વિશેષ કશું જ નથી. કારણ કે, પશ્ચિમમાં આ આઈડિયા પશુઓ પર અત્યાચાર રોકવાની ચળવળના ભાગરૂપે છે. ભારતનું ગોપાલન ક્રુરતાથી જોજનો દૂર છે. અહીં તો ગોપાલક જે-તે ગાયને નામથી ઓળખે છે, ગાય અથવા ભેંસ તેની સખી હોય છે. અહીં ક્રુરતા જેવી કોઈ વાત જ નથી. બીજું, દૂધ-દહીં, ઘી અને પનીરનું આપણી ડિશમાં આગવું સ્થાન છે. એનો મહિમા અને મહત્વ આપણે જાણીએ છીએ. યાદ રાખજો, આજથી પાંચ-દસ વર્ષ પછી આપણે લોકોને વિગનમાંથી ફરી વેજિટેરિયન બનવા ઝુંબેશ કરતા હોઈશું. અગાઉ અનેક બાબતોમાં આવું જ બન્યું છે. મૂર્ખ ન બનો, વેજિટેરિયન બનો, વિગન બનવું એ મુર્ખતા છે.

દેશી અને વેસ્ટર્ન કંપનીઓએ આપણને ઉપદેશ આપ્યો કે, નમકમાં આયોડિન અનિવાર્ય છે. તેમણે શેરીમાં નમક વેચવા આવતા ફેરિયાઓની લારીઓ બંધ કરાવી. ફેરિયાઓ ભંગારની સામે નજીક જોખી આપતાં, કંપનીઓએ તગડો ભાવ નક્કી કર્યો. મારો સવાલ તો એ છે કે, દરિયાઈ મીઠું - સી સોલ્ટ ખાવાની જરૂર જ શી છે? આયુર્વેદમાં પણ સિંધાલૂણનો મહિમા છે, હિમાલયન પિન્ક સોલ્ટ તરીકે ઓળખાતું ગુલાબી નમક પણ ગુણમાં બેજોડ છે. મેં તો સગી આંખે યુરોપિયનોને ત્યાંના સુપરસ્ટોરમાં સો-બસો ગ્રામની ડબ્બી માટે ત્રણ-ચાર યુરો (ત્રણસો - ચારસો રૂપિયા) હસતાં - હસતાં ચૂકવતાં જોયા છે. અહીં એ પહાડી નમક એકસો રૂપિયાનું કિલો મળે છે અને સિંધવ નમક પચાસ-સાંઠ આસપાસનું. પણ આપણને તબિયત સારી રાખતા આપણા આવા દેશી નમકમાં રસ નથી, બ્લડપ્રેશર હાઈ કરી નાંખતા બ્રાન્ડેડ દરિયાઈ નમક આપણે હોંશે-હોંશે ખરીદીએ છીએ.

: આલેખન :

કિન્નર આચાર્ય

૯૮૨૫૩ ૦૪૦૪૧

(4:26 pm IST)